
રાહુલ ગારી ગરબાડા
ગરબાડાના નઢેલાવમાં તોફાની વંટોળ આફતરૂપ નીવડ્યો.MGVCL ના વીજવાયરો ભેગા થતા શોર્ટસર્કિટથી ચાર મકાનો ભડભડ કરીને સળગ્યા…
આગના બનાવના પગલે ચારેય મકાનોનો સર સામાન બળીને રાખ : મકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન…
ઘરવખરીનો સામાન,સોના ચાંદીના દાગીના, રોકડ આગની લપટોમાં સ્વાહા: ગ્રામ પંચાયતે સહાય માટે સર્વે શરૂ કર્યો…
દાહોદ તા.28
ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે એમજીવીસીએલની લાઈન ભેગી થઈ શોર્ટ સર્કિટ થતા નજીકમાં આવેલા ચાર કાચા મકાનોમાં આગ ફાટી નીકળતા જોત જોતામાં ચારેય મકાનો બળીને રાખ થઈ જતા મકાનમાં મુકેલા ઘરવખરી સહિતનો સરસામાન, રોકડ રકમ તેમજ દાગીના બળીને ખાખ થઈ જતા મકાન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યાનું પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થાય છે.
ગરબાડા તાલુકાના નઢેલાવગામના ખારાના કુવાના ફળિયામાં ગતરોજ પવનનો વંટોળ ફૂકાતા નજીકથી પસાર થતી એમજીવીસીએલ ની લાઈનના વાયરો ભેગા થતા શોર્ટ સર્કિટ થઈ નજીકમાં આવેલા ભાભોર મનેશભાઈ હિમલાભાઈ, ભાભોર હિમલાભાઈ રૂપલાભાઈ, કાળાભાઈ હિમલાભાઈ તેમજ કનેશભાઈ હિમલાભાઈના કાચા મકાન પર પડતા એકાએક મકાનોમાં આગ ફાટી નીકળી હતી. કોઈ કંઈક સમજે તે પહેલા જ ભારે પવનના લીધે આગે વધુ વિકરાળ રૂપ ધારણ કરતા આસપાસના ભેગા થયેલા લોકો તથા મકાન માલિકો દ્વારા આ ગોલાવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ તે નિરર્થક સાબિત થયા હતા. બારે પવનના લીધે ફેલાયેલી આગના કારણે ચારે મકાનો બળીને સંપૂર્ણ રીતે ખાખ થઈ જતા મકાનમાં મુકેલા ઘરવખરીનો સર સામાન, અનાજ રોકડ દાગીના મળી સંપૂર્ણ સામાન બળી જતા મકાન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. જ્યારે આ બનાવ સંદર્ભે ગામના સરપંચ તેમજ ગ્રામ પંચાયત દ્વારા બળી ગયેલા મકાનોનો સર્વે કરી યોગ્ય સહાય પૂરી પાડવાના જરૂરી કાગળિયા કરવાની હતી.