
રાજેશ વસાવે :- દાહોદ
આકાંક્ષી દાહોદ જિલ્લામાં ‘સંપૂર્ણતા અભિયાન’નો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે
સંપૂર્ણતા શબ્દની અંદર જ એનો અર્થ રહેલો છે.’-કલેકટરશ્રી યોગેશ નિરગુડે
દાહોદ તા. ૪
નીતિ આયોગ દ્વારા દેશભરમાં નક્કી કરાયેલા ૧૧૨ આકાંક્ષી જિલ્લાઓ અને ૫૦૦ તાલુકાઓ પૈકી રાજ્યમાં દાહોદ અને નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પૈકી ગરબાડા તાલુકાની આકાંક્ષી બ્લોક તરીકે પસંદગી કરવામાં આવી છે. નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરાયેલી એસઓપી પ્રમાણે ૬ પેરામીટર્સની સૂવિધા પૂર્ણ કરવા આકાંક્ષી જિલ્લા/તાલુકામાં “સંપૂર્ણતા અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની પ્રેરક ઉપસ્થિતિમાં આ અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો.
આ અભિયાનના ઉદઘાટન પ્રસંગે ‘સંપૂર્ણતા’ શબ્દની અંદર જ એનો અર્થ રહેલો છે. એમ કહેતા કલેકટરશ્રી યોગેશ નિરગુડે એ નીતિ આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલા ઈન્ડિકેટર્સને સેચ્યુરેશન સુધી લઈ જવા માટે સ્થાનિક પદાધિકારીઓ, કર્મયોગીઓ, આંગણવાડી અને આરોગ્યના કાર્યકરોને કટિબધ્ધ બનવાની હાકલ કરી હતી. નીતિ આયોગ દ્વારા શિક્ષણ, આરોગ્ય, પોષણ, ખેતી અને સામાજિક વિકાસને કેન્દ્રમાં રાખીને મહત્વના છ ઈન્ડિકેટર્સ ઉપર લક્ષ કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોને બિરદાવી નાગરિકોને પણ તેમાં સહભાગી થવા કલેક્ટરશ્રીએ હાકલ કરી હતી.
તાલુકા પંચાયત પ્રમુખશ્રી મયુર ભાભોરએ કાર્યક્રમ નિમિતે વિવિધ યોજનાકીય લાભો અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, આપણે હવે સમયની સાથે ચાલવા માટે આપણા વિચારોને બદલવાની જરૂર છે. વિશેષમાં તેઓએ તમામ લોકોને સંબોધતા કહ્યું હતું કે, આપણે સૌએ ભેગા મળીને વિવિધ લાભોને આવકારીને આપણા તરફથી સહયોગ આપવાની જરૂર છે.
સૌ કોઈએ સ્ક્રીન પર સંપૂર્ણતા અભિયાનની ફિલ્મ નિહાળી આ સાથે આગામી ૩૦મી સપ્ટેમ્બર-૨૦૨૪ સુધી ચાલનારા ‘સંપૂર્ણતા અભિયાન’ના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત સૌએ આકાંક્ષી જિલ્લા/તાલુકાના નક્કી કરાયેલા ઈન્ડિકેટર્સને સંતૃપ્ત કરવા માટે યોગદાન આપવાના શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી બી.એમ.પટેલ, ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ મયુર ભાભોર, નીતિ આયોગના પ્રતિનિધિ સુશ્રી રિદ્ધિ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રથિક દવે, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરા ચૌહાણ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવત, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી આરત બારીયા,તાલુકા વિકાસ અધિકારી શ્રી, સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