
બાબુ સોલંકી ફતેપુરા
*ફતેપુરા તાલુકાના નાની ઢઢેલીમાં દીપડાએ હુમલો કરતા 38 વર્ષીય વ્યક્તિ ઇજાગ્રસ્ત.*
મંગળવાર સવારના કુદરતી હાજતે ગયેલા વ્યક્તિ ઉપર હુમલો કરતા બુમાબુમ થતા દિપડો ભાગી છૂટ્યો.
( પ્રતિનિધિ ) સુખસર,તા.12
ફતેપુરા તાલુકામાં સારા એવા પ્રમાણમાં જંગલ વિસ્તાર આવેલો છે. પરંતુ વૃક્ષ સંપદાનો વિનાશ થતા જંગલી પશુઓ ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ ઘસી આવતા હોય છે.અને તેવી જ રીતે મંગળવાર સવારના નાની ઢઢેલી ગામે કુદરતી હાજતે જતા 38 વર્ષિય વ્યક્તિ ઉપર દીપડાએ હુમલો કરતા બુમાબુમ થતા આસપાસ માથી લોકો દોડી આવતા દિપડો ભાગી છૂટવા પામ્યો હોવાનું જાણવા મળે છે.જ્યારે ફોરેસ્ટ ખાતા દ્વારા દીપડાને પકડવા ના પ્રયત્ન ચાલુ છે પરંતુ દીપડો પકડાઈ શક્યો નથી.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ગામે મંગળવાર સવારના સાતેક વાગ્યાના અરસામાં નાની ઢઢેલી ના રહીશ દિનેશભાઈ રંગાભાઈ ભાભોર ઉંમર વર્ષ 38 નાઓ કુદરતી હાજતે તે જઈ રહ્યા હતા.તેવા સમયે છુપાઈને બેઠેલા દીપડાએ દિનેશભાઈ ભાભોર ઉપર હુમલો કર્યો હતો.અને શરીરના પાછળના ભાગે ઈજા પહોંચાડી હતી. જેથી તેઓએ બૂમાબૂમ કરતા આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા.ત્યારે દીપડો ભાગી જવામાં સફળ રહ્યો હતો.આ બાબતે ફતેપુરા ફોરેસ્ટ ખાતાને જાણ કરતા તાત્કાલિક ફતેપુરા, ઝાલોદ તથા સંજેલી તાલુકાની ફોરેસ્ટ ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી. અને દીપડાની શોધખોળ માટે પ્રયત્નો હાથ ધર્યા હતા.પરંતુ દીપડો હાથ લાગ્યો નહીં હોવાનું જાણવા મળે છે. જ્યારે ઇજાગ્રસ્ત દિનેશભાઈ ભાભોર ને ફતેપુરા સરકારી દવાખાનામાં સારવાર આપી રજા આપવામાં આવી હતી.ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઓએ સ્થળ ઉપર આવી દીપડાને પકડવા પાંજરા મુકવાની તથા ઈજા ગ્રસ્તને સરકારી સહાય મળવાપાત્ર કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.તેમજ જંગલી પશુ દ્વારા હિંસક હુમલો કરાતા નાની ઢઢેલી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે
અહીંયા ઉલ્લેખનીય બાબત છે કે,આગાઉ પણ ફતેપુરા તાલુકાના વટલી તથા મોટીરેલ પૂર્વમાં દીપડા દ્વારા બકરાઓનું મરણ કરવામાં આવ્યું હોવાની બાબત પ્રકાશમાં આવેલી છે. અને તેવા સમયે પણ આ હિંસક પશુને પકડવા ફોરેસ્ટ ખાતાએ પ્રયત્નો હાથ ધર્યા હતા.પરંતુ તેમાં સફળતા મળી ન હતી.જ્યારે હાલમાં નાની ઢઢેલીમાં દીપડા દ્વારા એક વ્યક્તિ પર હુમલો કરાતા પંથકમાં ભયનો માહોલ સર્જાઇ રહ્યો છે.ત્યારે આ હિંસક પશુ માણસ અથવા તો પશુને કોઈ મોટું નુકસાન પહોંચાડી જાય તે પહેલા તેને પકડી લેવામાં આવે તે જરૂરી જણાઈ રહ્યું છે.