સુખસરમાં સોના-ચાંદીની બંધ દુકાનની દિવાલમાં બાકોરૂ પાડી 2.60 લાખની ચોરી કરી અજાણ્યા ચોર લોકો ફરાર* *અજાણ્યા ચોર લોકોએ દુકાનની પાછળના ભાગે બાકોરૂ પાડી દુકાનમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના તથા દુકાનના ચોપડાની ચોરી કરી*

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસરમાં સોના-ચાંદીની બંધ દુકાનની દિવાલમાં બાકોરૂ પાડી 2.60 લાખની ચોરી કરી અજાણ્યા ચોર લોકો ફરાર*

*અજાણ્યા ચોર લોકોએ દુકાનની પાછળના ભાગે બાકોરૂ પાડી દુકાનમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના તથા દુકાનના ચોપડાની ચોરી કરી*

*ચોરીમાં એક તોલા સોનાની ચુની, વાળી તથા ચાંદીની વીંટી તથા વિછુડી નું 300 ગ્રામનું બોક્સ સહિત રોજમેળ તથા હિસાબના ચોપડા ચોરી થયા*

*ચોરી થયેલ ચોપડા પૈકી કેટલાક ચોપડા ચોર લોકોએ બાળી નાખ્યા,જ્યારે કેટલાક ચોપડા નદીના પાણીમાં નાખી દીધા હતા!*

સુખસર,તા.1

સુખસર તાલુકામાં વર્ષોથી અવાર-નવાર હજારો લાખો રૂપિયાની ચોરી લૂંટફાટના બનાવો બનતા આવેલ છે.અને તેમાં સંડોવાયેલા ગુનેગારો હાલ સુધી પોલીસને હાથ તાળી આપી સમયાંતરે પોતાનો કસબ અજમાવતા રહ્યા છે. તેમાં વધુ એક બનાવ ગતરોજ રાત્રીના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોના-ચાંદીની દુકાનના પાછળના ભાગે દિવાલમાં બાકોરૂ પાડી દુકાનમાં પ્રવેશી સોના- ચાંદીના દાગીના તથા દુકાનના ચોપડા અને ગેસ બોટલ ચોરી કરી અજાણ્યા ચોર લોકો ફરાર થવામાં સફળ રહ્યા હોવાનું જાણવા મળે છે.

         પ્રાપ્ત વિગતો મુજબ સુખસર તાલુકાના મુખ્ય મથક સુખસર ખાતે રહેતા પ્રવીણભાઈ ઓચ્છવલાલ પંચાલ પંચાલ ફળિયામાં રહે છે અને સુખસરના બસ સ્ટેશન વિસ્તારમાં માર્કેટ યાર્ડની સામે અમન શોપિંગ સેન્ટરમાં સોના ચાંદીની દુકાન ધરાવે છે.જેઓ રોજની જેમ શનિવારના રોજ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં દુકાન બંધ કરી તાળા મારી તેમના રહેણાંક મકાન ઉપર જતા રહ્યા હતા ત્યારબાદ આજરોજ સવારના આઠેક વાગ્યાના અરસામાં દુકાન ઉપર આવી દુકાનનું શટલ ખોલી જોતા દુકાનની પાછળના ભાગે દિવાલમાં મોટું બકોરૂ પડેલું જોવા મળેલ.જ્યારે દુકાનમાં તપાસ કરતા રોજમેળ તથા હિસાબના ચોપડાઓ જોવા મળ્યા ન હતા.તેમજ સોનાની ચુની તથા વાળીનું આશરે એક તોલાના સોનાનું બોક્સ તથા આશરે 300 ગ્રામ વજનના ચાંદીના વીછુડી તથા વીંટીનું બોક્સ પણ ગાયબ હોવાનું જણાયેલ.તેમજ દુકાનમાં રાખવામાં આવેલ ગેસ બોટલ પણ જોવા નહીં મળતા દુકાનમાં ચોરી થઈ હોવાનુ જણાઈ આવેલ.તેમજ દુકાનમાં રાખવામાં આવેલ રોજ મેળના ચોપડા તથા હિસાબના ચોપડા પણ જોવા નહીં મળતા સુખસર પોલીસને જાણ કરવામાં આવી હતી.તેથી પોલીસ તાત્કાલિક બનાવના સ્થળે જઈ તપાસ કરી હતી.જ્યારે શોપિંગ સેન્ટરની પાછળ આવેલ ખારી નદી બાજુ તપાસ કરતા હિસાબના ચોપડા ચોર લોકોએ બાળી મુકતા બળેલી હાલતમાં જણાઈ આવ્યા હતા.જ્યારે રોજમેળનો ચોપડો નદીના પાણીમાંથી મળી આવ્યો હતો.સોના-ચાંદીના દાગીનાની ચોરી થતા આશરે 2.60 લાખ રૂપિયાનુ નુકસાન પહોંચવા પામેલ હોવા બાબતે ચોરીનો ભોગ બનેલા દુકાનદાર દ્વારા સુખસર પોલીસમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે.

        અહીંયા જણાવવું જરૂરી છે કે, સુખસરમાં રાત્રિના સમયે ઠેકઠેકાણે હોમગાર્ડ,જી.આર.ડીના પોઇન્ટ મૂકવામાં આવેલ છે.સાથે-સાથે રાત્રિ દરમ્યાન પોલીસ પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે.અને હાલ જ્યાં આ ચોરી થઈ છે ત્યાં જ હોમગાર્ડનો પોઇન્ટ મૂકવામાં આવેલ હોવા છતાં પોલીસથી નીડર બનેલા ચોર લોકો આસાનીથી પોતાનો કસબ અજમાવી રહ્યા હોય સ્થાનિક રહીશો તથા વેપારીઓમાં પોતાની માલ મિલ્કત ઉપર ખતરો હોવાનું જણાઈ રહ્યું છે. અગાઉ પણ સુખસર ગામમાં રહેણાક મકાનો અને દુકાનોમાં અનેક જગ્યાએ ચોરીના બનાવો બની ચૂકેલા છે.અને ચોરી જેવા બનાવોને અંજામ આપતા અજાણ્યા ચોર લોકો પોલીસના હાથે ઝડપાયા હોય અને તેઓને સજા થઈ હોય તેવો કોઈ કિસ્સો જોવા મળ્યો નથી!.

Share This Article