Sunday, 14/12/2025
Dark Mode

પ્રાકૃતિક ખેતીમાં અસરકારક ઉત્પાદન મેળવવા જમીન ચકાસણી અતિ આવશ્યક પિયતના પાણીનું પૃથક્કરણ કરાવી 

July 30, 2025
        834
પ્રાકૃતિક ખેતીમાં અસરકારક ઉત્પાદન મેળવવા જમીન ચકાસણી અતિ આવશ્યક  પિયતના પાણીનું પૃથક્કરણ કરાવી 

રાજેશ વસાવે :- દાહોદ 

પ્રાકૃતિક ખેતીમાં અસરકારક ઉત્પાદન મેળવવા જમીન ચકાસણી અતિ આવશ્યક

પિયતના પાણીનું પૃથક્કરણ કરાવી 

તેના અહેવાલમાં કરેલ ભલામણ મુજબ પાણીનો મેળ હોવા જરૂરી

દાહોદ તા. ૩૦ 

પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા જમીન ચકાસણી કેવી રીત ઉપયોગી બની રહે છે તે અંગે આપણે વિસ્તરથી જાણીએ. જમીન એ ખેતીમાં પાયાનું અંગ છે. ખેત પેદાશ કેટલી આવશે તેનો સારો એવો આધાર જમીન ઉપર રહેલો છે. જમીન દ્વારા જ છોડને જરૂરી પોષણ અને આધાર મળી રહે છે.

જમીનનો નમૂનો લેવાની રીત

જમીનનો યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતો નમૂનો લેવા જમીનની બે થી ત્રણ એકરની ટુકડી દીઠ એક નમુનો લેવો. આ એક નમૂના માટે જે ટુકડીમાંથી નમૂનો લેવાનો હોય તે ટુકડીમાંથી આઠથી દશ જુદી જુદી જગ્યાએથી પાવડા વડે અંગ્રેજીમાં ‘વી’ આકારનો ખાડો કરી એક ફૂટ જેટલી ઉંડાઈ સુધીની માટી લેવી. આ નમૂનો લેતા અગાઉ જમીનના ઉપરના ભાગમાંથી કાંકરા, કચરો દુર કરવા, જમીનનો ઉપરથી નીચે સુધીનો સળંગ સમાંતર ભાગ આવી જાય તે રીતે પાવડાથી માટી લેવી ખાસ જરૂરી છે. આમ, આ રીતે આઠથી દસ જગ્યાએથી લીધેલ માટીને એક ગમલામાં ભેગી કરી, બરાબર મિશ્ર કરી, ત્યારબાદ તેમાંથી અડધો કિલો જેટલી માટી પ્લાસ્ટિક અથવા કાપડની સારી કોથળીમાં ભરી નીચે પ્રમાણે જરૂરી માહિત સાથે ચકાસણી માટે મોકલવી.

જમીનના નમૂના અંગે ધ્યાનમાં રાખવાની બાબતો

૧. જમીનનો નમૂનો પાકની કાપણી બાદ અથવા પાક વાવતા પહેલા લેવો.

૨. ઊભા પાકમાંથી નમૂનો લેવો હોય તો પાકની હરોળ વચ્ચેથી લેવો.

૩. ખાતરનો ખાડો, વાડ, ઝાડ, સેઢા કે પાણીના ખાબોચિયા પાસેથી નમૂનો લેવો નહીં.

૪. બાગાયતના પાક માટે ઝાડના ઘેરાવાની નીચેની ૩-૪ જગ્યાએથી માટી લઈ ભેગી કરી નમૂનો લેવો.

૫. જમીનનો નમૂનો ખાતરવાળી કે છાણવાળી જગ્યાએથી દુર રાખવો.

૬. નમૂનો લેવાની કોથળી સ્વચ્છ હોવી જોઈએ.

પિયત એક અગત્યનું પરિબળ

ઘનિષ્ઠ ખેતી પદ્ધતિના ઉપયોગથી એકમ વિસ્તારમાં વર્ષ દરમિયાન એકથી વધુ પાકો લઈ વધુ આવક મેળવવી તે રાષ્ટ્રના હિતની વાત છે. આ માટે પિયત એક અગત્યનું પરિબળ છે. જો પાણીની પુરતી સગવડતા હોય તો ખેડૂત ધાર્યું ઉત્પાદન મેળવી આર્થિક રીતે વધુ ફાયદો મેળવી શકે છે. પરંતુ આ માટે જમીન અને પાણીનો મેળ હોવો જરૂરી છે. 

