ઈલિયાસ શેખ :- સંતરામપુર
સંતરામપુરના જોહાર સોસાયટીમાં આસ્થા સાથે ગણેશ વિસર્જન
ડીજેના ઘોંઘાટને બદલે ભજન-કીર્તનના સૂર, સાત દિવસની આરાધના બાદ બાપ્પાને ભાવભેર વિદાય
દાહોદ તા. 20 
સંતરામપુર નગરના જોહાર સોસાયટીમાં ગણેશોત્સવની અનોખી અને ધાર્મિક પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું. સાત દિવસ સુધી ગણપતિ બાપ્પાની સ્થાપના કરી પૂજા-અર્ચના, ભજન-કીર્તન, ગણપતિ ચાલીસા અને વંદના સાથે શ્રદ્ધાભેર આરાધના કર્યા બાદ રવિવારે બાપ્પાનું જુના તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.આ વિસર્જન યાત્રાની ખાસિયત એ રહી કે ડીજે અને ઘોંઘાટનો સંપૂર્ણ ત્યાગ કરી ધાર્મિક વાતાવરણમાં જ બાપ્પાને વિદાય આપવામાં આવી હતી. જોહાર ચોકના તમામ પરિવારો એકસાથે જોડાયા હતા. બાળકોથી લઈને વડીલો સુધી સૌએ માઇક સાથે ભજન-કીર્તન કરતાં ગણેશજીની પ્રતિમાને વિસર્જન સ્થળ સુધી લઈ ગયા હતા.ઢોલ-નગારા અને ડીજેના બદલે ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે ભક્તિભાવના ગીતો અને ગણપતિ ચાલીસાના પાઠથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પરિવારના સભ્યો અને બાળકોમાં પણ આ ધાર્મિક ઉજવણીને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.જોકે જોહાર ચોક સોસાયટીના પરિવારોએ ગણેશોત્સવને માત્ર ઉત્સવ નહીં પરંતુ શ્રદ્ધા, સંસ્કાર અને સામૂહિક એકતાનો પ્રસંગ બનાવી સાત દિવસ સુધી આરાધના કરી અને અંતે બાપ્પાને ભાવુકતા સાથે વિદાય આપી હતી.
*‘ડીજે નહીં, ભક્તિના સૂર સાથે બાપ્પાને વિદાય’*
સંતરામપુર જોહાર સોસાયટીમાં પરિવારોએ અનોખી ધાર્મિક રીતે ગણેશ સ્થાપના કરી વિસર્જન કર્યું પરિવારે સંદેશ આપ્યો ધાર્મિક ગણિત સ્થાપના અને મનોરંજન બેની સાથે જોડવું ના જોઈએ અને આગામી વર્ષમાં અમારો પ્રયત્ન કરી શકે માટીના ગણપતિ ની સ્થાપના કરીશું એવો સંદેશ પણ આપેલો અનિલભાઈ કટારા સંતરામપુર
*સંતરામપુરમાં 100 જેટલા પરિવારોની ગણેશજીની ભાવભક્તિપૂર્વક વિદાય.*
સંતરામપુર નગર તેમજ આસપાસના ગામડાં, સોસાયટી અને બજાર વિસ્તારોમાં આશરે 100 જેટલા પરિવારોએ ગણેશજીની સ્થાપના કરી હતી. સાત દિવસની આરાધના બાદ આજે ભક્તોએ ધાર્મિક માહોલમાં ગણેશજીની પ્રતિમાઓનું જુના તળાવ ખાતે અલગ-અલગ સ્થળે વિસર્જન કર્યું હતું. ડીજે અને મનોરંજનથી દૂર રહી ભજન-કીર્તન તથા શ્રદ્ધાભેર ગણેશજીને વિદાય આપવામાં આવી હતી. સમગ્ર આયોજન દરમિયાન શાંતિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું.
