સુખસર પોલીસની મોટી સફળતા: CEIR પોર્ટલથી ₹89,596 કિંમતના 7 ખોવાયેલા મોબાઇલ શોધી માલિકોને પરત અપાયા
બાબુ સોલંકી:સુખસર
સુખસર, તા.19
સુખસર પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલા, ખોવાયેલા અને ગુમ થયેલા કુલ 7 મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા છે. આ તમામ મોબાઇલની કુલ અંદાજિત કિંમત ₹89,596 થાય છે. શોધી કાઢેલા મોબાઇલ તેમના અસલી માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.

આ કામગીરી પંચમહાલ રેન્જના મહાનિરીક્ષક વિધી ચૌધરીના માર્ગદર્શન તેમજ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા અને ઝાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. સુખસર પોલીસ સ્ટેશનની ટેકનિકલ ટીમે CEIR પોર્ટલ પરથી માહિતી એકત્રિત કરી ટેકનિકલ એનાલિસિસ દ્વારા મોબાઇલ ફોન શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.રાઠોડ, પીએસઆઈ જે.કે. રાઠોડ, આઈટી એક્સપર્ટ ડેઇઝીબેન સંગાડા સહિતની ટેકનિકલ ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સુખસર પોલીસે ફરી એકવાર પ્રજામિત્ર પોલીસ તરીકે પોતાની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી હોવાનો સંદેશ આપ્યો છે.
