
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના નાના બોરીદામાં દોઢ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ પુલની તકલાદી કામગીરી: અકસ્માતમાં મોટી જાનહાની થવાનો ભય*
*એક માસ અગાઉ બનાવવામાં આવેલ નવીન પુલ સહીત કિનારોમાં ઠેક ઠેકાણે તિરાડો ચોમાસાના પહેલા વરસાદમાં પુલની અવરદા પૂરી થવાની શક્યતા!?*
*પુલના બંને છેડે સાઈડમાં ત્રીસ-ત્રીસ મીટર ઉપરાંતની ખાઈ છતાં સેફટી માટે વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરે ધ્યાન આપ્યું નહીં હોવાની સ્થાનિકોની ફરિયાદ*
સુખસર,તા.8
દાહોદ જિલ્લા સહિત ફતેપુરા તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે સરકાર ના માધ્યમથી પ્રજાના ટેક્સના નાણા દ્વારા પ્રજાની સુખાકારી અને સુવિધા માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવે છે.જે પૈકી કેટલીક કામગીરીને બાદ કરતા મોટા ભાગની કામગીરી લાગતા-વળગતા વહીવટી તંત્રો અને કોન્ટ્રાક્ટરની મિલીભગત થી તકલાદી કામગીરી કરી નાણાં વેડફવા માટેજ વેઠ ઉતાર કામગીરી કરવામાં આવતી હોય તેવું પ્રત્યક્ષ જોતા જણાઈ આવે છે.છતાં જે-તે લાગતા-વળગતા તંત્ર દ્વારા સબ સલામત હૈ ની પ્રમાણિકતા આપી દેવામાં આવે છે.ત્યારે કેટલાક જાગૃત નાગરિકો સરકારને સતર્ક કરવા અવાજ ઉઠાવે છે પરંતુ તંત્ર દ્વારા સબ ચાલતા હૈ ની નીતિ અપનાવાતા શાસક સરકારના શાસનને સ્થિર રાખવામાં વહીવટી તંત્રો આડખીલી રૂપ બને છે. તેવી જ સ્થિતિ ફતેપુરા તાલુકાના નાના બોરીદા માલ ફળિયા ખાતે જોવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મોટાબોરીદા પાકા ડામર રોડ થી નાનાબોરીદા માલ ફળિયા થઈ નાની ઢઢેલી પાકા ડામર રોડને જોડતા રસ્તા ઉપર માલ ફળિયા ખાતે હાલ એક માસ અગાઉ 30 મીટર ઉપરાંત ના દોઢ કરોડ રૂપિયાના ખર્ચે નવીન પુલનું નિર્માણ કાર્ય કરવામાં આવેલ છે.જોકે આ પુલની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવી રહેલ છે.ત્યારે આ નવીન પુલની કરવામાં આવેલ કામગીરીની પ્રત્યક્ષ મુલાકાત દરમિયાન પુલમાં અનેક જગ્યાઓ ઉપર તેમજ કિનાર ઉપર તિરાડો જોવા મળી હતી. જ્યારે આ પુલ પૂરો થતા પુલને અડીને બંને છેડા ઉપર ત્રીસ-ત્રીસ મીટર કરતા વધુ ઊંડી ખાઈ હોવાનું જણાય છે.અને આ બંને છેડા ઉપર સેફટી મૂકવાની જરૂરત હોવા છતાં ત્યાં સેફટી મૂકવામાં આવેલ નથી. અને વાહન ચાલક અને તેમાંય ખાસ કરીને અકસ્માતે કોઈ પેસેન્જર વાહન આ ખાઈમાં પડે તો મોટી જાનહાની થવાનો ભય જોવા મળે છે.જોકે આ પુલ ચોમાસાના પહેલા વરસાદમાં જ ધોવાઈ જવાના અણસાર જણાઈ રહ્યા છે.ત્યારે લાગતા-વળગતા તંત્ર દ્વારા આ પૂલની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને કામગીરી પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર કેવી રીતે આપ્યું હશે?તે એક સવાલ છે.અને આ પુલની ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર તથા લાગતા-વળગતા તંત્રના જવાબદાર અધિકારીઓની પોલ આસાનીથી બહાર આવી શકે તેમ પણ જણાઈ રહ્યું છે.
અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,કેટલાક લોકો ગ્રામ પંચાયતથી લઈ તાલુકા જિલ્લા સુધીની વિવિધ યોજના ઓમા આચરવામાં આવતી ગેરરીતિ બાબતે તાલુકા કક્ષાએથી લઈ રાજ્યકક્ષા સુધી રજૂઆતો કરતા હોય છે.પરંતુ રજૂઆત કર્તાઓને લાંબા સમય સુધી ન્યાય નહીં મળતા જે-તે જવાબદાર તંત્રના અધિકારીઓની બેદરકારીથી શાસક સરકારના શાસનને સ્થિર રાખવામાં આડખીલી રૂપ બનતા સરકાર ના માથે માછલા ધોવાતા હોય છે ત્યારે સરકાર દ્વારા પણ ધ્યાન આપવામાં આવે અને પ્રજાને સમય મર્યાદામાં ન્યાય મળે તે બાબતે લાગતા-વળગતા તંત્રના કેટલાક રિઢા અને મીંઢા અધિકારીઓને સજાગ કરવા જરૂરી જણાઈ રહ્યું છે.