બાબુ સોલંકી :- સુખસર
સંજેલી તાલુકાની આશ્રમ શાળામાં શિક્ષણ સહાયકની નોકરી માટે રૂપિયા 35 લાખની માંગણીથી ખળભળાટ,કથિત ઓડિયો વાયરલ
શિક્ષકની ભરતીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને કૌભાંડને ઉજાગર કરવા માટે પુરાવા સાથે યુવરાજસિંહ જાડેજાએ રજૂઆત કરી
સંજેલી તાલુકાની આશ્રમ શાળામાં વિદ્યા સહાયક,શિક્ષણ સહાયકની નોકરી માટે આશ્રમશાળામાં ગેરરીતિ ના કર્યા આક્ષેપ
સંજેલી તાલુકાની આશ્રમ શાળામાં નોકરી માટે 25 લાખ રૂપિયાની રકમની લેતી દેતીના ઓડિયો રેકોર્ડિંગ પુરાવા મોજુદ છે: યુવરાજસિંહ જાડેજા
ગેરરિતી માટે જવાબદાર જે-તે સ્કૂલના સંચાલક મંડળ,પ્રિન્સિપાલ, શિક્ષક,અધિકારીઓ તથા લાગતા- વળગતા ઉપર એક્શન લેવા માટે રજૂઆત કરાઈ
સુખસર,તા.10
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ એક આશ્રમશાળા માટે શિક્ષક સહાયકની ખાલી જગ્યા ભરવા માટે દૈનિક સમાચાર પત્રોમાં સમાચારો પ્રગટ થતાં તેમાં કેટલાક ઉમેદવારોએ નોકરી માટે ઉમેદવારી નોંધાવેલ હતી.ત્યારે આ ખાલી જગ્યા ભરવા માટે આ આશ્રમ શાળાના સંચાલક મંડળના સભ્ય દ્વારા નોકરી ઈચ્છુક ઉમેદવાર પાસેથી 25 થી 35 લાખ રૂપિયા લાગવગ રૂપે આપવા પડશે નો કથિત ઓડિયો વાયરલ થતાં જિલ્લામાં આવેલ આશ્રમ શાળાઓમાં ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળે છે.જ્યારે આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં નોકરી માટે લાખો રૂપિયા વસૂલાત કરવામાં આવતા હોવા બાબતે એક નાગરિક દ્વારા ઉચ્ચ સ્તરે કથિત વિડીયો સાથે રજૂઆત કરતા ભ્રષ્ટાચાર આચરવા આગેવાની કરતા જવાબદારોમાં ખળભળાટ મચી જવા પામ્યો હોવાનું પણ જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની એક આશ્રમ શાળામાં સામાજિક વિજ્ઞાન,ગણિત,વિજ્ઞાન તથા અંગ્રેજી ભાષાની શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષણ સહાયકની જગ્યા ખાલી પડતા તેના માટે દૈનિક સમાચાર પત્રોમાં જાહેરાત આપવામાં આવેલ હતી.જેના સંદર્ભે કેટલાક લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં એક દક્ષિણ ગુજરાતની મહિલાએ નોકરી માટે અરજી આપેલ હતી.ત્યારે આ આશ્રમ શાળામાં છેલ્લા બે વર્ષથી સેવા આપતા શિક્ષકે મોબાઈલથી કોન્ટેક્ટ કરી જણાવેલ કે, હું આ આશ્રમશાળામાં બે વર્ષથી સેવા આપું છું.અને અહીંયા નોકરી માટે મેં 35 લાખ રૂપિયા નક્કી પણ કરેલ છે. અને તેમાંથી મેં 23 લાખ રૂપિયા આપી પણ દીધેલા છે માટે તમો ઇન્ટરવ્યૂમાં ધક્કો ખાતા નહીં હોય અને તે જાણ માટે જ તમને ફોન કર્યો હોવાનું જણાવેલ.જ્યારે બીજી ઓડિયો ક્લિપ માં કથિત શાળા સંચાલક તથા ઉમેદવાર મહિલા સાથે વાત કરતા જણાવ્યું છે કે,હું દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા માંથી બોલું છું.અને ગણિત વિજ્ઞાન માટે તમારી અરજી આવેલ છે.ઇન્ટરવ્યૂ માટેની કોઈ પદ્ધતિ તમને ખબર છે કે નહીં?
કોઈ વ્યવહાર કે નોકરી માટેની ઈચ્છા ખરી કે કેમ? તેમજ 24 કલાક નોકરી કરવી પડશે. અહીંયા છોકરીઓની જવાબદારી તમારી રહેશે.તેમજ ભરતી પ્રક્રિયા ફિક્સ હોવા છતાં તમને પૂછીએ છીએ કે અહીંયા નોકરી મેળવવા માટે 25 થી 30 લાખ રૂપિયા ચાલે છે.
