બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના કંથાગરમાં ત્રણ દિવસથી ગુમ 22 વર્ષીય પરણીતાનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા ચકચાર*
*લગ્નના ત્રણ માસમાં પરણીત પુત્રીનું શંકાસ્પદ મોત નીપજતા પિયરિયાઓમાં હાહાકાર મચ્યો*
*મૃતક મહિલાની લાશના ફોરેન્સિક પી.એમ માટે લાશને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલાઈ*
સુખસર,તા.17
ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અવાર-નવાર સમયાંતરે કૂવામાંથી લાશો મળી આવવાના બનાવો સામાન્ય થઈ પડ્યા છે.વર્ષ 2011 થી હાલ સુધીમાં કુવાઓમાં અકસ્માતે પડેલા તેમજ હત્યા કરી ફેંકી દેવાયેલી 70 જેટલી લાશો મળી આવવાના બનાવો બની ચૂકેલા છે.જે પૈકી કેટલાક કિસ્સાઓની તપાસ થયેલ છે.જ્યારે મોટાભાગના શંકાસ્પદ કિસ્સાઓ રફેદફે પણ થઈ ચૂકેલા છે. જેમાં વધુ એક ગત ત્રણ માસ અગાઉ લગ્ન કરી કંથાગર ગામે સાસરે આવેલી 22 વર્ષીય પરણીતાની લાશ શંકાસ્પદ સંજોગોમાં કુવામાંથી મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો હોવાનું છે. લાશના ફોરેન્સી પોસ્ટમોર્ટમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે લાશ ને મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કંથાગર ગામના નિશાળ ફળિયામાં રહેતા સુક્રમભાઈ લાલાભાઇ બારીયાના લગ્ન ગત તા. 12/5/2024 ના રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના જાનવડની મુવાડી ગામે રહેતા ઈશ્વરભાઈ દલસુખભાઈ માલીવાડ ની પુત્રી પુષ્પાબેન માલીવાડ( ઉ.વ.22 )ના ઓ ની સાથે સમાજના રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન થયા હતા. લગ્ન બાદ પુષ્પાબેન તેમની સાસરીમાં આવ્યા હતા અને લગ્નનો એક માસ જતા પુષ્પાબેન પતિ સુક્રમભાઈ સાથે બહારગામ મજૂરી કામ કરવા ગયા હતા જ્યાંથી દિવાસાના દિવસે કંથાગર ગામે પરત ઘરે આવ્યા હતા જ્યારે પુષ્પાબેનના સાસરિયાં ઓના કહેવા પ્રમાણે પુષ્પા ત્રણેક દિવસથી ગુમ હતી.જેની જાણ તેના પિયરમાં કરી પુષ્પાની શોધ ખોળ કરવા જણાવ્યું હતું.જ્યારે આજરોજ સવારના સાડા દશ વાગ્યાના અરસામાં કંથાગર સરપંચ દ્વારા મૃતક પુષ્પાના પિતાને જણાવવામાં આવ્યું કે,તમારી પુત્રી પુષ્પાની લાશ મકાનથી દોઢસો ફૂટ દૂર કુવામાંથી મળી આવી છે.તેવા સમાચાર જાણતા પિયારીયાઓ કંથાગર ગામે આવી પહોંચ્યા હતા. મૃતક પુષ્પાની લાશ કૂવાના પાણી ઉપર તરતી જોઈ પિયરીયા ઓના માથે આભ તૂટી પડ્યું હોય તેમ રોકકળ મચાવી મૂકી હતી.
અત્રે નોંધનીય બાબત છે કે, પુષ્પાબેન તથા શુક્રમના લગ્ન થયે માત્ર ત્રણ મહિનાનો સમય થયો છે.અને લગ્નની મહેંદી પુષ્પા નવોઢા હોવાની સાક્ષી પૂરતી હતી.ત્યારે સુક્રમના પરિવારે લગ્ન માટે લાખો રૂપિયા ખર્ચ કરી લગ્ન કરાવ્યા હતા.ત્યારે એવું તે શું બન્યું હશે કે પુષ્પાને મરવા માટે કુવામાં મોતનો ભૂસકો મારવા મજબૂર થવું પડ્યું હશે?કે પછી પુષ્પા સાથે કોઈક કારણોસર અઘટિત ઘટના ઘટી છે? જોકે પુષ્પાની જે કૂવામાંથી લાશ મળી આવી છે તે કુવાનો હાલ ઉપયોગ કરાતો નથી ત્યારે પુષ્પા કુવા ઉપર કેમ ગઈ હશે અને અકસ્માતે કુવામાં પડી? જેવા હાલ અનેક પ્રશ્નો ઉપસ્થિત છે. પરંતુ ફોરેન્સિક પી.એમ તથા વિશેરા રિપોર્ટથી સત્ય હકીકત પ્રકાશમાં આવશે તેમ જણાઈ રહ્યું છે.
ઉપરોક્ત બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે જઈ લાશને કૂવામાંથી બહાર કાઢી પંચનામા બાદ લાશને ફોરેન્સિક પી.એમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
*બોક્સ*
વર્ષ- 2011 થી હાલ સુધીમાં સુખસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કેટલાક કુવાઓ માંથી પુરુષો, મહિલાઓ વિગેરેની તેમજ બિન વારસી શંકાસ્પદ હાલતમાં હાલ સુધીમાં સમયાંતરે 70 ઉપરાંત લાશો મળી આવવાના બનાવ બની ચૂકેલા છે.જે પૈકી કેટલાક કિસ્સાઓની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલ છે.જે પૈકી વધુમાં વધુ પાંચ ટકા જેટલા ગુનેગાર ઇસમો સામે કાયદાકીય પગલાં લેવાયા હોવાની પ્રાથમિક માહિતી છે.જ્યારે મોટાભાગના રહસ્યમય કિસ્સાઓ રહસ્ય બનીને રહી ગયેલા હોવાની બાબતને કોઈ નકારી શકે તેમ નથી. કેટલાક કિસ્સાઓમાં મળી આવેલ લાશ હત્યા બાદ કુવામાં કે બીન વારસી નાખવામાં આવી હોવાના પી.એમ રિપોર્ટ આવેલ હોવા છતાં તેની તપાસ અભરાઈએ ચડાવી દેવાતી હોવાની બાબત પણ સુખસર પંથકમાં નવી નવાઈની રહી નથી.ત્યારે શંકાસ્પદ સંજોગોમાં કુવાઓ માંથી તેમજ બિન વારસી મળી આવતા લાશોના રહસ્યના મૂળ સુધી પહોંચી વધતા જતા કિસ્સાઓ ઉપર અંકુશ લાવવો જરૂરી છે.