
સંજેલી પોલીસે અંણીકા ચોકડી ઉપર વોચ ગોઠવી કારમાંથી 47 પેટી વિદેશી દારૂ જપ્ત,એક આરોપી ઝડપાયો, બે ફરાર
સંજેલી તા. ૩
દાહોદ જિલ્લાના સંજેલીમાં પોલીસે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. જેમાં અણીકા ગામની ચોકડી નજીક નાકાબંધી દરમિયાન ગોઠીબથી સંજેલી તરફ આવતી સફેદ કલરની GJ-06-LE-7192 નંબરની કારને આંતરી તપાસ કરતાં વિદેશી દારૂની 47 પેટીઓ મળી આવી હતી.જે બાદ સંજેલી પોલીસે કારમાંથી ઝડપાયેલ દારૂની બોટલો ની ગણતરી કરતા કુલ 1,848 બોટલ મળી આવી હતી, જેની બજાર કિંમત રૂ. 2,51,736 થાય છે, પોલીસે 5 લાખની કાર અને 5 હજારનો મોબાઈલ મળી કુલ કુલ રૂ. 7,56,736નો મુદ્દામાલ જપ્ત કરી કારના ચાલક રાકેશ ધુળા (રહે. માંડલી, સંજેલી)ની ધરપકડ કરવામાં આવી છે.
સંજેલી પોલીસે દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલ કારચાલકને આ દારૂ કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો જે બાબતે પૂછપરછ કરતા તેણે પોલીસને જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો મુકુંદ ઉર્ફે ભયલુ ભરત અને જશવંત સવસીંગ (ઝાલોદ) દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો. બંને આરોપીઓ હાલ ફરાર છે. પોલીસે તેમની ધરપકડ માટે ટીમો રવાના કરી છે.આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ), 65(ઈ), 98(2), 81 અને 116(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. લગ્નસરાની સિઝનમાં દારૂની માંગ વધતાં બુટલેગરો સક્રિય થયા છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલા દાહોદમાં ગ્રામ્ય રસ્તાઓનો ઉપયોગ કરી દારૂની હેરાફેરી થાય છે. સંજેલી પોલીસે દારૂના વેપાર સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. પોલીસની 24 કલાકની સતર્કતા અને બાતમીદારોના નેટવર્કના કારાગે આ સકળતા મળી છે.