Friday, 29/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં બેફામ બનેલા ખાનગી વાહનચાલકો:આર.ટી.ઓ દ્વારા વાહન ચેકિંગની માંગ…

December 28, 2021
        2559
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં બેફામ બનેલા ખાનગી વાહનચાલકો:આર.ટી.ઓ દ્વારા વાહન ચેકિંગની માંગ…

બાબુ સોલંકી :-  સુખસર 

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં બેફામ બનેલા ખાનગી વાહનચાલકો:આર.ટી.ઓ દ્વારા વાહન ચેકિંગની માંગ.

 સુખસર થી હિંગલા જતાં ટાટા એ.સી.ઈ રેકડો મકવાણાના વરુણા વળાંકમાં પલટી મારતાં શાળાના ત્રણ બાળકોને ઇજા.

સુખસર ગામ સહિત પંથકમાં બેફામ દોડતા ખાનગી વાહનોથી અકસ્માતો વધી રહ્યા છે.

 સુખસર બસ સ્ટેશનથી આસપુર ચોકડી સુધી ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો તથા રાહદારીઓ ત્રાહીમામ.

( પ્રતિનિધિ ) સુખસર,તા.28

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ખાનગી વાહન ચાલકો બેફામ બનતા જાય છે અને વાહનચાલકોને પોલીસ કે આરટીઓના કોઈ નિયમો નડતા ન હોય તેમ વાહનચાલકો બેફિકરાઈથી પોતાના કબજાના વાહનો હંકારતા પંથકમાં દિન-પ્રતિદિન નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે જોકે પંથકમાં 90% વાહનચાલકો પાસે વાહન ચલાવવા માટેના લાયસન્સ હોતા નથી.તેમ છતાં આવા વાહનચાલકોને ઉની આંચ આવતી નથી.જ્યારે સ્થાનિક પોલીસ દ્વારા અમુક સમયે દેખાવ ખાતર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવે છે.તેમાં જે લોકો પકડાય છે તેમાં મોટાભાગના કહેવાથી ઓળખાણ ધરાવતા લોકો પોતાના વાહન કોઈ પણ કાર્યવાહી કર્યા વિના પોલીસ સ્ટેશનમાંથી જ લઈ જતા હોય છે.અને ગણ્યા-ગાંઠ્યા લોકો સામે કોર્ટ અથવા આર.ટી.ઓનો મેમો આપવામાં આવતો હોય છે.જે લોકોને મેંમાની ઊંચી રકમ ભરવી પડતી હોય છે તેઓમાં વાહન ચલાવવામાં સુધાર જણાતો હોય,પરંતુ જે લોકો બારોબાર ગાડીઓ છોડાવી લઇ જતા હોય છે તેઓ વધુ બેફામ બનતા જાય તેમાં કોઈ બેમત નથી.અને તેવા લોકો પોતાની તો ઠીક પરંતુ સામેવાળા વાહનચાલક કે રાહદારીની પરવા કર્યા વિના વાહનો હંકારતા હોય છે.જેના લીધે સુખસર પંથકમાં વાહન અકસ્માતો વધતા જાય છે.

    સુખસર પંથકના ગ્રામ્ય વિસ્તારો તરફ જતા નાના-મોટા રસ્તાઓ ઉપરથી વર્ષોથી એસ.ટી બસોએ વિદાય લઈ લીધી છે.ત્યારે ખાનગી અને ખાસ કરીને લોડીંગ વાહનોએ મુસાફરોને વહન કરવા પકડ જમાવી લીધી છે.અને આવા ખાનગી લોડીંગ વાહનોમાં ઘેટા-બકરાંની માફક મુસાફરો ભરી વહન કરવામાં આવી રહ્યાં છે.ત્યારે આવા વાહનોને જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે મોટી જાનહાનિ થવાનો ભય પણ ઉભો થાય છે.તેવી જ રીતે ગત રોજ સોમવારના સાડા પાંચેક વાગ્યાના અરસામાં મુસાફરો ભરી સુખસર થી હિંગલા જતો ટાટા એ.સી.ઈ રેકડો રેકડા ચાલકની બેદરકારીથી મકવાણાના વરુણા વળાંકમાં પલટી મારતાં શાળા માંથી છૂટી પરત ઘરે જતી એક વિદ્યાર્થીની સહિત બે અન્ય વિદ્યાર્થીઓને હાથે-પગે તથા માથામાં ઇજાઓ પહોંચવા પામી હતી.જેમાં વિદ્યાર્થીને માથા સહિત ડાબા હાથે ગંભીર ઈજા થઈ હતી.જેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા.જ્યાંથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ તપાસ તથા સારવાર માટે અન્ય દવાખાનામાં રીફર કરવામાં આવ્યા હતા નું પણ જાણવા મળે છે.જ્યારે રેકડા ચાલક તેના કબજાના રેકડાને પલટી મારી ભાગી છૂટ્યો હતો.

    અહીંયા એ પણ નોંધનીય બાબત છે કે,સુખસર ગામમાં દિવસે હજારો લોકોની અવર-જવર રહે છે.તેમ છતાં ખાનગી ટુ-ફોર વ્હીલર વાહન ચાલકો પોતાના કબજાના વાહનોને બેફામ દોડાવતા નજરે પડે છે.અને સુખસર ગામમાં અનેક વાર નાના-મોટા અકસ્માતો પણ સર્જાય ચૂકેલા છે.તેમ છતાં આવા વાહન ચાલકોને કોઈ સબક શિખવાડવામાં આવતો હોય તેમ જણાતું નથી.

       જ્યારે થોડા સમયથી સુખસર સુકીનદી,બસ સ્ટેશનથી લઈ આસપુર ચોકડી સુધી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહેલ છે.જેથી વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે.જોકે સુખસર બસ સ્ટેશન આજુબાજુ તથા સામેની જગ્યામાં ખાનગી વાહનોનો ખડકલો જમાવી દેવામાં આવે છે.સાથે-સાથે જ્યાં એસ.ટી બસો ઉભી રાખવાની તથા મુસાફરોને રાહ જોવા માટેની જગ્યા ઉપર શાકભાજીની લારી વાળાઓ અડ્ડો જમાવી દેતા હોય મુસાફરને ઉભું રહેવા અને એસ.ટી બસને થોભાવવા માટેની પણ જગ્યા મળતી નથી. જો આ વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો મોટી જાનહાનિ થવા નો પૂરેપૂરો ભય ઉભો થવા પામેલ છે.પરંતુ ગેરકાયદેસર દિવસ દરમિયાન આ જગ્યા ઉપર બેન લગાવતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી પણ જરૂરી જણાય છે.પરંતુ બસ સ્ટેશન ઉપર ખાનગી ટુ-ફોર વ્હીલર વાહનો અને હાથલારી લઈને ઊભા રહી જતા શાકભાજીની લારીઓ વાળાઓને હટાવવા કોઈ પાસે સત્તા ન હોય તેવું જણાઈ રહ્યું છે.

     અહીંયા જણાવવું જરૂરી છે કે, સુખસર સહિત પંથકમાં દોડતા ખાનગી ટુ-ફોર વ્હીલર વાહન ચાલકો દ્વારા થતા અકસ્માતો ઘટાડવા માટે આર.ટી.ઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી કસૂરવાર વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જનતાની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!