દાહોદમાં ઇન્દોર નેશનલ હાઇવે પરથી ગૌવંશના મટન સાથે પિતા-પુત્ર ઝડપાયા..
દાહોદ તા.15
દાહોદમાં ઇન્દોર હાઇવે ઉપરથી ગૌવંશના અંદાજે 10 કિલો માંસના જથ્થો અને બાઇક સાથે પિતા-પુત્રને ઝડપી પાડ્યા હતા.દાહોદના અને મુળ નડીયાદના રહેવાસી મુસ્તાક કુરેશી તથા મોહસીન કુરેશીએ ઇન્દોર હાઇવે બાલાજી હોટલ સામે રોડ ઉપર ગાયની કતલ કરી ગૌવંશનું મટન એક મોટર સાયકલ ઉપર થેલામાં લઇ જનાર હોવાની બાતમી દાહોદ એ ડિવિઝન પોલીસને મળી હતી. જેના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસમાં જતાં જીજે-20-બીએફ-3139 નંબરની મોટર સાયકલ ઉપર બાતમીવાળા બે વ્યક્તિઓ પ્લાસ્ટિકની થેલી સાથે મળી આવ્યા હતા. જેમાં બન્ને પિતા-પુત્રોને ઝડપી પાડી પોલીસે થેલીમાં તપાસ કરતાં અંદાજે 10 કિલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલો જથ્થો ગૌમાંસનો છે કે નહી તેની તપાસ માટે માંસના સેમ્પલ એફએસએલ પરીક્ષણ માટે સુરત ખાતે મોકલી આપ્યા હતા. જેમાં ઝડપાયેલુ માંસ ગૌવંશનું હોવાનું પૃથ્થકરણ થતાં દાહોદ એ ડિવિઝન પોલીસે મુસ્તાક મહેબુબ કુરેશ તથા મોહસીન મેહબુબભાઇ કુરેશી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.