
રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદના બોરડી ઇનામી ગામના અંજનાબેન રાઠોડ વાર્ષિક રૂ. ૫ લાખથી વધુ અને મહીને રૂ. ૫૦ હજારથી વધુની ચોખ્ખી આવક મેળવી બહેનો માટે બન્યા પ્રેરણારૂપ*
*વર્ષ ૧૯૯૬ થી દુધ મંડળીની શરૂઆત કરી આજે વાર્ષિક રૂ. ૪ કરોડ ૮૧ લાખનું ટર્ન ઓવર ધરાવતી બોરડી ઇનામીની દૂધ મંડળી*
*આજની બહેનો ધારે એ કરી શકે છે, ઘરે બેઠાં પણ આપણે ઘણું કરી શકીએ છીએ.-અંજનાબેન રાઠોડ*
દાહોદ તા. ૧૧
દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાના બોરડી ઇનામી ગામના અંજનાબેન રાઠોડે વર્ષ ૧૯૯૬ માં દુધ મંડળીની શરૂઆત કરી ત્યારે તેમની પાસે માત્ર ૫ ગાયો હતી. અત્યારે તેમની પાસે ૨૨ ગાયો અને ૦૬ વાછરડીઓ છે. તેઓ જણાવે છે કે, તે સમયે ૧૫ લીટર દૂધ વડે દુધ મંડળીની શરૂઆત કરી હતી, ત્યારે એમની પાસે માત્ર ૧૧ સભાસદ બહેનો હતી. જ્યારે અત્યારે ૧૦૮ બહેનોનું સભાસદ જૂથ છે. ૧૮૫ જેટલી બહેનો દૂધ ભરે છે, જેમાં એક દિવસનું ૪૭૦૦ લીટર જેટલું દૂધ ભરવામાં આવે છે.
અંજનાબેન રાઠોડે કહ્યું કે, દર મહિને હું રૂ. ૨.૫૦ લાખનું દુધ ભરૂ છું. જેમાંથી મને દર મહિને રૂ. ૫૦ હજારનો ચોખ્ખો નફો મળે છે. બોનસ અને ભાવફેર સાથે વાર્ષિક રૂ. ૫ લાખની આવક નફા સાથે મળે છે. દર મહિનાની ૫/૧૫ અને ૨૫ તારીખે ભરેલ દુધનો પગાર બેંક ખાતામાં સીધા જમા થઇ જાય છે. મને FTC અને પંચમહાલ ડેરીનો મોટો સહકાર મળી રહે છે. ગાયોની સાચવણી માટે ૨ વ્યક્તિ રાખવામાં આવી છે, જેઓને મહીને રૂ. ૧૫,૦૦૦ નો પગાર પણ ચુકવવામાં આવે છે.
ગાયો માટે પુરતી વ્યવસ્થા વાળો તબેલો બનાવ્યો છે, જેમાં ગાયોને પુરતું પાણી, લાઈટ, ગરમી ના થાય એ માટે પંખા તેમજ ફુવારા પદ્ધતિ, ઘાસ અને ગાયોને બેસવા સમયે આંચળ પર દબાણ ન આવે એ માટે ગાય દીઠ શીટ મુકવામાં આવી છે. હા, ગાયોને દૂધ દોહવાના સમયે કોઇપણ પ્રકારની ખલેલ ન પહોચે એ માટે મ્યુઝીક સીસ્ટમ રાખી છે. જે ગાયોને શાંત રાખે છે.
ગાયોને આપવામાં આવતા દાણ અને મિનરલ પાવડર સભાસદોને ખરીદવા જવુ પડતું નથી. ડેરી દ્વારા તમામનુ એક સાથે મંગાવી ડેરી પરથી જ વિતરણ કરવામાં આવે છે. દુધ મંડળીથી સભાસદ બહેનો આર્થિક રીતે સધ્ધર બની છે. આજે અમારા ગામમાં એકપણ ઘર કાચું નથી રહ્યું. તમામ ઘરો પાકા છે કેમકે અહીની બહેનો ડેરી સાથે જોડાઈને આર્થિક રીતે સદ્ધર બનવા જાણે પ્રતિબદ્ધ બની છે.
દૂધ ડેરી સાથે પ્રાકૃતિક ખેતી પણ કરવામાં આવે છે, જેથી રસાયણ મુક્ત અનાજ-પાણી ખાવાથી ગામ-પરિવાર સ્વસ્થ બન્યો છે. આજના સમયે ગામમાં ખેતી કરતા ખેડૂતો ગૌમુત્ર અને છાણના કારણે રાસાયણિક ખાતરનો ઉપયાગ લગભગ નહિવત કરે છે. એનું કારણ એ પણ છે કે, ગામમાં તમામના ઘરે ગાયો-ભેંસો છે, જેમને ચોખ્ખું ઘી-દૂધ અને પશુઓના છાણ-મૂત્ર વડે ખાતર મળી રહે છે. જેથી ગામ બહારથી લાવવા માટે કઈ રહેતું નથી.
દૂધ ડેરીમાં સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા છે જેથી કરીને તમામ કામગીરી પર નજર રાખી શકીએ છીએ. અમે ડેરી પર ભરવા આવતા તમામ ગ્રાહકોનું દૂધ ચેક કરીને પછી જ લઈએ છીએ, અને ૧૧ ટકા બોનસ આપીએ છીએ. સભાસદોને સમયે પગાર આપી દેવામાં આવે છે. આટલા વર્ષો દરમ્યાન અત્યાર સુધી સભાસદો પાસેથી કોઇપણ પ્રકારની ફરિયાદ આવી હોય એવું ધ્યાને આવ્યું નથી. મંડળીની કામગીરીથી સભાસદોણ સંતોષ છે, અને મંડળી તરફથી પણ અમે સભાસદોને બને એટલી પૂરી મદદ કરીએ છીએ.
અંજનાબેન રાઠોડએ જણાવ્યું કે, અમારી દર મહિને કમિટીની મિટીંગ યોજાય છે. વાર્ષિક સાધારણ સભા પણ ભરવામાં આવે છે. ડેરીને લગતી તમામ બાબતોની ચર્ચા કરવામાં આવે છે. દરેક સભાસદને કોઇ સંસાધનો જોઇતા હોય તો તેને મંગાવી આપવા અને સાધનો ખરીદવા પાછળ મળતી સબસીડીનો લાભ આપવામાં આવે છે. ગામના ૮ જણને દુધાળા પશુ યોજના હેઠળ ગાયો/તબેલાની લોન આપી હતી. એ સાથે સમયાંતરે પ્રવાસ ગોઠવીને મંડળીની બહેનોને બહારની મોટી ડેરીઓની મુલાકાતે પણ લઇ જઇએ છીએ, જેથી કરીને ત્યાથી કઇક નવુ શીખીને એ મુજબ અનુસરણ પણ કરવામાં આવે છે. જિલ્લા અને તાલુકા કક્ષાએથી આ મંડળીને સન્માન પત્ર સહિત ઇનામો તેમજ એવોર્ડ પણ મળેલા છે.
આજની બહેનો ધારે એ કરી શકે છે, બહેનોએ કોઇપણ ક્ષેત્રમાં જાત મહેનત કરી આગળ આવવું જોઈએ. ઘરે બેઠાં પણ આપણે ઘણું કરી શકીએ છીએ, કઈક કરવાની થોડી ધગશ રાખવી પડે, એમ કહેતા અંજનાબેન ફરીથી તબેલામાં કામે લાગી જાય છે.
000