રાજેશ વસાવે :- દાહોદ
જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
દાહોદ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજૂ કરાયેલ વિવિધ મુદ્દાઓ અંગે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને આપ્યા સૂચનો
નાગરિકો દ્વારા તથા જનપ્રતિનિધિઓના આવતા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ કરવા ઉપર ભાર મૂકતા કલેક્ટરશ્રી
દાહોદ તા. ૧૬
સેવા સદન છાપરી, દાહોદની કલેક્ટર કચેરી ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓની તેમજ તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રશ્નોના કાયમી નિકાલ અંગે સીધો સંવાદ કરી ચર્ચા કરવામાં આવી હતી. રજૂ કરેલા પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા સાથે રચનાત્મક સૂચનો કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી લોક સુખાકારીમાં વધારો કરવા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ અપીલ કરી હતી.
જિલ્લામાં રોડ-રસ્તા, સિંચાઈ યોજનાઓ, વિકાસશીલ તાલુકાના અનેકવિધ કામો બાબતે વિસ્તૃતમાં ચર્ચા કરી નાગરિકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવી જીવન જરૂરીયાત વાળા કામોને પ્રાથમિકતા આપવા અંગે રજૂઆત કરી હતી. ધારાસભ્યશ્રીઓ દ્વારા સૂચવેલા કામોને પ્રાથમિકતા તથા તાલુકાની સમિતિની મિટીંગ વખતે જાણ કરવા પર ભાર મૂક્યો હતો.
જિલ્લા સંકલનની બેઠકમાં અધિકારી/કર્મચારીઓ, કચેરીઓને લગતા પ્રશ્નો તેમજ તમામ વિભાગોને સંકલનમાં રહીને કરવાના કામો, પાણી, આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા તેમજ જેવા વિવિધ પ્રશ્નો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા જિલ્લા કલેક્ટર વધુમાં લોકો દ્વારા તથા જનપ્રતિનિધિશ્રીઓ તરફથી આવતા પ્રશ્નોનું ઝડપી અને ત્વરિત નિરાકરણ કરવા જણાવ્યું હતું. માત્ર એટલું જ નહીં પણ જે-તે વિભાગો દ્વારા નિકાલ કરાયેલી કામગીરીની ત્વરિત જાણ કરવા પણ વિભાગોને સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, દાહોદ સંસદ સભ્યશ્રી જશવંતસિંહ ભાભોર જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ,પ્રાયોજના વહીવટદારશ્રી સ્મિત લોઢા, ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્યશ્રી મહેશ ભુરીયા, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્યશ્રી રમેશ કટારા તેમજ નીવાસી અધિક કલેકટરશ્રી એમ. જે. રાવલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર ઉપરાંત તમામ પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.