બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાની સગીરાની અપહરણ બાબતે નોંધાયેલ ફરિયાદના આરોપીની ધરપકડ નહીં થતાં ઉચ્ચસ્તરે રજૂઆત
4 જાન્યુઆરીના રોજ શાળાએ ગયેલ સગીરાનું અપહરણ થતાં ફતેપુરા પોલીસમાં આરોપીની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે
અપહરણકાર ના કુટુંબીજનો દ્વારા સગીરાના પિતાને સમાધાન કરી લેવા નહીં તો જાનથી મારી નાખવાની ધમકી અપાતી હોવાનો રજૂઆતમાં આક્ષેપ કરાયો
આરોપીની ધરપકડ કરવા સગીરાના પિતા દ્વારા પોલીસ મહા નિર્દેશક ગાંધીનગર,આઈ. જી.પી પંચમહાલ રેન્જ તથા દાહોદ જિલ્લા પોલીસવડાને રજૂઆત કરાઈ
સુખસર,તા.૧૪
ગત એક માસ અગાઉ ફતેપુરા તાલુકાના એક ગામની સગીરા શાળાએ અભ્યાસ કરવા જતા છાલોર ગામના એક ઈસમ દ્વારા પ્રેમના પાઠ ભણાવી અપહરણ કરી ફરાર થઈ જતા તેની ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આરોપીની વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જેની તપાસ ઝાલોદ સી.પી.આઈ ને સોંપવામાં આવી હતી. પરંતુ એક માસ ઉપરાંતનો સમય વીતવા છતાં સગીરાનુ અપહરણ કરી જનાર ઇસમની શોધખોળ નહીં થતાં તેમજ અપહરણ કરનારના પરિવારજનો દ્વારા સગીરાના પિતાને સમાધાન કરી લેવા નહીં તો જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતા સગીરાના પિતાએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના એક ગામની 16 વર્ષ 11 માસ 22 દિવસની સગીરા છાલોર સ્કૂલમાં અભ્યાસ અર્થે ગઈ હતી. ત્યારબાદ મોડે સુધી પરત ઘરે નહીં આવતાં આ બાબતે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં 4 જાન્યુઆરી-2024 ના રોજ સગીરાના પિતાએ લેખિત જાણ કરી હતી.શોધખોળ કરવા છતાં સગીરાનો કોઈ પત્તો લાગ્યો ન હતો.અને સગા સંબંધીઓ તથા પરિચિતોમાં સગીરાની ભાળ મેળવવા તપાસ ચાલુ હતી તે દરમિયાન જાણવા મળેલ કે સગીરાને પ્રેમના પાઠ ભણાવી પોતાના ઘરમાં પત્ની તરીકે રાખવાના ઈરાદાથી છાલોર ગામનો સતિષભાઈ લક્ષ્મણભાઈ દામા નાએ સગીરાનું અપહરણ કરેલ હોવાની પાકી ખાતરી થયેલ.પરંતુ સગીરાને ભગાવી જનાર ઈસમ લોહીના સંબંધ ધરાવતો હોય સગીરાને પરત સોંપી દેવા સમજાવેલ. પરંતુ આઠેક દિવસનો સમય વીતી જવા છતાં સગીરાનો કબજો નહીં સોંપતાં આખરે 12 જાન્યુઆરી-2024 ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી, કલમ-363,366 પ્રમાણે ગુનો નોંધવામાં આવ્યો હતો.
જેની તપાસ ઝાલોદ સી.પી.આઇ ને સોપવામાં આવી હતી.પરંતુ આ ગુનો દાખલ થયા બાદ પણ ફરાર આરોપી સહીત સગીરાની શોધખોળ નહીં થતાં તેમજ હાલ સગીરાનું અપહરણ કરી જનાર ઈસમના પરિવારજનો દ્વારા સગીરાના પિતાને તમો ફરિયાદ પાછી ખેંચી લો,અને સમાધાન કરી લો નહીં તો અહીંયા રહેવાનું તો ઠીક પરંતુ જીવવાનું પણ ભારે પડશે નહી ધમકીઓ અપાતી હોવાનો આક્ષેપ કરી 31 જાન્યુઆરી-2024 ના રોજ પોલીસ
મહા નિર્દેશક ગુજરાત રાજ્ય ગાંધીનગર,આઈ.જી.પી પંચમહાલ રેન્જ ગોધરા તથા દાહોદ જિલ્લા પોલીસવડા સમક્ષ સગીરાના પિતાએ લેખિત જાણ કરી વહેલી તકે આરોપીની ધરપકડ કરી સગીરાનો કબજો પરત સોંપી ન્યાય અપાવવા રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.