મહુડીથી માનગઢ ધામ સુધી ભવ્ય આદિવાસી જનજાગૃતિ પદયાત્રા યોજાઈ*

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*મહુડીથી માનગઢ ધામ સુધી ભવ્ય આદિવાસી જનજાગૃતિ પદયાત્રા યોજાઈ*

દાહોદ તા. 1

આદિવાસી સમાજમાં જાગૃતિ, એકતા, શિક્ષણ, બંધારણીય અધિકારો અને સ્વાભિમાનનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસી પરિવાર અને યુવક મંડળ, મહુડી દ્વારા મહુડીથી માનગઢ ધામ સુધી ભવ્ય “આદિવાસી જનજાગૃતિ પદયાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ મહુડી ખાતેથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પદયાત્રામાં ૩૦૦થી વધુ પદયાત્રીઓ જોડાયા હતા. પદયાત્રા દરમિયાન વ્યસનમુક્તિ, શિક્ષણ, એકતા અને બંધારણીય અધિકારો અંગેના સંદેશો આપતાં વિવિધ બેનરો તથા ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. ખાસ કરીને આદિવાસી સમાજના બંધારણીય અધિકારો તેમજ આદિવાસીઓના હિતમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા વિવિધ ચુકાદાઓ અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.

પદયાત્રામાં મહુડીની આયોજક ટીમના આગેવાનો રાજેશભાઈ, મનસુખભાઈ, શંકરભાઈ, અશ્વિનભાઈ, દિલીપભાઈ, ભાવેશભાઈ સહિત સમગ્ર ટીમ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી. અમદાવાદથી મજૂર સંગઠનના આગેવાનો પુનમભાઈ અને ભગોરાજી સહિત તેમની ટીમે પણ પદયાત્રામાં સહભાગી બની આદિવાસી એકતાનો સંદેશ આપ્યો હતો.

પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ ગુરુ ગોવિંદ ગુરુના સત્ય, એકતા અને વ્યસનમુક્તિના સંદેશને સમાજના દરેક પરિવાર સુધી પહોંચાડવાનો હતો. આ ઉપરાંત દારૂ, તમાકુ સહિતના વ્યસનોથી સમાજને મુક્ત કરવા, લગ્ન-પ્રસંગોમાં થતા બિનજરૂરી અને ખોટા ખર્ચાઓ અટકાવવા તેમજ યુવાનોને શિક્ષણ અને બંધારણીય અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

મહુડીથી પ્રસ્થાન કર્યા બાદ પદયાત્રા ઝાલોદ પહોંચી હતી, જ્યાં ઝાલોદના ઝાલા વસૈયા ચોક ખાતે આગેવાનો દ્વારા ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ પાઇલોટિંગ સાથે પદયાત્રા ઝાલોદના વિવિધ માર્ગો પરથી પસાર થઈ ફતેપુરા રૂટ તરફ આગળ વધી હતી. માર્ગમાં વિવિધ સ્થળોએ સ્થાનિક લોકો દ્વારા પદયાત્રીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાંજે પદયાત્રા ફતેપુરા ખાતે પહોંચી હતી, જ્યાં ફતેપુરાના આગેવાન મહેન્દ્રભાઈ અને તેમની ટીમ દ્વારા પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રીઓના રાત્રિરોકાણ તથા ભોજનની વ્યવસ્થા પણ ફતેપુરાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે પદયાત્રા માનગઢ ધામ ખાતે પહોંચી હતી. અહીં પદયાત્રીઓ દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને આદિવાસી સમાજમાં જાગૃતિ, એકતા, શિક્ષણ, સ્વાભિમાન તથા વ્યસનમુક્તિનો સંકલ્પ વ્યક્ત કરી પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર જનજાગૃતિ પદયાત્રા દ્વારા “જાગૃત આદિવાસી સમાજ, શિક્ષિત સમાજ અને વ્યસનમુક્ત સમાજ” નો સંદેશ આપવામાં આવ્યો હતો.

Share This Article