મહિલાએ થોડું વ્યાજબી કરી આપવાનું જણાવતા સામેના વ્યક્તિએ જણાવેલ કે,અહીંયા ચારેક જેટલા ઉમેદવારો તમારાથી આગળ છે.ઇન્ટરવ્યૂની તારીખ પણ નજીક આવી રહી છે. તેમજ બે વર્ષથી એક ભાઈ સેવા આપે છે.પરંતુ તેઓ નજીકના છે.તેમજ તે ભાઈ તમારાથી મેરીટમાં દોઢ ટકા માર્કસ વધુ ધરાવે છે.પરંતુ તમો દૂરના છો અને સેટિંગ થાય તેના માટે ફોન કર્યો હતો. અહીંયા 30 લાખ રૂપિયા ફિક્સ હોય છે.જ્યારે ઉમેદવાર બહેને યોગ્ય કરવાનું જણાવતા હાલ પગાર રૂપિયા 40,800 હોવાનું જણાવ્યું હતું અને તમોને આ પ્રમાણે યોગ્ય હોય તો ફિક્સ કરીએ અને નહીં તો કેન્સલ કરી દઈએ.આ પ્રમાણે યોગ્ય હોય તો જણાવજો અને તમારી ઈચ્છા હોય તો ઠીક છે,નહીં તો પડતું મુકો.તેમ વાતચીત થતાં મહિલા ઉમેદવારે પોતાના પતિને પૂછપરછ કરી ફરીથી કોલ કરવાનું જણાવેલ હોવાનું ઓડિયો ક્લિપમાં સાંભળવા મળે છે.
જ્યારે સામાજિક વિજ્ઞાન વિષયના નોકરી વાચ્છુ મહિલા ઉમેદવાર દ્વારા યુવરાજસિંહ જાડેજા સાથે વાતચીત કરતા આક્ષેપ કર્યો હતો કે,માર્ચ 27 માર્ચ-2024 ના રોજ અન્ય એક ઉમેદવારના વાલી મહિલા ઉમેદવારના ઘરે જઈ તમારું મેરીટ કેટલુ છે?તેમજ આ એરીયા બેકવર્ડ છે, તેમજ આ સ્કૂલ મારી સર્વિસમાં બનાવેલી છે,અને ત્રણ વર્ષથી મારો પુત્ર અહીંયા સેવા આપી રહેલ છે,તેમજ અહીંયા નોકરી મેળવવા માટે રૂપિયા 35 લાખ રૂપિયા નક્કી થયેલ હોવાનું જણાવેલ હતું.તેમ જ વધુમાં જણાવ્યું હતું કે,તમો આ ઇન્ટરવ્યૂમાં આવતા નહીં હોય,ખોટો ધક્કો પડશે.તેવી પણ ધમકી આપી આવેલ હોવાનું વિડિયો ક્લિપમાં સાંભળવા મળે છે.તેમજ આક્ષેપ કરવામાં આવ્યો છે કે,આ ધમકી આપનાર લોકોને શાળા દ્વારા અથવા સંચાલક મંડળ દ્વારા મોબાઈલ નંબર તથા સરનામા આપવામાં આવ્યા હતા હોય તો જ આ લોકો સીધા ઉમેદવારોના ઘરે જઇ ધમકી આપતા હોઇ અને તેના કારણે જ આ મહિલા ઉમેદવાર ઇન્ટરવ્યૂમાં હાજર રહ્યા નહીં હોવાનો આક્ષેપ જણાવી રહ્યા છે.
શિક્ષકની ભરતીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને કૌભાંડને ઉજાગર કરવા માટે પુરાવા સાથે યુવરાજસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી. અને તેમાં જણાવ્યું હતું કે, નોકરી આપવા નાણાની માંગ બાબતના કથિત ઓડિયો ક્લિપ ના પૂરતા પુરાવા છે અને કેટલી એ ભરતીમાં લાયક ઉમેદવારોને અન્યાય થઈ રહેશે જ્યારે નાણાં લઈ નોકરી આપવામાં આવે છે અને તે પણ લાખો રૂપિયા માં સોદા થઈ રહ્યા છે અને તે બાબતે ડી ઈ ઓ ને રજૂઆત કરતાં ડી ઇ ઓ દ્વારા નોટિસ આપવામાં આવેલ છે પરંતુ તે નોટિસથી કાંઈ થવાનું નથી પરંતુ ઓડિયો ક્લિપ મુજબ નિષ્પક્ષ તપાસ કરી કાયદેસર ગુનો દાખલ કરવામાં આવે. તેમજ જણાવ્યું હતું કે,હાલ આ બાબતમાં કોઈ રાજકીય વ્યક્તિની સંડોવણી હોવાના કોઈ પુરાવા નથી.
પરંતુ શાળાના સંચાલકો તથા કર્મચારીઓ સંડાવાયેલા હોવાનું જણાવ્યું હતું.અને આ ઓડિયો ક્લિપ અધિકારીઓને પહોંચાડવામાં આવેલ હોવાનું અને નોકરી માટે નાણા ની માંગણી કરનાર લોકોને ઉઘાડા પાડવા પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.ત્યારે આ ગેરરિતી માટે જવાબદાર જે-તે સ્કૂલના સંચાલક મંડળ,પ્રિન્સિપાલ,શિક્ષક, લાગતા-વળગતા અધિકારીઓ ઉપર એક્શન લઈ આ ભરતી બાબતે સરકાર તાત્કાલિક એક્શન લે તથા સંચાલકને કાયમી ધોરણે બરતરફ કરે અને ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી રજૂઆત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.