
લીમખેડાના જુનાવડીયાની ડોશી નદીમાં નાહવા ગયેલા 2 સગા ભાઈઓનું ડૂબી જતાં મોત નીપજ્યું..
દાહોદ તા.25
દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના જૂનાવડીયા ગામના સીમાડેથી પસાર થતી ડોશી નદીમાં ન્હાવા પડેલા સીંગાપુર ગામના ઘાટા હનુમાન મંદિરના પુજારીના બે આશાસ્પદ પુત્રોનુ નદીના ઉંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજતા ગામમાં માતમ છવાયો હતો.
લીમખેડા તાલુકાના સીંગાપુર ગામે આવેલા ઘાટા હનુમાન મંદિરના પુજારી સુનિલ ભાઈ જોષીના બંન્ને પુત્ર નામે સત્યાનંદ જોષી તથા પરમાનંદ જોષી તેના અન્ય મિત્રો સાથે જુનાવડીયા ગામના સીમાડે આવેલી ડોશી નદીમાં નાહવા માટે ગયા હતા, અને નદીના પાણીમાં નાહવા માટે કૂદ્યા હતા જે પૈકીના બે સગા ભાઈઓ નામે સત્યાનંદ જોશી અને પરમાનંદ જોશી નદીમાં ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.આ જોઈને ગભરાઈ ગયેલા અન્ય મિત્રો પાણીમાંથી હેમખેમ બહાર નીકળી ગયા હતા નદી કિનારે બહાર નીકળેલા બાળકોએ બૂમાબૂમ કરતા ગામના અન્ય રહીશો ત્યાં દોડી આવ્યા હતા અને ગામના જ તરવૈયાઓએ નદીમાં ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી ભારે જહેમત બાદ બંને સગા ભાઈઓને મૃત હાલતમાં નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા સીંગાપુર ગામના આ બંને ભાઈઓનું જુનાવડીયા ગામની ડોશી નદીમાં નાવા જતા ઉંડા પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજતા ગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી હતી. લીમખેડા પોલીસે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.