બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના કાળીયા થી સુખસર જતા માર્ગ ઉપર વિવિધ પ્રકારે મુશ્કેલીઓ ભોગવતા વાહન ચાલકો
રસ્તાની સાઈડમાં બાંધી રખાતા પશુઓ તથા ફરતા મરઘાઓને અકસ્માત થતા સ્થાનિક લોકો વાહન ચાલકો પાસેથી પાંચથી પંદર હજાર રૂપિયા પડાવી રહ્યા છે
કાળીયામાં નળ સે જળ યોજના માટે તોડવામાં આવેલ રોડથી તથા ઘાણીખુટમાં બેઠા બમ્પના લીધે અકસ્માત થાય છે
સુખસર,તા.28
ફતેપુરા તાલુકામાં ફતેપુરા તેમજ સુખસરથી ગ્રામ્ય વિસ્તારો તરફ જતા કેટલાક જાહેર ડામર રસ્તાઓ વ્યવસ્થિત છે.ત્યારે વાહનોની અવર-જવર વાળા રસ્તાઓની સાઇડમાં રોડની આસપાસમાં રહેતા અનેક સ્થાનિક લોકો પોતાના પશુઓ રસ્તાની બાજુમાં બાંધી રાખતા હોય તેમ જ છુટા મુકતા હોય વાહન ચાલકોને ફરતા પશુઓ તથા મરઘા ઓના લીધે અકસ્માત થવાના બનાવો બને છે.તેવી જ રીતે ગરાડુ થી કાળીયા થઈ ઘાણીખુટ,સુખસર જતા માર્ગ ઉપર વાહન ચાલકો અનેક પ્રકારે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.
જાણવા મળેલ વિગતો મુજબ સંતરામપુર સુખસર તરફથી રાજસ્થાનમાં પ્રવેશ માટે શોર્ટકટ એવા ફતેપુરા તાલુકાના ઘાણીખુટ થી ગરાડુ તરફ જતા આઠ કી.મીના માર્ગ ઉપર અનેક ટુ ફોરવીલર વાહનો તથા મોટા વાહનો ની અવર-જવર રહે છે.જેમાં ઘાટાવાડા,કાળીયા,માનાવાળા બોરીદા, મોટા બોરીદા થી ઘાણીખુટ સુધીના માર્ગ ઉપર વાહન ચાલકો વિવિધ પ્રકારે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.તેમાં આ માર્ગની આસપાસમાં રહેતા સ્થાનિક લોકો પોતાના પશુઓને રસ્તાની સાઈડમાં બાંધી રાખતા હોય અનેક વાર અકસ્માતો થઈ ચૂક્યા છે.અને જેમાં વાહન ચાલકો ઇજાઓના શિકાર બને છે.તેમજ પશુઓ સહિત મરઘા ઓને પણ ઈજા પહોંચવાના બનાવો બનેલા છે.જોકે આ રસ્તા ઉપર કોઈ પશુને વાહન અકસ્માતે ઈજા થાય તો તેવા વાહન ચાલક પાસેથી પશુ અથવા મરઘા માલિક દ્વારા પાંચથી પંદર હજાર રૂપિયા કિંમત વસુલાત કરવામાં આવતા હોવાના અનેક કિસ્સા પણ બની ચૂક્યા છે.જોકે આવી બાબતો કાયદાના ટેબલ સુધી પહોંચતા પહેલા વચેટિયાઓ જે-તે પશુ અથવા મરઘા પાલકને પોતાના પશુ અથવા મરઘાની કિંમતથી અનેક ગણી રકમ વસુલાત કરાવતા હોવાના કિસ્સા સામાન્ય બની ગયા છે.
બીજી બાજુ જોઈએ તો કાળીયા મેલડી માતાના મંદિર પાસે રસ્તો ક્રોસ કરી મહિનાઓ પહેલા નળ સે જળ યોજના અંતર્ગત પાઇપો નાખવાની કામગીરી કરવામાં આવી હતી.જેમાં પાઇપ નાખવા માટે રોડ ખોદાણ કર્યા બાદ ખોદાણ કરવામાં આવેલો રોડ ઉપર માત્ર ઉપર માટી પાથરી કોન્ટ્રાક્ટર જતો રહ્યો હતો. જ્યારે હાલમાં આ જગ્યાએ તૂટેલો રસ્તો હોય અકસ્માત થવા સહિત વાહનોને નુકસાન પહોંચવાની શક્યતા વધી જવા પામેલ છે.જ્યારે આ માર્ગ ઉપર ઘાણીખુટ ખાતે ઝાલોદ સંતરામપુર હાઇવે માર્ગને જોડાણ થતાં ઘાણીખુટ ફાટક પાસે રોડ બનાવ્યો તેવા સમયે એક બેઠો બમ્પ બનાવવામાં આવ્યો હતો.જે ખાસ કરીને વાહન ચાલકોને નજરે પડતો ન હોય તેમજ આ જગ્યાએ બમ્પ હોવા બાબતે કોઈ સફેદ પટ્ટા કે બોર્ડ મૂકવામાં આવેલ ન હોય અનેક ટુ વ્હીલર વાહન ચાલકો અને જેમાંયે ખાસ કરીને મોટરસાયકલ સવાર મહિલાઓ તથા બાળકો રોડ ઉપર પટકાવાના અનેક કિસ્સા પણ બની રહ્યા છે.જેના લીધે જાનહાનીનો ભય પણ સેવાઈ રહ્યો છે.ત્યારે તંત્ર દ્વારા બમ્પ વાળી જગ્યાએ બમ્પ હોવા બાબતે નિશાની વાળુ બોર્ડ મૂકવામાં આવે તે ખાસ જરૂરી જણાય છે.
આમ,ગરાડુ થી ઘાણીખુટ સુધી આઠ કી.મી ના ડબલ પટ્ટી માર્ગ ઉપર વાહન ચાલકો સહિત મુસાફર જનતા વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.ત્યારે આ રસ્તા ઉપર વાહન ચાલકો તથા મુસાફર જનતાને પડતી મુશ્કેલી દૂર કરવા લાગતા વળગતા તંત્ર દ્વારા સત્વરે ધ્યાન આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે