અકસ્માતની સંખ્યા વધતાં પોલીસ,આરટીઓ, R&B અને હાઇવે ઓર્થોરિટીનો સંયુક્ત સર્વે…
દાહોદ જિલ્લાના 29 ‘મોતના માર્ગ’ વહીવટી તંત્રના સંશોધનમાં શોધાયા.!
નેશનલ હાઇવે 47,59,56 અને 62. સ્ટેટ હાઇવે અને અંતરિયાળ માર્ગો તપાસ્યા..
પાંચથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હોય તેને બ્લેક સ્પોટ અને વારંવાર થતાં અકસ્માત સ્થળ હોટસ્પોટ તરીકે ચિન્હિત..
વિવિધ પ્રકારની મળેલી ખામીઓ સુધારવામાં આવશે : પીપલોદ ક્રોસિંગ, જાલત મંદીરના ગેટ સામેનો માર્ગ અને ફુલપરા ઘાટો અતિ જીવલેણ..
દાહોદ તા.19
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો નોંધાયો હતો ત્યારે અકસ્માતો કયા સ્થળે વધુ સર્જાય છે અને તે પાછળના કારણો કયા છે તે શોધવા માટે પોલીસ, આરટીઓ, આર એન્ડ બી અને હાઇવે ઓર્થોરિટી દ્વારા એક સંયુક્ત સર્વે હાથ ધરવામાં આવ્યુ હતું. તેમાં જિલ્લાના નેશલન હાઇવે 47,59,56, 62 સાથે સ્ટેટ હાઇવે ઉપરાંત તાલુકાઓના અન્ય અકસ્માતોની વણઝાર સર્જાય તે માર્ગોનું વિશ્લેણ કરવામાં આવ્યુ હતું. ત્યારે આખા જિલ્લામાં 29 સ્થળ એવા મળી આવ્યા હતા કે વાહન ચાલકો માટે જોખમી છે. આ સ્થળોએ અકસ્માત થવાના કારણોની તપાસ કરવામાં આવતાં ક્યાંક રસ્તાની તો ક્યાંક સાઇન બોર્ડ કે બમ્પનો અભાવ તો ક્યાંક વળાંક અને ઢાળ-ઢોળાવ હોવાનું સામે આવ્યુ હતું. જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં એક જ સ્થળે પાંચથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હોય તેવા સ્થળને બ્લેક સ્પોટ અને વારંવાર અકસ્માત સર્જાતા હોય તેવા સ્થળોને હોટસ્પોટ તરીકે ચિન્હિત કરવામાં આવ્યા હતાં. આ તમામ સ્થળોની તમામ અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે વિઝિટ કરીને ખામીઓ શોધી હતી. આ સર્વેમાં પીપલોદ ક્રોસિંગ, જાલતમાં લખેશ્વરી મંદીરના ગેટ સામેનો માર્ગ અને ફુલપરા ઘાટો અતિ જીવલેણ હોવાનું સામે આવ્યુ હતું. સર્વે કરાયા હતાં તે કેટલાંક માર્ગો ઉપર ટુંકા ગાળાના પગલા લેતાં અકસ્માતની સંખ્યા ઘટાડી અથવા નિવારી શકાય અને કેટલીક જગ્યાએ લાંબા ગાળાના પગલાં એટલે કે માર્ગનું સ્ટ્રક્ચર બદલવાનો નિષ્કર્ષ કાઢવમાં આવ્યો હતો. આગામી દિવસોમાં ટુંકા ગાળાના પગલાંમાં સાઇન બોર્ડ,બમ્પ, માર્ગો ઉપર જરૂરી મરામત સહિતની કામગીરી કરવામાં આવશે જ્યારે લાંબા ગાળાના પગલા માટે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
અકસ્માત ઝોન માર્ગો અને તેમાં ખામીઓ..
(1)ઝાલોદ-નાનસલાઇ,પેટ્રોલ પંપ સામે- વળાંક અને સ્ટ્રીટ લાઇટના અભાવથી રાત્રે વધુ અકસ્માત
(2)લીમખેડા-ફુલપરી ઘાટા-વાંકો ચુંકો,ચઢાણ અને ઢાળ વાળો માર્ગ
(3)દે.બારિયા-પંચેલા ક્રોસિંગ-ચોકડી,દાહોદ તરફ જતો રસ્તો વળાંક વાળો
(4)ફતેપુરા-લખણપુર-વળાંક, ઢાળ વાળો લીસ્સો રસ્તો
(5)ધાનપુર- ઉમરિયા ઘાટા,નર્સરી પાસે-ઢાળ વાળો માર્ગ
(6)દાહોદ-જાલત,ખાનનદીનો પુલ-સાંકડો પુલ
(7)દાહોદ-સતીતોરલ હોટલ-ત્રણ રસ્તા ઉપર કોઇ સ્પીડ બ્રેકર નહીં
(8)ઝાલોદ-કાળીમહુડી-સ્પીડ બ્રેકરનો અભાવ
(9)ઝાલોદ-વરોડ-સ્પીડ બ્રેકરનો અભાવ
(10)દાહોદ શહેર-ગરબાડા-જેસાવાડા ચોકડી-ત્રણ રસ્તા સર્કલ, ઓવરબ્રીજ તેમજ અન્ય બે માર્ગ મળતાં
(11)દાહોદ શહેર-ઓવરબ્રિજ,રામા હોટલ પાસે-બ્રિજ પૂર્ણ થતાં વળાંક
(12)દે.બારિયા-બામરોલી-વેવારિયા ડુંગરના જંગલ માર્ગ- વાંકો-ચુંકો વળાંક વાળો જંગલ માર્ગ
(13)ગરબાડા-ધાનપુર રોડ,કાતરિયા કોતર- વળાંક વાળો માર્ગ
(14)સંજેલી-ચમારિયા પાટિયા-વળાંક,
(15)સિંગવડ અને સાંકડો રસ્તો
(16)ફતેપુરા- સલરા-બંને તરફ વળાંક
(17)ઝાલોદ-ચાકલિયા, આશ્રમ ફળિયા-અપ્રોચ રોડ ઉપર બમ્પનો અભાવ
(18)દે.બારિયા-જુના બારિયા,વળાંકમાં બમ્પનો અભાવ
(19)ગરબાડા- પાટિયાઝોલ-વાંકોચૂંકો ઢાળ પડતો રસ્તો,સામેથી આવતાં વાહનો જોવાતા નથી
(20)સિંગવડ- સિંગાપુર ઘાટો- ચઢાણ અને ઢાળ,સર્ફેસ અવ્યવસ્થિત
(21)ઝાલોદ-સંજેલી ક્રોસિંગ-ક્રોસિંગ પડતુહોવાથી
(22)ઝાલોદ-સાંપોઇ ક્રોસિંગ,મહાકાળી મંદીર પાસે-ક્રોસિંગ પડતુ હોવાથી
(23)દે.બારિયા-પીપલોદ ક્રોસિંગ-હાઇવેથી પીપલોદ જવાનો ટી પોઇન્ટ હોઇ
(24)દાહોદ-જાલત- લખેશ્વરી માતાના મંદીરના ગેટની સામે..
એક વર્ષમાં 434 માર્ગ અકસ્માતમાં 270 લોકોએ જીવ ગુમાવ્યા,512 ઘાયલ.
દાહોદ જિલ્લામાં વર્ષ 2023માં માર્ગ અકસ્માતોની વણઝાર રહી હતી.એક વર્ષમાં આખા જિલ્લામાં 434 નાના-મોટા માર્ગ અકસ્માત સર્જાયા હતાં. જેમાં 231 અકસ્માત જીવલેણ સાબિત થતાં 270 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતાં. આ સાથે 142 અકસ્માત એવા હતાં કે જેમાં 268 લોકો ગંભીર રૂપે ઘાયલ થયા હતાં જ્યારે 46 અકસ્માતમાં 246 લોકોને સામાન્ય ઇજાઓ થઇ હતી. વર્ષ 2023માં સૌથી વધુ અકસ્માત માર્ચ અને એપ્રિલ માસમાં થયા હતાં અને તેમાં જ મૃતકોની સંખ્યા પણ વધુ હતી. આ માર્ગ અકસ્માતોમાં સૌથી વધુ અકસ્માત દ્વિચક્રિ વાહનોના અને રોંગ સાઇડના હોવાનું સામે આવ્યુ હતું. જો હેલ્મેટ પહેર્યા હોત તો તેમાંનામાંથી કેટલાંકના જીવ બચી જવાની શક્યતા હતી અને એટલે જ અકસ્માતમાં ઘટાડો થાય તેમજ લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી પોલીસે હાલમાં હાઇવે ઉપર હેલ્મેટ અને રોંગ સાઇડે આવતાં વાહનના ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે.