
દાહોદ તા.29
દેવગઢ બારીયા તાલુકાના પાંચીયાસાલ ગામના જંગલ વિસ્તારમાં સાગટાલા પોલીસે વોચ દરમિયાન મધ્યપ્રદેશ તરફથી મોટરસાઇકલ પર લાવવામાં આવી રહેલા 1,89,760 ના વિદેશી દારૂ તેમજ મોટર સાઇક્લ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જયારે પોલીસને જોઈ બુટલેગર તત્વો મોટરસાઇકલ છોડી ભાગી જતા પોલીસે પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 28/1 /2022 ના રોજ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા કાછલાના રહેવાસી ઇન્દુભાઈ પુનિયાભાઈ તોમર પોતાના માણસ જોડે મોટરસાઇકલ પર કંથાનના લગડામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી દેવગઢ બારીયા તરફ આવી રહ્યો હતો.તે સમયે રસ્તામાં પાંચીયાસાલ ગામે જંગલ વિસ્તારમાં વોચમાં ઉભેલી પોલીસને જોઈ મોટરસાઇકલ મૂકી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે કંથાન ના લગડાની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 1152 ક્વાટરીયા મળી 1,49,760 નો વિદેશી દારૂ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ 40 હજાર રૂપિયાની બે મોટર સાઇક્લ મળી કુલ 1,79,760 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ઉપરોક્ત બનાવ સંબંધે સાગટાલા પોલીસે પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી