
રાજેશ વસાવે :- દાહોદ
આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો બાબા ગળ દેવનો મેળો.
દાહોદના ખંગેલા ગામે બાબા ગળ દેવનો મેળો યોજાયો હતો. જેમા શ્રદ્ધાળુઓ અનોખી રીતે રાખેલી બાધાઓ પૂર્ણ કરવા માટે આવ્યા હતા.
દાહોદ તા. 15
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીંયા સૂર્યનુ પહેલુ કિરણ પડે છે. અને આદિવાસી સમાજમાં અનોખી પરંપરાઓ રહેલી છે. જેમાં હોળી તો આદિવાસી સમાજનો ખાસ તહેવાર છે. દાહોદ જિલ્લામાંથી મોટા ભાગના લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમા મજૂરીએ અર્થે જતા હોય છે. અને હોળીના તહેવાર પહેલા તેઓ પોતાના માદરે વતન અચૂક આવતા હોય છે. ત્યારે દાહોદ જિલ્લામા હોળીના પર્વ પર વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ યથાવત જોવા મળે છે. અને આદિવાસી સમાજના લોકો આજે પણ તેમની વર્ષોથી ચાલતી આવતી પરંપરાઓને વળગી રહ્યા છે.
દાહોદ જિલ્લામાં હોળી ધુળેટી બાદ આદિવાસી સમાજ ગોળ ગધેડાનો મેળો, ચાડિયાનો મેળો, ચુલના મેળાઓ જેવા વિવિધ મેળાઓ યોજતા હોય છે. ત્યારે તેવોજ એક આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો મેળો જેને બાબા ગળ દેવનો મેળો કહેવામાં આવે છે. હોળીના બીજા દિવસે એટલે કે, ધુળેટીના દિવસે દાહોદના ખંગેલા ગામે ભરાતા આ બાબા ગળ દેવના મેળામાં આદિવાસી સમાજના લોકો પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવે છે. લોકોની માનતાઓ પૂર્ણ થતા તેઓ બાબા ગળ દેવના મેળામાં આવ્યા હતા. અને ઢોલ ઢમકે આવેલા શ્રદ્ધાળુઓ તેમની સાથે બકરો અને દારૂ લઈને આવ્યા હતા. જેમાં ગોળ રાઉન્ડ મારી અને તે બાદ બાબા ગળ દેવને દારૂની ધાર ચડાવવામાં આવે છે. તે બાદ માનતા અનુસાર જે તે વિધિ કરવામા આવે છે અને બકરાની બલી આપવામા આવે છે. અને 25 ફુટ ઉંચા લાકડાના બનાવેલા થડ પર લાડાને ચડાવી તેને દોરડા વડે બાંધી અને 20 ફુટ લાંબા લાકડાને નીચેથી મેડા પરિવારના લોકો દ્વારા ગોળ બે રાઉન્ડ ફેરવી અને તે બાદ તેમને નીચે ઉતારી ઘરે મોકલવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ અનોખી પરંપરામાં બાબા ગળદેવના મેળાનું સંગાડિયા પરિવારના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવે છે. આ મેળાની મોજ માણવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.