રાજેશ વસાવે :- દાહોદ
ચોકીદાર જ નીકળ્યો ચોર.!દાહોદમાં કરિયાણા વેપારીની પૈસાની થેલી ચોરાઈ,
એકટીવા પરથી રૂ.1.15 લાખ ભરેલી થેલી ચોરી; ગણતરીના કલાકોમાં CCTVના આધારે પોલીસે આરોપીને ઝડપી મુદ્દામાલ કર્યો રિકવર
દાહોદ તા.22
દાહોદ શહેરના ઠક્કર ફળિયા વિસ્તારમાં કરિયાણાની દુકાન બહાર એક્ટિવા પરથી રૂ.1.15 લાખ રોકડ ભરેલી થેલી ચોરાઈ જતાં પોલીસ દોડતી થઈ હતી.વેપારી વીસીના ભેગા કરેલા પૈસા થેલીમાં લઈને દુકાને આવ્યા હતા.અને બેદરકારીપૂર્વક થેલી એકટીવા પર મૂકી હતી. દરમિયાન તકનો લાભ લઈ કોઈ શખ્સ થેલી ચોરી ફરાર થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં પોલીસે આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના કૂટેજની તપાસ શરૂ કરી હતી. CCTV કૂટેજના આધારે પોલીસને ચોરી અંગે મહત્વની કડી મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કરિયાણાની દુકાન જે બિલિ્ડંગમાં આવેલી છે, તે જ અંડર-કન્સ્ટ્રક્શન બિલ્ડીંગમાં ચોકીદાર તરીકે કામ કરતો વ્યક્તિ શંકાના ઘેરામાં આવ્યો હતા.પોલીસે ચોકીદારની અટકાયત કરી પૂછપરછ કરતાં ચોરીનો ભેદ ઉકેલાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરાયેલી રોકડ સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.નોંધનીય છે કે વેપારી અગાઉ પણ આવી જ બેદરકારી કરી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ વેપારીએ રોકડ અને મોબાઇલ ભરેલી થેલી વાહન પર લટકાવીને ભૂલી ગયા હતા. તે સમયે આજનો જ ચોકીદાર ઈમાનદારીપૂર્વક રોકડ અને મોબાઇલની થેલી વેપારીને પરત કરી ગયો હતો.જોકે, આ વખતે મોટી રકમ નજરે પડતાં લાલચમાં આવી ચોકીદારે ચોરી કરી હોવાની પોલીસ તપાસમાં વિગતો સામે આવી છે. ગણતરીના કલાકોમાં CCTV કૂટેજના આધારે પોલીસે સમગ્ર ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો હતો.
