# દાહોદ લાઈવે #
દાહોદ જિલ્લાને રૂ. ૩૧૪ કરોડના વિકાસકાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી :
આદિજાતિ બાંધવોનો વધારે ને વધારે વિકાસ થાય તેવી વ્યવસ્થા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી છે
આજે સરકારી યોજનાઓનો લાભ ઘેર બેઠા મળે છે, જેના થકી છેવાડાનો માનવી મુખ્ય પ્રવાહમાં આવી રહ્યો છે
દાહોદના મહેનતુ લોકોનો ગુજરાતના વિકાસમાં મહત્વનો ફાળો છે
જે આદિવાસી વિસ્તારમાં સાયન્સની કોલેજ ન હતી, ત્યાં હવે મેડિકલ અને ઇજનેરી કોલેજો અને યુનિવર્સિટી છે
વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણમાં દાહોદ જિલ્લાએ અગ્રેસર ભૂમિકા નિભાવવાની છે: કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઇ ખાબડ
રૂ. ૩૧૩.૯૯ કરોડના ખર્ચે વિકાસના વિવિધ ૫૫ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન : નર્સિંગ કોલેજ સિંગવડનું પણ લોકાર્પણ
દાહોદ તા. ૧૦
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સિંગવડ ખાતે ઉપસ્થિત રહીને દાહોદ જિલ્લાના વિકાસને વેગ આપતા વિવિધ વિભાગોના કુલ રૂ. ૩૧૪ કરોડના વિકાસકાર્યોના વિવિધ ૫૫ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું.
પોતાના દાહોદ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નર્સિંગ કોલેજ સિંગવડનું પણ લોકાર્પણ કરીને દાહોદના યુવા વર્ગને ઘરઆંગણે વધુ શિક્ષણ સુવિધા આપી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં ગરીબ, આદિવાસીઓ, દલિત અને પીડિત વર્ગને સીધો હક મળે તે પ્રકારે સુરાજ્ય સુશાસનને અમલમાં મૂક્યું છે, તેમ કહી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિકાસના જે કર્યો આપણે જોઈ રહ્યા છીએ તેનો મજબૂત પાયો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાખ્યો છે.
છેલ્લા થોડા દિવસોમાં ગુજરાતને રૂ. ૧.૧૦ લાખ કરોડના વિકાસકાર્યોની ભેટ પ્રધાનમંત્રીશ્રીએ આપી છે. અને તે જ પગલે ચાલીને ડબલ એન્જિનની સરકારે ગયા અઠવાડિયામાં રૂ. ૬૭૦૦ કરોડથી વધારે વિકાસકાર્યોની ભેટ જનતાને આપી છે.
દાહોદને સ્માર્ટ સિટી બનાવવાનું લક્ષ્ય હોય કે વિકાસની વધુ જરૂર હોય તેવા એસ્પિરેશનલ જિલ્લાઓમાં દાહોદનો સમાવેશ કરવાનો હોય, વિકાસ અને લોકહિતના કાર્યોમાં દાહોદ જિલ્લો ક્યાંય પાછળ ન રહે તે ડબલ એન્જિન સરકારની ગેરંટી છે, તેમ શ્રી પટેલે જણાવ્યું હતું.
દાહોદમાં રૂ. ૨૦ હજાર કરોડના ખર્ચે રેલવેના ઇલેક્ટ્રીક એન્જિન બનાવવાના પ્લાન્ટથી સ્થાનિક યુવાનોને રોજગારી મળે તેવી વ્યવસ્થા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી છે.
દાહોદ સહિત આદિવાસી વિસ્તારમાં એક સમયે સાયન્સની કોલેજ પણ ન હતી, ત્યાં હવે મેડિકલ અને ઇજનેરી કોલેજો અને યુનિવર્સિટી છે.
હવે આદિજાતિ બાળકો ઘર આંગણે ભણી શકે છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ સહર્ષ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત આપણો નિર્ધાર છે અને આ ગુજરાતને આગળ લાવવામાં દાહોદના મહેનતુ લોકોનો સિંહફાળો છે.
