બાબુ સોલંકી :- સુખસર
સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ચીચાણી વર્ગ પ્રાથમિક શાળામાં શિક્ષકોની બેદરકારીથી બાળકે આંખ ગુમાવી હોવાનો પરિવારનો આક્ષેપ
શાળા સમય દરમિયાન ધોરણ 1 માં અભ્યાસ કરતા બાળકને અકસ્માતે આંખમાં પેન્સિલ વાગી હતી
બાળકને આંખમાં ગંભીર ઈજા પહોંચતા શાળાના જવાબદારોએ બાળકને તાત્કાલિક દવાખાનામાં સારવાર કરાવવાના બદલે ઘરે છોડી જતા રહ્યા.!?
સુખસર,તા.3
સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ખાતે આવેલ ચીચાણી વર્ગ પ્રાથમિક શાળામાં શાળા સમય દરમિયાન 7 વર્ષિય ધોરણ-1 માં અભ્યાસ કરતા બાળકને અકસ્માતે આંખમાં પેન્સિલ વાગતા ગંભીર ઈજા પહોંચી હતી.ત્યારે શાળાના જવાબદારોએ ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાના બદલે બાળકને શાળાના શિક્ષકો દ્વારા તેના ઘરે છોડી જતા રહેતા અને સમય વીતી જતા બાળકને આંખ ગુમાવવાનો વારો આવ્યો હોવા બાબતે ઇજાગ્રસ્ત બાળકની માતાએ સંતરામપુર પોલીસ સ્ટેશન સહિત મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ખાતે આવેલ ચીચાણી ગામના ઈશ્વરભાઈ બરજોડનો પુત્ર કિશનભાઇ વળવાઈ ચીચાણી વર્ગ પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં અભ્યાસ કરે છે.જે તારીખ 21/2/2024 ના રોજ શાળામાં અભ્યાસ અર્થે ગયો હતો.તેવા સમયે શાળામાં ભણતુ એક અન્ય બાળક બપોરના 12:00 વાગ્યાના અરસામાં દોડીને આવતા આ બાળક અકસ્માતે કિશન ઉપર પડ્યું હતું.અને કિશનને ડાબી આંખમાં પેન્સિલ વાગતાં આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી.ત્યારે શાળાના જવાબદાર શિક્ષકોએ ઇજાગ્રસ્ત કિશનને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવાના બદલે શાળાના આચાર્ય,ક્લાસ ટીચર તથા મધ્યાહન ભોજન સંચાલકનાઓ ઇજાગ્રસ્ત બાળકને તેના ઘરે જઇ તમો કિશનને સારવાર કરાવી લાવજો તેમ ઘરના સભ્યોને જણાવી ઘરે છોડી જતા રહ્યા હતા.પરંતુ આ બાળકના માતા-પિતા બહારગામ મજૂરીએ ગયેલા હતા. જ્યારે ઘરે વૃદ્ધ દાદી પાસે આ બાળક રહી શાળામાં ભણવા જતો હતો. જ્યારે કિશનને આંખમાં ગંભીર ઈજા થઈ હોવા બાબતે તેના માતા પિતાને મોબાઇલથી જાણ કરતાં તેના માતા પિતા બે દિવસ બાદ ઘરે આવ્યા હતા. ઘરે આવી જોતા આંખમાંથી લોહી વહી રહ્યું હતું.ત્યારે તાત્કાલિક દાહોદ આંખની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યાં લઈ જતા કિશનને આંખમાં ગંભીર ઇજા હોવાનું અને આંખ નિષ્ક્રિય થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.ઇજાગ્રસ્ત બાળકને સોમવારના રોજ ઓપરેશન હોવાનું અને આંખનો સુધારો થશે કે કેમ તેના માટે કોઈ નિશ્ચિતતા નહીં હોવાનું સારવાર કરનાર તબીબો દ્વારા જણાવાયું હોવાનું પણ જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે ઇજાગ્રસ્ત કિશનની માતા ગીતાબેન બરજોડે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ તથા મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે,પુત્રને શાળા સમય દરમિયાન આંખમાં ગંભીર ઈજા થઈ હોય શાળાના જવાબદારોએ તાત્કાલિક દવાખાનામાં સારવાર માટે ખસેડવાના બદલે પુત્રને ઘરે છોડી જઈ સમયસર સારવાર નહીં મળવાના કારણે આંખ ગુમાવવાનો સમય આવ્યો હોય ચીચાણી પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકની ગંભીર બેદરકારી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.