
રાજેશ વસાવે :- દાહોદ
પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તુવેરના વાવેતર વિશે જાણીએ
ચૂસીયા પ્રકારની જીવાત માટે ૩ લીટર નિમાસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં
મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો
દાહોદ તા. ૨૨
ખેડૂત મિત્રો, આજે આપણે તુવેરના પાકના વાવતેર વિશે જાણકારી મેળવીશું.રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને તુવેરનાં વાવેતર તથાં તેનાં ઉછેર અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી મળી રહે તે બાબતે વિગતવાર આપણે જાણીએ.
તુવેરનો વાવેતર સમય, અંતર અને જાતોની પસંદગી
ગુજરાત તુવેર-૧, ગુજરાત તુવેર-૧૦૧ અને ગુજરાત તુવેર -૧૦૩, બી.ડી.એન.-૨, જી.જે.પી.-૧ જેવી સુધારેલી જાતોનું વાવેતર જુન જુલાઈ મહિનામાં ૧૨ થી ૧૫ કિલો પ્રતિ હેક્ટર બીજનો દર રાખી બે હાર વચ્ચે ૯૦ થી ૧૨૦ સેન્ટિમીટર અને બે છોડ વચ્ચે ૨૫ થી ૩૦ સેન્ટિમીટરે વાવેતર કરવું જોઈએ
રવિ ઋતુ માટે તુવેરની ગુજરાત તુવેર-૧૦૨ જાતોનું વાવેતર સપ્ટેમ્બર થી ઓક્ટોમ્બર મહિનામાં ૧૨ થી ૧૫ કિલો પ્રતિ હેક્ટર બીજનો દર રાખી બે હાર વચ્ચે ૯૦ થી ૧૨૦ સેન્ટિમીટર અને બે છોડ વચ્ચે ૨૫ થી ૩૦ સેન્ટીમીટરે વાવેતર કરવું જોઈએ.
બીજ સંસ્કાર અને ઘન જીવામૃત
સારાં ઉગાવા, રોગ-જીવાત સામે રક્ષણ મેળવવા અને સારું ઉત્પાદન મેળવવા તુવેરનાં બીજને બીજામૃતથી સંસ્કારીત કરવા જોઈએ. બીજામૃતનો પટ આપી બીજને છાયડામાં સૂકવી વાવેતર કરવું જોઈએ. બીજામૃતની માવજતથી ઉગાવો ઝડપથી અને સારો થાય છે ઉપરાંત પાકને જમીન જન્ય રોગોથી બચાવી શકાય છે. વાવેતર સમયે ૧૦૦ કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત ભેળવીને ૧ એકર જમીનમાં નાખવું જોઈએ. પાક અવશેષોનું મલ્ચીંગ કરવું, ત્યારબાદ મહિનામાં એકવાર જમીન ઉપર ૨૦૦ લિટર જીવામૃત પ્રતિ એકર છાંટો અથવા જીવામૃત પાક ઉપર છાંટવું જોઈએ. રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતીમાં આવીએ ત્યારે પ્રથમ વર્ષમાં જમીનને જીવંત બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પાક લીધાં પહેલાં લીલાં ખાતરના રૂપમાં શણ કે ઈકકડ કે કઠોળનો પાક લેવો જોઈએે. યોગ્ય સમય પર જીવામૃત પાકને આપતાં રહેવું જોઈએ.
જીવામૃતનો ઉપયોગ
વાવેતર બાદ એક એકર જમીનમાં ૨૦૦ લિટર જીવામૃત પાણી સાથે આપવું જોઈએ. ત્યારબાદ મહિનામાં બે વાર ૨૦૦ લિટર જીવામૃત પ્રતિ એકર પ્રમાણે જમીનમાં આપવું અથવા પિયતના પાણી સાથે આપવું જોઈએ.
જીવામૃતનો પાક ઉપર છંટકાવ
પ્રથમ છંટકાવ
વાવેતરના એક મહિના પછી ૫ લિટર જીવામૃતને ૧૦૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો જોઈએ.
બીજો છંટકાવ
પહેલાં છંટકાવના ૨૧ દિવસ પછી ૭.૫ લિટર જીવામૃતને ૧૨૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો જોઈએ.
ત્રીજો છંટકાવ
બીજા છંટકાવના ૨૧ દિવસ પછી ૧૦ લિટર જીવામૃતને ૧૫૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો જોઈએ.
ચોથો છંટકાવ
ત્રીજા છંટકાવના ૨૧ દિવસ પછી ૧૫ લિટર જીવામૃતને ૧૫૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો જોઈએ.
પાંચમો છંટકાવ
ચોથા છંટકાવના ૨૧ દિવસ બાદ 3 લિટર ખાટી છાશમાં ૧૦૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો જોઈએ.
છઠ્ઠો છંટકાવ
પાંચમાં છંટકાવના ૨૧ દિવસ બાદ ૧૫ લીટર જીવામૃત ને ૧૫૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો જોઈએ.
રોગ-જીવાત
(ક) ચૂસીયા પ્રકારની જીવાત
ચૂસીયા પ્રકારની જીવાત માટે ૩ લીટર નિમાસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો જોઈએ.
(ખ) લીમડાનું તેલ પણ વાપરી શકાય
૨૦ મિલી લીમડાનું તેલ પ્રતિ ૧૦ લીટર પાણી સાથે મિશ્રિત કરી છંટકાવ કરવો જોઈએ.
(ગ) કૃમિ (સુંડી)
૩ લીટર બ્રહ્માસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં ભેળવી એક એકરમાં છંટકાવ કરવો જોઈએ.
(ઘ) થડ વેધક, ફળ વેધક, કૃમિ
૩ લીટર અગ્નિઅસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો જોઈએ.
(ચ) ફૂગના રોગ
ફૂગ અને વાયરસ દ્વારા ફેલાતાં રોગોનાં નિવારણ માટે ૩ લીટર ખાટી છાશમાં ૧૦૦ લીટર પાણી મેળવી છંટકાવ કરવો જોઈએ. ખાટી છાશ ૩ થી ૪ દિવસ જૂની હોવી જોઈએ.
આમ, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારેચાલો આપણે પણ કૃષિ ક્ષેત્રે ‘બેક ટુ બેઝિક’ના મંત્રને યાદ રાખી આપણાં મૂળ સાથે જોડાઈએ, પ્રાકૃતિક કૃષિ અપનાવીએ. *