વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગઈકાલ સાંજથી શરૂ થયેલા કમોસમી માવઠાને લીધે એક તરફ ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. દાહોદ, લીમખેડા,દેવગઢ બારીયા,ગરબાડા, લીમડી,ઝાલોદ,સુખસર સીંગવડ,સંજેલી,ફતેપુરા સહિતના તાલુકામાં ધીમી ધારે થયેલા કમોસમી માવઠાને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.જોકે વેસ્ટર્નન ડિસ્ટર્બન્સના કારણે થયેલા વરસાદના પગલે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.જોકે ગઈકાલ સાંજથી શરૂ થયેલા વરસાદના પગલે શહેર સહીત જિલ્લાના બજારોમાં સન્નાટો પ્રસરી ગયો હતો. તેમજ વરસાદી માહોલની વચ્ચે લોકોએ કામ વગર બહાર જવાનું ટાળ્યું હતું.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એક તરફ શહેર સહીત જિલ્લામાં વરસાદી માહોલ જામતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયો છે. ત્યારે દાહોદ ગરબાડા રોડ પર દેવધા ગામે ઝાડ રસ્તા પર ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાઇ જવા પામ્યો છે. જેના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા રોડ પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.