
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા નગરમાં ચાઈનીઝ દોરી માંજાનું વેચાણ કરતા બે યુવકોને ગરબાડા પોલીસે ઝડપી પાડયા.
ગરબાડા તા. ૮
ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઉત્તરાયણ પર્વને લઇને બજારમા અવનવી વેરાયટીની પતંગ અને માંજા, દોરીઓનુ વેચાણ શરુ થઈ ચુક્યુ છે. તો બીજી તરફ કેટલાક લોભીયા વેપારીઓ પ્લાસ્ટીકની કે સિન્થેટીક વસ્તુઓથી તૈયાર કરેલ ચાઇનીઝ બનાવટની દોરીનુ ગેરકાયદેસર ચોરી છુપી રીતે વેચાણ કરી રહ્યા છે. ચાઈનીઝ દોરી એટલી ઘાતક હોય છે કે, આ દોરીથી ઘાયલ થયેલા પશુ, પક્ષી કે પછી માનવ મૃત્યુ થવાના કે ગંભીર ઇજાઓ થવાના અનેક બનાવો બની ચુક્યા છે. જેને લઈને સરકાર દ્વારા આવી પ્લાસ્ટીકની કે સિન્થેટીક ચાઇનીઝ બનાવટની દોરીના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. ત્યારે દાહોદ એસ પી ડોક્ટર રાજદીપસિહ ઝાલાએ ચાઈનીઝ દોરી, માંજાનુ ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા સુચના આપતા, ગરબાડા પોલીસે ગરબાડા નગર સહિત વિસ્તારમા તપાસ હાથ ધરી છે. ત્યારે આજરોજ ગરબાડા પી એસ આઇ જે એલ પટેલને ચોક્કસ બાતમી મળતા, ગરબાડા પી એસ આઇ, જે એલ પટેલે પોલીસ સ્ટાફના માણસો સાથે ગરબાડાના શિવ નગરમાં રેઇડ કરી હતી, રેઇડ દરમ્યાન ગરબાડા શિવ નગરના રહીશ હાડા બોડાભાઈ રાજુભાઈ, તથા દાહોદના રહીશ નિર્મળભાઈ મનોજભાઈ પરમારની દુકાનમાંથી પ્રતિબંધક ચાઇનીઝ દોરીઓ મળી આવી હતી. જેથી ગરબાડા પોલીસે ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા હાડા બોડાભાઈ રાજુભાઈ, તથા નિર્મળભાઈ મનોજભાઈ પરમારને ઝડપી પાડી તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.