
રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક...
દાહોદ:રતલામ મંડળના અનાસ -મેઘનગર ની વચ્ચે રેલ હાદસો:કેટલીક ટ્રેનો પ્રભાવિત:DRM એ આપ્યા તપાસના આદેશ,
રેલવે ટ્રેકના રખ રખાવ માટે મૂકવામાં આવેલી ટ્રેક્શન રેલ પાટા પરથી ઉતરી: ઉચ્ચઅધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે
રેલવે તંત્ર યુદ્વના ધોરણે ડિરેલ થયેલ ટ્રેક્શન રેલ ને પુનઃપાટા પર લાવવામાં જોતરાયું:કેટલીક ટ્રેનો પ્રભાવિત થતા માર્ગ પરિવર્તિત કરાયું
DRM એ આપ્યા તપાસના આદેશ:દસ દિવસમાં રિપોર્ટ સોંપવા તાકીદ કરાઈ:કેટલાક કર્મચારીઓ પર ગાજ પડવાની આશંકા
દાહોદ તા.24
રતલામ મંડળના દાહોદ સેક્શનના અનાસ મેઘનગર ની વચ્ચે આજે બપોરે રેલ હાદસો બનવા પામ્યો હતો. જેમાં રેલવે ટ્રેક પર સમારકામ કરી રહેલી ટ્રેક્શન રેલ પાટા પરથી ખડી પડતા રેલમાર્ગ પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પર અસર જોવા મળી હતી. જેના પગલે કેટલીક પેસેન્જર તેમ જ માલગાડીઓ અને અન્ય ટ્રેક પર થી ચલાવવામાં આવી હતી.જોકે ઘટનાની જાણ રતલામ DRM ને થતા તેઓ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલાની તપાસના આદેશો આપવામાં આવ્યા હતા.સાથે સાથે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો જ્યારે મોડી રાત સુધી કેટલાક કર્મચારીઓ સામે કાર્યવાહી થવાના આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે.
રેલવે ટ્રેકના રખ રખાવ માટે મૂકવામાં આવેલી ટ્રેક્શન રેલ પાટા પરથી ઉતરી: ઉચ્ચઅધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે
રતલામ મંડળના દાહોદ સેક્શનમાં આવેલા અનાસ -મેઘનગરની વચ્ચે રેલવેના પાટા પર ગીટ્ટી તેમજ માટી સુવ્યસ્થિત કરવા તેમજ ટ્રેકના રખરખાવ કરવા માટે મુકવામાં આવેલી ટ્રેક્શન રેલ આજરોજ બપોરના દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર અપ લાઈન પર 567-25 કિલોમીટર નજીક બપોરના ત્રણ વાગ્યાના અરસામાં અપ લાઈન પર રેલવેના પાટા પર સમારકામ દરમિયાન પાટા પરથી ખડી પડી હતી. ત્યારબાદ ચાલક દળના સભ્યોએ ઘટનાની જાણ રેલવેના ઉચ્ચ અધિકારીઓને કરતા અનાસ ચાલક દળની ટુકડીને તાત્કાલિક રાહત અને બચાવકાર્ય માટે ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ત્યારબાદ રતલામ ડી.આર.એમ વિનીત ગુપ્તા સહીત રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
રેલવે તંત્ર યુદ્વના ધોરણે ડિરેલ થયેલ ટ્રેક્શન રેલ ને પુનઃપાટા પર લાવવામાં જોતરાયું:કેટલીક ટ્રેનો પ્રભાવિત થતા માર્ગ પરિવર્તિત કરાયું
ટ્રેક્શન રેલ પાટા પરથી ખડી જતા ઘટનાના પગલે DRM તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ ચાલક દળ ની ટીમ દ્વારા ડિરેલ થયેલી ટ્રેક્શન રેલ ને પુનઃપાટા પર લાવવા માટે યુદ્ધ ના ધોરણે જોતરાઈ ગયા હતા. જોકે અપ લાઈન પર બનેલી ઘટનાના પગલે એક તરફનો માર્ગ બંધ થઇ જતા કેટલીક મુસાફર તેમજ માલગાડી ટ્રેનો પ્રભાવીત થતાં રેલવે તંત્ર દ્વારા ટ્રાફિકને ડાઉન લાઈન પર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. જોકે રેલવે તંત્ર દ્વારા ગણતરીના કલાકોમાં બંધ થયેલ રેલવે ટ્રેક ને પુનઃ પૂર્વવત કરી દેતા રેલવે તંત્ર એ રાહતનો દમ લીધો હતો
DRM એ આપ્યા તપાસના આદેશ:દસ દિવસમાં રિપોર્ટ સોંપવા તાકીદ કરાઈ:કેટલાક કર્મચારીઓ પર ગાજ પડવાની આશંકા
ઘટનાના પગલે તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવેલા ડીઆરએમ વિનીત ગુપ્તાએ ઘટનાની તપાસના આદેશો કર્યા હતા. જેમાં ત્રણ સદસ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી.જે ઘટનાનો સમગ્ર અહેવાલ દસ દિવસમાં ડીઆરએમ ઓફિસમાં રજુ કરશે. જોકે ઘટનાના પગલે કેટલાક રેલવે કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના શરૂઆતી અણસાર જોવા મળતા આગામી સમયમાં કેટલાક કર્મચારીઓ તેમજ અધિકારીઓ પર ગાજ પડવાના એધાંણ વર્તાઇ રહ્યા છે.