
સ્માર્ટ ફોન સહાય વિતરણ કાર્યક્રમ અંતર્ગત દાહોદના ખેડૂતોને સહાય વિતરણનો પ્રારંભ
દાહોદ જિલ્લાના ૬૦૩ ખેડૂતોને સ્માર્ટ ફોન સહાય યોજના અંતર્ગત સહાય મંજૂર
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૩૧ ખેડૂતોને સહાય મંજૂરી પત્ર આપતા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી
દાહોદ, તા. ૨૩ :
કૃષિકારો અદ્યતન ખેતીને અપનાવે અને નવીનતમ ટેકનોલોજીથી જાણકાર રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટફોનની ખરીદી ઉપર સહાય આપવામાં આવી રહી છે. જેનો પ્રારંભ ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે લાભાર્થી ખેડૂતોને સ્માર્ટ ફોનના વિતરણ થકી કર્યો છે. દાહોદ જિલ્લાના કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જિલ્લા સેવા સદન ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
આ ઉપરાંત જિલ્લા સેવા સદન ખાતેથી કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ જિલ્લાના ખેડૂતોને સ્માર્ટ ફોન સહાયનું વિતરણ કર્યું હતું. દાહોદ જિલ્લાના ૬૦૩ ખેડૂતોને આ યોજના અંતર્ગત પૂર્વમંજૂરી આપવામાં આવી છે. જેમાંથી ૩૧ લાભાર્થી ખેડૂતોને રૂ. ૧૭૪૧૯૪ની સહાય મંજૂરી પત્ર કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આજ રોજ આપ્યા હતા. કલેક્ટર ડો. ગોસાવીએ જિલ્લાના ખેડૂતો જેઓ આ સહાય માટે લાયક હોય તેમને આ યોજનાનો અવશ્ય લાભ લેવા જણાવ્યું હતું.
રાજ્ય સરકાર ખેડૂતો આધુનિક ટેકનોલોજીથી વાકેફ થાય અને ટેકનોલોજીમાં પણ આગળ રહે એ માટે સ્માર્ટફોનની ખરીદી ઉપર સહાય આપી રહી છે. આ યોજના અન્વયે ખેડૂતને એક સ્માર્ટ ફોનની ખરીદી કર્યેથી રૂ. ૧૫ હજાર સુધીની કિંમતના સ્માર્ટફોન માટે સહાય મળવાપાત્ર રહેશે. જેમાં ખેડૂતને સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૪૦ ટકા સહાય અથવા રૂ. ૬૦૦૦ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સુથાર સહિતના અધિકારીઓ તેમજ લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.
૦૦૦