બાબુ સોલંકી :- સુખસર
સુખસર પંથકમાં MGVCL નો રેઢીયાળ વહીવટ:ગ્રામ્ય પ્રજા પરેશાન..
વીજ લાઈનમાં ખામી સર્જાતા કલાકો કે દિવસો સુધી ખામી દૂર કરવા એમજીવીસીએલના ઠાગાઠૈયા.
વીજ પ્રવાહ બંધ થતાં કમ્પ્લેન શાખામાં ફોન કરતા કામગીરી ચાલુ હોવાનું આશ્વાસન,જ્યારે સ્થાનિક હેલ્પરોના મોબાઈલ ફોન સ્વીચ ઑફ કરી દેવામાં આવે છે
સુખસર,તા.૮
ફતેપુરા તાલુકા એમ.જી.વી.સી.એલ તંત્રનો વહીવટ દિનપ્રતિદિન કથળતો જાય છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પ્રવાહ આપવા બંધાયેલા તંત્ર દ્વારા મનસ્વી વહીવટ ચલાવી પોતાની મરજી પ્રમાણે વીજ પ્રવાહ આપવામાં આવી રહ્યો છે.વીજ પ્રવાહમાં ખામી સર્જાતા ગમે ત્યારે વીજ પ્રવાહ બંધ થઈ જાય છે.ત્યારબાદ વીજ ગ્રાહકો દ્વારા સ્થાનિક જવાબદારોને જાણ કરતાં ફોલ્ટ હોવાનું અને થોડા સમયમાં વીજ પ્રવાહ ચાલુ થઈ જશે ના આશ્વાસન આપવામાં આવે છે. અને સામાન્ય ફોલ્ટ માટે કલાકો કે દિવસોનો સમય પણ લાગી જાય છે.
હાલ છેલ્લા ત્રણ દિવસથી સુખસર વિસ્તારના લખણપુર ફીડરના લખણપુર,કાળિયા ગામે ખાસ કરીને રાત્રિના સમયે વીજ પ્રવાહ બંધ થઈ જાય છે.અને જે બાબતે સ્થાનિક લાઇનમેન સાથે વાત કરતા સામાન્ય ફોલ્ટ હોવાનું અને થોડીવારમાં વીજ પ્રવાહ ચાલુ થઈ જશેનું જણાવવામાં આવે છે.પરંતુ કલાકો કે દિવસો સુધી વીજ પ્રવાહ ચાલુ નહીં થતા તેની જાણ ફતેપુરા એમ.જી.વી.સી.એલ કમ્પ્લેન વિભાગમાં કરતા ત્યાંથી પણ વીજ લાઈનમાં ખામી હોવાનું અને કામગીરી ચાલુ હોવાનું તેમજ થોડીવારમાં વીજ પ્રવાહ ચાલુ થશે ના આશ્વાસન આપવામાં આવે છે.પરંતુ કલાકો સુધી વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવતો નથી.અને રાત્રિના સમયે મોટાભાગે એમ.જી.વી.સી.એલ ના ઉપલા અધિકારી ઓના મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઈ જતા હોય છે.તેમજ તાલુકા કક્ષાએ સાર્વજનિક કમ્પ્લેન માટે ફોન હોય છે તે પણ કલાકો સુધી ફોન કરવા છતાં વ્યસ્ત હોવાની કેસેટ સાંભળવા મળતી હોય છે.ત્યારે વીજ પ્રવાહની કમ્પ્લેન કોને કરવી?તે પણ એક પ્રશ્ન છે.જ્યારે તાલુકાના જવાબદાર અધિકારીઓને પણ વીજ પ્રવાહ બાબતે જાણ કરવામાં આવે છે.પરંતુ ત્યાંથી પણ સીધો જવાબ આપવામાં આવતો નહીં હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે.
હાલના સમયમાં ઝેરી જીવજંતુઓનો ભય છે.ત્યારે ખાસ કરીને રાત્રિના સમયે વીજ પ્રવાહ ચાલુ રહે તેવું ગ્રામ્ય વિસ્તારોના વીજ ગ્રાહકો ઇચ્છી રહ્યા છે.સરકારના નિયમ મુજબ વીજ પ્રવાહ નહીં આપી હાથ ઊંચા કરી તાલુકામાં રેઢિયાળ વહીવટ ચલાવાઇ રહ્યો હોવાનો અહેસાસ વીજ ગ્રાહકો કરી રહ્યા છે.એમ.જી.વી.સી.એલ તંત્ર કસુરવાર વીજ ગ્રાહક લોકો સામે હજારો-લાખો રૂપિયાનો દંડ ફટકારે છે.તેના માટે વાંધો નથી.પરંતુ એમ.જી.વી.સી.એલ તંત્ર દ્વારા સરકારના નિયમો પ્રમાણે વીજ પ્રવાહ નહીં આપી નિયમોનો ભંગ કરાતા જવાબદારોને ઉની આંચ પણ આવતી નથી.એક પ્રકારે એમ.જી.વી.સી.એલ તંત્ર દ્વારા ઉઘાડી લુટ ચલાવતી હોવાનો અહેસાસ થાય છે.પરંતુ લાગતા-વળગતા છેક રાજ્ય સરકાર સુધીના જવાબદારોને ફતેપુરા તાલુકા એમ.જી.વી.સી.એલ તંત્રના સ્થાનિક વહીવટકર્તા ઓ સાથે સાત પેઢીના સંબંધ હોય તેમ છાવરવામાં આવી રહ્યા છે.તેના માટે જવાબદાર કોણ?તેવી જાગૃત પ્રજામાં ચર્ચા ચાલી રહી છે..