રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર બન્યો બનાવ..
દહેજથી ઇન્દોર જતું એલપીજી ગેસ ભરેલું ટેન્કર મુવાલિયા ક્રોસિંગ પર પલટી માર્યું : સદભાગ્યે કોઈ જાનહાની નહીં.
ગેસ ગળતરની આશંકાએ ફાયર બિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી,
દાહોદ તા . ૧૭
દાહોદ તાલુકાના મુવાલિયા નજીકથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર બનેલા ક્રોસિંગ પર ઓચિંતુ ડમ્પર આવી જતા એલપીજી ટેન્કર ભરેલા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટી મારતા વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે આ બનાવની જાણ સ્થાનિક પોલીસ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીને કરવામાં આવી હતી. જે બાદ ઘટના સ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે ગેસ ગળતર અંગેની આશંકા વચ્ચે સલામતી તેમજ સુરક્ષાના ભાગરૂપે થોડાક સમય માટે વાહનોને આની જગ્યાએથી પસાર કરવાની ફરજ પડી હતી
તો આ દરમિયાન ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે હાથ ધરેલી તપાસના અંતે ગેસ ગળતર ન થતો હોવાની પુષ્ટિ કરતા સ્થાનિક પોલીસ તેમજ તંત્ર એ રાહતનો શ્વાસ લીધો હતો. સવારના સમયે બનેલી આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની બનવા પામી નહોતી. જ્યારે એલપીજી ગેસ કંપનીના એન્જિનિયરો પણ ઘટના સ્થળે આવવા માટે રવાના થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ
MP-04-HE-9631 નંબર નો એલપીજી ટેન્કરનો ચાલક પોતાના કબ્જા હેઠળના ટેન્કરમાં ભરૂચ જિલ્લાના દહેજ ખાતેથી એલપીજી ગેસ ભરી ઇન્દોર જવા માટે રવાના થયો હતો જ્યાં રસ્તામાં દાહોદ શહેરના તદ્દન નજીક મુવાલિયા ક્રોસિંગ પર ઓચિંતુ ડમ્પર આવી જતા ડમ્પરને બચાવવા જતા એલપીજી ગેસ ભરેલા ટેન્કરના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ રોડની સાઈડમાં આવેલા ખાડામાં ખાબક્યો હતો. સવારના સમયે બનેલી આ ઘટના બાદ આસપાસના લોકો ટેન્કર નજીક દોડી આવ્યા હતા અને કેટલાક જાગૃત નાગરિકોએ એલપીજી ટેન્કરને જોઈ ઘટનાની જાણ દાહોદ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઇ સંજય ગામિતિને કરી હતી સાથે સાથે બનાવની જાણ નેશનલ હાઈવે ઓથોરિટી ને પણ કરવામાં આવી હતી. થોડીક જ વારમાં ઘટના સ્થળે આવેલી દાહોદ ગ્રામ્ય પોલીસે ગેસ ગળતરની આશંકાએ દાહોદના ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરી હતી. જે બાદ ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના ફાયર ઇન્સ્પેક્ટર દીપેશ જૈને પ્રારંભિક તપાસ બાદ ગેસ ગળતર ન થતો હોવાની પુષ્ટિ કરતા પોલીસ અને સંબંધિત તંત્ર રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આ બનાવમાં ટેન્કર રોડની સાઈડમાં ખાડામાં ખાબકતા વાહન વ્યવહાર ને કોઈ પણ પ્રકારે પ્રભાવિત થયું નહોતું જ્યારે સ્થાનિક પોલીસે નજીકમાં ક્રેન મારફતે ટેન્કરને સીધું કરી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન ગેસ કંપનીના એન્જિનિયરનો ને બનાવની જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે આવવા માટે રવાના થયા હતા. જોકે આ બનાવવામાં સદભાગ્ય કોઈ જાનહાની બનવા પામી નહોતી.