બે દાયકા પહેલા ગુજરાતનું બજેટ ૧૦-૧૫ હજાર કરોડ રૂપિયાનું હતું, આજે રૂ. 32.30 લાખ કરોડનું બજેટ છે, તેમ ગૌરવભેર જણાવી મુખ્યમંત્રી શ્રી પટેલે વધુમાં કહ્યું હતું કે, ૨ દાયકા પહેલા સરકારી યોજનાઓ અને તેના લાભો વિશે કોઈને ખબર ન્હોતી પડતી, પરંતુ હવે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મોદીના ગેરંટી રથ થકી લોકોને ઘરે બેઠા જ સરકારી યોજનાઓનો લાભ મળે છે. અને આ લાભો થકી છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવાના અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ સરકારની યોજનાઓમાં નાનો, ગરીબ અને અંતિમ હરોળના વ્યક્તિને કેન્દ્રમાં રાખવામાં આવે છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.
નરેન્દ્ર ભાઇ મોદીએ આપેલી પ્રજાલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓની દાહોદ જિલ્લામાં સફળતાની ઝાંખી આપતા શ્રી પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાંચ વર્ષમાં દાહોદ જિલ્લાને ૧.૧૦ લાખ મકાનો મળ્યા છે. પી. એમ. સ્વનિધિ યોજના હેઠળ આ જિલ્લામાં ચાર હજારથી વધારે ફેરિયાઓને લોન સહાય મળી છે. ૨.૪૪ લાખ ગેસ કનેક્શન થકી દાહોદની મહિલાઓને ધુમાડાથી મુક્તિ મળી છે. અને આજે જિલ્લાના ૧૨ લાખથી વધારે ગરીબોના બેંક ખાતા છે.
વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના અંતર્ગત દાહોદમાં ૧૪.૭૭ લાખથી વધારે લોકો પાસે રૂ. ૧૦ લાખનું આરોગ્ય કવચ હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડે પ્રાસંગિક ઉદ્દબોધનમાં બિરસા મુંડાને યાદ કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે. ગુજરાતમાં અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં આદિવાસી બંધુઓનો સર્વાંગી વિકાસ થયો છે. દરેક સમાજને સરખું મહત્વ અને ન્યાય મળ્યો છે. સરકારશ્રીએ છેવાડાના વ્યકિતની ચિંતા કરીને વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી લોકોના ઘર સુધી પહોંચી યોજનાકીય લાભો અપાવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, આજે વિજ્ઞાનથી લઈને આરોગ્ય, શિક્ષણ, રસ્તા, વીજળી, રોજગારી અને સિંચાઈ સહિત તમામ ક્ષેત્રોમાં સરકારે અનેકવિધ વિકાસના કાર્યો કર્યા છે. ગામડાની સમૃદ્ધિ થકી દેશની સમૃદ્ધિ તરફ આપણે આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, ‘આપણને આઝાદીની લડતમાં લડવા તો નથી મળ્યું, પણ આપણે વિકસિત ભારત માટે લડવું છે.’ દાહોદની વાત કરતા તેમણે કહ્યું કે, કડાણા જળાશય અને નર્મદાની પાઇપલાઇન થકી ખેડૂતોને સિંચાઇનો લાભ મળ્યો છે. તેમણે વિકસિત ભારતની યાત્રામાં દાહોદ વિકસિત જિલ્લો હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે દાહોદના આંગણે વિકાસોત્સવ આવ્યો હોવાનું જણાવી કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ મળવા બદલ દાહોદવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. અમૃતકાળમાં ગુજરાત સતત અગ્રેસર રહીને વિકાસનો પર્યાય બની રહ્યું છે, ત્યારે દાહોદ પણ તેમાં હરણફાળ ભરવાની છે તેમ કહી આદિજાતિ વિકાસ માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અવિરત કાર્યો થઈ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ, લાભો તેમજ દાહોદ જિલ્લાના કાયાપલટની તેમણે સંક્ષિપ્તમાં વાત કરી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડૉ. કુબેરભાઇ ડીડોર અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઇ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય સર્વો શ્રી કનૈયાલાલ કિશોરી, શ્રી મહેશભાઈ ભુરીયા, શ્રી રમેશભાઈ કટારા, શ્રી શૈલેશભાઇ ભાભોર, શ્રી મહેન્દ્રસિંહ ભાભોર, અગ્રણીશ્રી શંકરભાઈ અમલીયાર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, અગ્રણીશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે,જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ,પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, એ.એસ.પી.શ્રી કે સિદ્ધાર્થ, એ.એસ.પી. સુશ્રી બીશાખા જૈન, નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી.પાંડોર,પ્રાંત અધિકારી શ્રી ઓ સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ વિશાળ સંખ્યામાં દાહોદના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