
નગરપાલિકા પ્રમુખપદ માટે સત્તાની સાઠગાંઠ,જૂથબંદી અને આંતરિક ખેંચતાણ ચરમસીમાએ
ઝાલોદમાં ભાજપના 10 અને 8 અપક્ષોના સમર્થન સાથે પત્ર વાયરલ,લેટર બોમ્બના પગલે રાજકીય ઉથલપાથલ
દાહોદ તા.21
ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ પ્રમુખ પદ માટેની દાવેદારી માટે ભાજપના 12 અને 11 અપક્ષો ભેગા મળી અંડર ગ્રાઉન્ડ થયા બાદ હજી તેમનો કોઈ પત્તો નથી. દરમિયાન ભાજપની પાર્લામેન્ટ્રી ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે જેને જાહેર કરે તેની પડખે રહી પાર્ટીના આદેશને માન્ય રાખી સાથ અને સહકાર આપવા માટેનો 10 બીજેપીના વિજેતા ઉમેદવારોનો સહી સાથેનો જિલ્લા ભાજપ પ્રમુખને સંબોધિતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એટલું જ નથી આ પત્રમાં 8 અપક્ષો પણ સાથે હોવાનું પણ જણાવતા ઝાલોદ નગરપાલિકામાં અલગ પ્રકારના સમીકરણો રચાઈ રહ્યા હોય તેવું જોવાઈ રહ્યું છે.
દાહોદ જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ ફર્સ્ટ બહુમત મળ્યું હતું. ખાસ કરીને ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 28 બેઠકોમાંથી 17 બેઠકો ઉપર બીજેપીના ઉમેદવારોનો વિજય થયો હતો. જ્યારે અપક્ષોએ પ્રભાવશાળી દેખાવ કરતા 11 બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસને મ્હાત આપી વિજેતા જાહેર થયા હતા. આ પરિસ્થિતિમાં ઝાલોદ નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી ના રૂપે બીજેપીનું બોર્ડ બને તે પહેલાં જ સત્તાના કાવા દાવા અને પ્રમુખ પદની સોગઠાંબાજી વચ્ચે પરિણામ જાહેર થતા ની સાથે જ પોતપોતાના ગોડફાદારોના સંપર્કમાં રહેલા વિજેતા ઉમેદવારો પૈકી ભાજપના 12 તેમજ અપક્ષના 11 મળી કુલ 23 વિજેતા ઉમેદવારો રાજનીતિના માંધાતા ના ઈશારે ભૂપર્કમાં ઊતરી જઈ ગાયબ થઈ જતા સંપર્ક વિહોણા થયા હતા. જેના લીધે રાજકીય ક્ષેત્રે ભૂકંપની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ઝાલોદમાં બીજેપીના અંદરો અંદરની યાદવાસ્થળી અને જૂથબંદીના લીધે પોતપોતાના માનિતાને પ્રમુખ તરીકે બેસાડવા માટે સત્તાના કાવાદાવા અને સોગઠાંબાજી વચ્ચે આજે ઝાલોદમાં લેટર બોમ્બ ફૂટતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.જેમા 20 ફેબ્રુઆરીના રોજ નો ભાજપ જિલ્લા પ્રમુખ શંકર અમલીયાર ને મોકલવામા આવેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ભાજપમાંથી ચૂંટાયેલા 17 પૈકી 10 ઉમેદવારોએ પાલિકા પ્રમુખ તરીકેનું મેન્ડેટ આપશે તેને પાર્ટીનો આદેશ માની સાથ આપવા માટે બાહેધરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીએ છે કે આ પત્રમાં 11 પૈકી આ પક્ષો તેઓની સાથે હોવાનું ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે. જેના પરથી સિદ્ધ થાય છે કે ભાજપમાં જૂથબંદી ચરમ સીમા પર છે. અને ટિકિટની વહેંચણી વખતે પણ ખેંચતાણ થઈ હશે તે પણ આ ચિત્ર પરથી લાગી રહ્યું છે. અને એટલે જ સામાન્ય ચૂંટણીમાં અપક્ષનો રાફડો ફાટ્યો હતો. હાલ ઝાલોદ વિધાનસભાની બેઠક માટે ભાજપના આંતરિક ખેચાણ અને જૂથબંદી જગજાહેર છે. ત્યારે પોતપોતાની સર્વોપરીતા પુરવાર કરવા માટે પોતાના માનીતાને પ્રમુખ તરીકે બેસાડવા માટે સુધરાઈ સભ્યોને સહેલગાહે મોકલી દેવાયા છે. તેઓ લોકોમાં ચર્ચા કરી રહ્યું છે. એક તરફ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે.ત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયેલા ભાજપ અને અપક્ષના ઉમેદવારો હવે ભાજપના મેનેજર સાથે રહેવાની માહિતી આપી રહ્યા છે તો પછી શા માટે ભૂપર્કમાં ઉતરી ગયા હતા. તો ભાજપને સ્પષ્ટ બહુમતી હોવા છતાં આઠ અપક્ષોને કેમ સાથે રાખવા પડ્યા છે. અને આ પત્ર વાયરલ કરવાનો તેમનો હેતુ શું હોઈ શકે છે એવું પણ રાજકીય વિશ્લેષકો ટર્ક વિતર્કો કરી રહ્યા છે. જોકે 10 ભાજપના તથા 8 અપક્ષો મળી કુલ 18 સદસ્યો સાથે છીએ એવું જણાવી પાર્ટી ઉપર એક પ્રકારનુ મનોવૈજ્ઞાનિક દબાવ ઊભો કરવાની શક્યતા નકારી શકાતી નથી. પાર્ટીના સંગઠન પ્રમુખને ઉદ્દેશી લખાયેલો પત્ર પાછળ ભાજપના જ મોટામાથાનો હાથ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સત્તાની સાઠમારીના આ ખેલમાં કોણ કોને મ્હાત આપે છે એ તો સમય જ બતાવશે. પરંતુ હમણાં તો આ વાયરલ થયેલા લેટરના પગલે રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.