રાજેશ વસાવે :- દાહોદ
નાના અને મધ્યમ વર્ગ માટે લાઈફ લાઈન ગણાતી દાહોદ-વડોદરા મેમુ આવતીકાલથી શરૂઆત….
સાંસદ જસવંતસીંગ ભાભોર,ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ભાજપના પદાધિકારીઓ, તેમજ રેલવેના સંબંધિત અધિકારીઓ હાજર રહેશે…
દાહોદ તા. ૨૫
દાહોદવાસીઓની છેલ્લા ઘણા સમયથી વલસાડ ઇન્ટરસિટી તેમજ વડોદરા દાહોદ મેમોની માંગ ઉગ્ર બનવા પામી હતી. પરંતુ આખરે લાંબા સમય બાદ સાંસદના પ્રયાસોથી રેલવે મંત્રાલયે દાહોદને નવી મેમુ ટ્રેનની સોગાદ ગણેશ ચતુર્થીના દિવસે ભેટ સ્વરૂપે મળતા દાહોદવાસીઓમાં બેવડા આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.દાહોદના સાંસદ જસવંતસિંગ ભાભોર દ્વારા કોરોના કાળમાં બંધ પડેલી વલસાડ-દાહોદ ઇન્ટરસીટી, આણંદ -દાહોદ મેમુ, દાહોદ-વડોદરા જેવી નાના અને મધ્યમ વર્ગ માટે લાઈફ લાઈન ગણાતી ટ્રેનો તેમજ અંત્રેથી પસાર થતી મહત્વપૂર્ણ સુપરફાસ્ટ ટ્રેનોના સ્ટોપજ માટે રેલ મંત્રી અશ્વિની વેષ્ણવ, રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષ, રાવ સાહેબ પાટીલ દાનવે જોડે રૂબરૂ મુલાકાત કરી ઉપરોક્ત ટ્રેનો ફાળવવા લેખિતમાં રજૂઆત કરી હતી.ત્યારે સાંસદ જશવંતસિંહ ભાભોરની રજૂઆતો તેમજ દાહોદ વાસીઓની લાંબા સમયની માંગ ને ધ્યાને લઇ રેલવે તંત્રે ગણેશ ચતુર્થી ટાણે દાહોદ વાસીઓને નવી મેમોની સોગાદ ભેટ ધરી છે.જેમાં વડોદરા-દાહોદ વચ્ચે શરૂ થનારી મેમુ ટ્રેનની શરૂઆત આવતીકાલથી થશે. જેમાં રેલવે દ્વારા જાહેર કરાયેલા ટાઈમટેબલ અનુસાર આ ટ્રેન વડોદરાથી સવારે 08.45 વાગ્યે ઉપડી,10.50 ગોધરા, અને 12.45 દાહોદ પહોંચશે, તો પરત આ ટ્રેન બપોરે 15.50 કલાકે દાહોદથી ઉપડી 18.25 ગોધરા તેમજ 19.55 કલાકે વડોદરા ખાતે પહોંચશે. આ ટ્રેન બન્ને દિશાઓમાં છાયાપુરી, પિલ્લોલ, સમલાયા, ચાંપાનેર રોડ,બાંકરોલ,ડેરોલ, ખરસાલિયા, ગોધરા, કાનસુધી, ચંચેલાવ, સંતરોડ, પીપલોદ,લીમખેડા,મંગળ મહુડી, ઉસરા, જેકોટ અને રેંટિયા સ્ટેશનો પર રોકાણ કરશે.જોકે આ ટ્રેન શરૂ થવાથી દાહોદ વડોદરા વચ્ચે કનેક્ટિવિટીમાં વધારો થશે. તો બીજી તરફ આ નવી શરૂ થનારી મેમો ટ્રેન ઇન્ટરસિટીની ગરજ સારશે. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદથી શરૂ થનારી વડોદરા નવી મેમુ ટ્રેનનો પ્રારંભ કરાતા આનંદની લાગણી ફેલાવા પામી છે.દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના ભગીરથ પ્રયત્ન થકી નવી ટ્રેનની સોગાદ મળી છે. પરંતુ કોરોના કાળ સમયે બંધ થયેલી ટ્રેનો પુનઃ શરૂ થાય અને તેમાંય ખાસ કરીને દાહોદ વલસાડ ઇન્ટરસિટી ને પુનઃ શરૂ કરવામાં આવે તો ચોક્કસથી સોના માં સુગંધ ભળે તેમ છે. તો આ અંગે સંબંધીતો નોંધ લેશે ખરા.? તે તો આવનાર સમય જ બતાવશે. પરંતુ હાલ તો દાહોદ વાસીઓ કોરોના કાળમાં બંધ પડેલી મહત્વપૂર્ણ ટ્રેનો તથા વલસાડ દાહોદ ઇન્ટરસિટી ના સ્ટોપેજ ની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.