
રાજેશ વસાવે :- દાહોદ
*વરસાદની પરિસ્થિતિની તૈયારીના ભાગરૂપે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ*
*તમામ બિલ્ડીંગોની ચકાસણી કરવા સહિત રોડ-રસ્તા રીપેરીંગની તકેદારીના ભાગરૂપે કામગીરી કરવા અપાઈ સુચના*
*શાળાઓમાં અપાતા ભોજન-પાણી ની સમયસર ચકાસણી કરી તેની ગુણવતા સુનિશ્ચિત કરવી-કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે*
દાહોદ તા. ૩૦
સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી હોવાને ધ્યાને રાખીને અગાઉ પ્રભારી સચિવશ્રી દ્વારા આપવામાં આવેલ સુચનાઓની અમલવારીની સમિક્ષા માટે તેમજ હાલની વરસાદની પરિસ્થિતિની તૈયારીના ભાગરૂપે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.
આ નિમિતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ તમામ અધિકારીશ્રીઓ પાસેથી જર્જરિત બિલ્ડીંગ અંગે તેમજ રોડ-રસ્તાઓ અંગેની કરવામાં આવેલ કામગીરી સહિત ભરવામાં આવનાર પગલાં માટેની સમિક્ષા કરી હતી. એ સાથે પોલીસ વિભાગ, સરકારી આવાસો, કચેરીઓ, આરોગ્ય કેન્દ્રો, પંચાયત કચેરીઓ જેવી તમામ પબ્લિક પ્લેસીસની ટેકનીકલ અધિકારીઓને સાથે રાખીને આંતરિક તેમજ બાહ્ય રીતે ચકાસણી કરીને જરૂર જણાય તો બિલ્ડીંગને તાત્કાલિક પણે બંધ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપી હતી.
તમામ સરકારી અને પ્રાઈવેટ શાળાઓ, હોસ્ટેલો ઉપરાંત મેળાઓ, હોસ્પિટલો, સિનેમા હોલ તેમજ રેસીડેન્સીયલ સ્કુલ જેવા સ્થળોની પણ ચકાસણી કરીને ફાયર સેફટી તેમજ તેની વ્યવસ્થા વિષે માહિતી મેળવી તકેદારીના ભાગરૂપે કામગીરી કરવા, શાળાઓમાં અપાતા ભોજન, પાણી તેમજ અનાજ વિતરણ માટેના અનાજની ગુણવતાની સમયસર ચકાસણી કરવા, રોડ-રસ્તા રીપેરીંગ સમયસર થઇ જાય તે સુનિશ્ચિત કરવા, તમામ બિલ્ડીંગોનું સર્વે હાથ ધરી તેની ચકાસણી ઝડપથી કરીને પરિસ્થિતિ મુજબ કામગીરી કરવા માટે કલેકટરશ્રી દ્વારા માર્ગદર્શન સહિત સુચના આપવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એમ.રાવલ, પ્રાંત અધિકારીશ્રીઓ, માર્ગ અને મકાન વિભાગ તેમજ અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ સહિત વર્ચ્યુઅલ માધ્યમ થકી નગર પાલિકા ચીફ ઓફિસરશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ તેમજ અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