
ગૌરવ પટેલ /કલ્પેશ શાહ :- સીંગવડ
મોટીબાંડીબારમાં છેલ્લા ચાર મહિનાથી મોબાઇલ નેટવર્કના ધાંધિયા,લોકો હેરાન પરેશાન.
પાંચ દિવસમાં આ પ્રાઇવેટ કંપનીનો ટાવર ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
દાહોદ તા.04
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ મોટીબાંડીબાર ગામમાં છેલ્લા ચાર મહિનાથી કોઈપણ કંપનીનો મોબાઇલ નેટવર્ક ન હોવાના લીધે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જ્યારે મોટીબાંડીબાર ગામમાં અંદાજિત 5000 ની વસ્તી છે છતાં પણ કોઈ પણ કંપનીના અધિકારીઓ નેટવર્ક પ્રત્યે કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી આપતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગામના લોકોને ઈમરજન્સી તેમજ પોલીસ કે પછી કોઈપણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો વ્યક્તિગત ફોન કરવો હોય તો ઘરના છત પર જઈને ફોન પર વાત કરવી પડતી હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી મોટીબાંડીબાર ગામમાં ઇન્ડસ કંપનીનો ટાવર હતો પરંતુ ઇન્ડસ કંપનીનો અને જમીન માલિક નો કરાર પૂર્ણ થઈ જતા ઇન્ડ્સ ટાવર કાઢી નાખવામાં આવ્યો હતો. જ્યારે પ્રાઈવેટ કંપની દ્વારા બીજી જગ્યા ફાળવીને નવો ટાવર ઉભો કરી દેવામાં આવ્યો છે જેને લગભગ બે મહિના જેટલા સમય થઈ જવા પામ્યો પરંતુ પ્રાઇવેટ કંપનીના ટાવરનું કામ હાલ બંધ હાલતમાં જોવાઈ રહ્યું છે.જેને લઇને ગ્રામજનો એ ગત તારીખ 03 એપ્રિલ ને બુધવાર ના રોજ ટાવર પાસે જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને જણાવ્યું હતું કે પાંચ દિવસમાં આ પ્રાઇવેટ કંપનીનો ટાવર ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.