બાબુ સોલંકી :- સુખસર
*દાહોદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલતા વીજ મીટરનો દુર ઉપયોગ તથા હલકી ગુણવત્તાની કામગીરી થતી હોવાના આક્ષેપ સાથે ઉચ્ચ સ્તરે રજૂઆત*
*અરજદાર દ્વારા વિજ મીટરનો દુરુપયોગ તથા હલકી ગુણવત્તાની બાંધ કામગીરીની કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી બિલ સ્થગિત કરવા માંગ*
સુખસર,તા.3
દાહોદ જિલ્લામાં ખાસ કરીને સરકાર દ્વારા બાંધકામ કરવામાં આવતા રોડ,રસ્તા,નાળા,પુલ,સરકારી સાર્વજનિક સુવિધા માટે બનાવવામાં આવતા બાંધકામ તેમજ ભારતના ભવિષ્યનું ઘડતર કરતા શૈક્ષણિક ક્ષેત્રોના બાંધકામમાં ગોબાચારી આચરાતી હોવા બાબતે અવાર-નવાર જાગૃત લોકો દ્વારા અવાજ ઉઠાવવામાં આવે છે.પરંતુ લાગતા-વળગતા વહીવટી તંત્રો પ્રજાનો અવાજ સાંભળવાના બદલે બાંધકામ કરતા એજન્સી સંચાલક કોન્ટ્રાક્ટરોને સહકાર આપી”વર મરો,કન્યા મરો પણ મારું તરભાણુ ભરોની”નીતિ અપનાવતા સરકારના આયોજન મુજબ કામગીરી નહીં થતી હોવાના અનેક કિસ્સા અગાઉ બની ચૂક્યા છે. તેવી જ રીતે હાલ દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ચાલતા સરકારી શાળાના મીટરનો દુરુપયોગ થતો હોવાનું તેમજ બાંધકામ કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ્સ વાપરી કામગીરી થઈ રહી હોવાના આક્ષેપ સાથે દાહોદ જિલ્લાના એક જાગૃત નાગરિક દ્વારા કોન્ટ્રાક્ટરના બિલના નાણા સ્થગિત કરવા દાહોદ જિલ્લા ડીડીઓ સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્તિ વિગતો મુજબ દાહોદ જિલ્લા સરકારી પ્રાથમિક શાળાઓમાં હાલ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં નવીન ઓરડાઓના બાંધકામના કામ એજન્સી મારફતે કરવામાં આવી રહ્યા છે.ટેન્ડરની શરતો અને નિયમો મુજબ એજન્સીએ ટેમ્પરરી વિજ મીટર લઈ બાંધકામમાં વીજળીનો ઉપયોગ કરવાનો થતો હોય છે.પરંતુ મોટાભાગની શાળાઓમાં શાળાના સરકારી મીટરનો ઉપયોગ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યો છે.જેના કારણે સરકારી તિજોરી ઉપર બોજો પડી રહેલ હોવા છતાં આ બાબતે જે-તે શાળાના શિક્ષકો તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મુક સંમતિ આપવામાં આવી હોય તેવી રીતે એજન્સી દ્વારા આટલી મોટી વીજ ચોરી કરી શકે તેવા આક્ષેપ સાથે જણાવવામાં આવ્યું છે કે,સરકારી પ્રાથમિક શાળાના મીટરમાંથી સીધી વીજળી બાંધકામ માટે સળિયા કાપવા તથા નિર્માણમાં ઉપયોગ કરવામાં આવે તો ક્યારેક શોર્ટ સર્કિટ થવાનો અને શાળાઓમાં આગ લાગવાનો ભય પણ ઉભો થવા પામેલ છે.
આમ ગેરકાયદેસર વીજળીનો ઉપયોગ કરી બાળકોની સુરક્ષા જોખમમાં મુકનારા તથા સરકારી તિજોરી ઉપર ભાર નાખનારી એજન્સીઓની ન્યાયાલક્ષી તપાસ થાય તેમ જ આ બાંધકામોમાં હલકી ગુણવત્તાના મટીરીયલ્સ દ્વારા થતી કામગીરી પ્રત્યે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. તેમજ સરકારી નિયમો અનુસાર કામગીરી નહીં કરતા એજન્સી સંચાલકોના બિલના નાણા સ્થગિત કરવા રજૂઆત કરવામાં આવી છે.અને ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, ઉપરોક્ત બાબતે એજન્સી સંચાલકો સામે સમય મર્યાદામાં યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો તેની ઉચ્ચકક્ષાએ રજૂઆત થનાર હોવાનું જાણવા મળે છે.