
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના જગોલા તળાવ માંથી બારસાલેડાના 25 વર્ષીય યુવાનની લાશ મળી આવતા ચકચાર*
*મૂળ બારસાલેડાનો ત્રણ દિવસથી ગુમ યુવાન ફતેપુરાના હનુમાનજી ટેકરી વિસ્તારમાં રહેતો હતો*
સુખસર,તા.7
ફતેપુરા તાલુકામાં અવારનવાર કુવા તથા તળાવો માંથી લાશો મળી આવવાના અનેક બનાવો બની ચૂકેલા છે.તેવીજ રીતે એક વધુ બનાવ મૂળ બારસાલેડાના પચીસ વર્ષીય યુવાનની લાશ જગોલા તળાવ માંથી મળી આવતા ફતેપુરા તાલુકામાં ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળે છે.આશાસ્પદ યુવાનની લાશ મળી આવતા પરિવાર સહિત ગામમાં
હાહાકાર મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના જગોલા તળાવમાં કોઈ અજાણ્યા ઇસમની લાશ તરતી હોવાનું આસપાસના લોકોને જોવાતા આજુબાજુના લોકોએ તાત્કાલિક ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.પોલીસને જાણ થતા ફતેપુરા પોલીસ સ્ટેશન સ્ટાફ જગોલા તળાવ ઉપર પહોંચી ગયો હતા.ત્યા સ્થાનિક લોકોની મદદથી લાશને બહાર કાઢી જોતાં મરનાર વ્યક્તિન બારસાલેડા ગામના વતની અને હાલ ફતેપુરા નગરમાં હનુમાનજી ટેકરી વિસ્તારમાં રહેતા મંગળાભાઈ ઉદાભાઈ કટારાના પુત્ર વૈભવ કુમાર મંગળાભાઈ કટારા હોવાનું બહાર આવ્યું હતું.જેથી ફતેપુરા પોલીસે મૃતકના પરિવારનો સંપર્ક કરીને લાશનો કબજો મેળવી પીએમ અર્થે ફતેપુરા સરકારી દવાખાનામાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મૃતક યુવાને આત્મહત્યા કરી છે કે તેની સાથે કોઈ અણબનાવ બન્યો છે તે બાબતે ફતેપુરા પોલીસે ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.