
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં એસ.ટી બસ સ્ટેશનના અભાવે જનતાને પડતી હાલાકી દૂર કરવા માંગ
સુખસરમાં આવેલ પીક અપ સ્ટેન્ડ સાફ-સફાઈના અભાવે બિન ઉપયોગી:હાઇવે માર્ગની સાઈડમાં બેસી વાહનોની રાહ જોતા મુસાફરો
સુખસરથી દિવસ રાત્રી દરમિયાન પસાર થતી લાંબા રૂટની તમામ એસ.ટી બસોને સુખસરનુ સ્ટોપેજ આપવામાં આવેલ છે
શિયાળાની કડકડતી ઠંડી અને ચોમાસાના ધોધમાર વરસાદમાં એસ.ટી સ્ટેશનના અભાવે મુસાફરો વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે
સુખસર,તા.૨૪
ફતેપુરા તાલુકાના હૃદય સમકક્ષ સુખસર ગામ આર્થિક સધ્ધરતા તરફ આગળ ઘપી રહ્યું છે.અને ૪૫ જેટલા ગામડાઓ સાથે અતૂટ સંબંધ ધરાવે છે. ગામમાંથી પસાર થતો હાઇવે માર્ગ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડાણ ધરાવે છે.અને આ માર્ગ ઉપરથી લાંબા રૂટની અનેક એસ.ટી બસો અને ખાનગી વાહનો રાત દિવસ અવર-જવર કરે છે.જિલ્લામાં તમામ પ્રકારે આગવું સ્થાન ધરાવતા સુખસર ગામને વર્ષોથી બસ સ્ટેન્ડથી વંચિત રાખી આ વિસ્તારની મુસાફર જનતાની કસોટી કરવામાં આવી રહી હોય તેમ જણાય છે.
પ્રત્યક્ષ પ્રાપ્ત જાણકારી અનુસાર ફતેપુરા તાલુકાના સુખસર ગામમાંથી પસાર થતા હાઇવે માર્ગ ઉપર રાત દિવસ સરકારી અને ખાનગી સેંકડો વાહનોની અવર-જવર રહે છે.જેથી સુખસર આસપાસના ગામડાઓની મુસાફર જનતાને સુખસરમાં અવર-જવર કરવા માટે કોઈપણ સમયે વાહનની સુવિધા મળી રહે છે.પરંતુ ખાટલે ખોડ તો ત્યાં છે કે બસ સ્ટેશનના અભાવે વર્ષોથી મુસાફર જનતાને હાઇવે માર્ગ ઉપર ઉભા રહી વાહનની રાહ જોવી પડે છે.જેમાં ખાસ કરીને બહારગામ થી રાત્રિના સમયે આવતી મુસાફર જનતા જે આસપાસના ગામડાની હોય અને રાત્રિના સમયે તેમને પોતાના ગામે જવા કોઈ વાહનની સુવિધા નહીં મળતા અને જેમાં મજૂર વર્ગના લોકો સર સામાન અને બાળ બચ્ચાઓ સાથે શિયાળાની કડકડતી ઠંડી અને ચોમાસાના ધોધમાર વરસાદમાં જીવના જોખમે રસ્તા ઉપર રાત ગુજારતા નજરે પડે છે.
ત્યારે મુસાફર જનતાની હાલતના બે હાલ દૂર કરવા જવાબદાર વહીવટી તંત્રોના જવાબદારોએ સુખસર ગામમાં આવી એક રાત રસ્તા ઉપર ગુજારવા અને મુશ્કેલી સમજવા મુલાકાત લેવી અતિ આવશ્યક જણાય છે.
અત્રે નોંધનીય છે કે,સુખસરમાં પીક-અપ સ્ટેન્ડ આવેલ છે.પરંતુ તે સાફ-સફાઈના અભાવે બિન કાર્યરત છે.ત્યારે સુખસર સહિતની આસપાસની મુસાફર જનતા આ પીક-અપ સ્ટેન્ડની પાસે હાઇવે માર્ગની બાજુમાં ઊભી રહી વાહનોની રાહ જોતી નજરે પડે છે.પરંતુ સંજોગો વસાત આ જગ્યાએ કોઈ વાહનમાં ખામી સર્જાય તો મોટી જાનહાનિ થવાનો ભય પણ સતાવી રહ્યો છે.
જો કે સુખસરમાં હજી પણ બસ સ્ટેશનનું બાંધકામ કરવા માટે લાગતા- વળગતા વહીવટી તંત્રો ધ્યાન આપે તો ક્યાંક જમીન મળી રહે નહીં તો આવનાર સમયમાં સુખસર ગામનુ બસ સ્ટેશન સુખસર ગામ થી એકાદ બે કિલોમીટર દૂર બનાવવા તંત્રો મજબૂર બનશે તેમાં કોઈ બે મત નથી.બસ સ્ટેશનનું બાંધકામ કરવામાં આવે તો પ્રજા વહીવટી તંત્રોની વર્ષોથી ચલાવી રહેલ બેદરકારી અને મુસાફર જનતાને પડતી મુશ્કેલી દૂર થઈ શકે તેમ છે.