જો પાણી જમીનને અનુકૂળ ન હોય તો જમીન બગડવાની પૂરેપૂરી શક્યતા છે. આથી પિયતના પાણીનું પૃથક્કરણ કરાવી તેના અહેવાલમાં કરેલ ભલામણ મુજબ પાણીનો મેળ હોવા જરૂરી છે. જો પાણી જમીનને અનુકૂળ ન હોય તો જમીન બગડવાની પૂરેપૂરી શક્યતા છે. આથી પિયતના પાણીનું પૃથક્કરણ કરાવી તેના અહેવાલમાં કરેલ ભલામણ મુજબ પાણીનો અસરકારક રીતે ઉપયોગ કરવો હિતાવહ છે.

પિયતના પાણીનું પૃથ્થકરણ કરાવી તેના અહેવાલમાં કરેલ ભલામણ મુજબ પાણીનો અસરકારક રીતે ઉપયોગ કરવો હિતાવહ છે. પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે પાણીનો લેબ ટેસ્ટ ઉપયોગી થાય છે. 

પાણીના પૃથ્થકરણની જરૂરીયાત શા માટે?

૧. ખેતીમાં પિયત માટે પાણી અનુકૂળ છે કે નહીં તે જાણવા.

૨. પાણીમાં ક્યા-ક્યા દ્રાવ્યક્ષારો કેટલા પ્રમાણમાં છે તેમજ ક્ષારના ઘટકો વચ્ચેનું પ્રમાણ જાણવા.

૩. અમુક પ્રકારની જમીનમાં પાણી લાંબો સમય વાપરી શકાય કે કેમ તે નક્કી કરવા.

૪. હાનિકારક ક્ષારયુક્ત પાણીનો ઉપયોગ પિયત માટે કરવો હોય તો જમીનના ગુણધર્મ પર વિપરીત અસર થયા વગર કયા ઉપાયો યોજી કેટલા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવો તે નક્કી કરવા.

૫. પાણી કયા પાકો માટે વાપરી શકાય તે જાણવા.

પાણીનો નમૂનો લેવાની રીત

પાણીનો નમુનો કુવા, નહેર કે પાતાળ કુવાનાં પાણીનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જરૂરી છે. તેથી નીચે મુજબ જણાવેલ બાબતોને લક્ષમાં રાખી ૦.૫ થી ૧ લીટર પાણીનો નમૂનો મેળવી પ્લાસ્ટિક કે કાચની બોટલમાં ભરી બૂચ સારી રીતે બંધ કરી ઉપર લેબલ મારી માહિતીપત્રક સાથે પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલવો.

 પાણીનો નમૂનાં માટે ધ્યાનમાં રાખવાની બાબતો

૧. પાણીનો નમૂનો લેતી વખતે સપાટી ઉપર ઝાડના પાન કે કચરો હોય તો તેને દુર કરવો.

૨. જો નમૂનો નહેરના પાણીનો લેવાનો હોય તો વહેતા પાણીમાંથી લેવો અને કુવા કે પાતાળ કુવાના પાણીનો લેવાનો હોય તો મોટર કે એન્જિન ચાલુ કરી ૩૦ મિનીટ પાણી જવા દઈ ત્યાર પછી નમૂનો લેવો.

૩. પાણી તથા જમીનનો મેળ જાણવાનો હોય તો પાણી તથા જમીન એમ બંને નમૂના સાથે મોકલવા.

૪. જે પાણીનો નમૂનો લેવાનો હોય તે પાણી વડે પ્રથમ બોટલ બરાબર સાફ કરવી.

૫. નમૂનો ભરવા માટે સ્વચ્છ બોટલ ભરવી.

૬. બોટલ ઉપર પાણીથી ભૂસાઈ ન શકે તેવા અક્ષરોથી નંબર આપવા 

૦૦૦૦૦૦૦૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!