Wednesday, 05/02/2025
Dark Mode

કૃત્રિમ ખાતર અને જંતુનાશક દવાઓના સતત ઉપયોગથી જમીન અને પાકો પર થતી વિપરીત અસરને નાબૂદ કરતી પ્રાકૃતિક ખેતી જમીન અને ઉત્પાદનની ગુણવત્તા માટેના કુદરતી ‘અમૃત’  ગાયના ગોબર અને મૂત્રમાંથી બનતા જીવામૃત અને ઘનજીવામૃતથી બાગબાન ધરતી માતા

December 24, 2024
        4753
કૃત્રિમ ખાતર અને જંતુનાશક દવાઓના સતત ઉપયોગથી જમીન અને પાકો પર થતી વિપરીત અસરને નાબૂદ કરતી પ્રાકૃતિક ખેતી  જમીન અને ઉત્પાદનની ગુણવત્તા માટેના કુદરતી ‘અમૃત’   ગાયના ગોબર અને મૂત્રમાંથી બનતા જીવામૃત અને ઘનજીવામૃતથી બાગબાન ધરતી માતા

રાજેશ વસાવે :- દાહોદ 

કૃત્રિમ ખાતર અને જંતુનાશક દવાઓના સતત ઉપયોગથી જમીન અને પાકો પર થતી વિપરીત અસરને નાબૂદ કરતી પ્રાકૃતિક ખેતી

જમીન અને ઉત્પાદનની ગુણવત્તા માટેના કુદરતી ‘અમૃત’

ગાયના ગોબર અને મૂત્રમાંથી બનતા જીવામૃત અને ઘનજીવામૃતથી બાગબાન ધરતી માતા

‘ન્યૂનતમ ખર્ચ-મહત્તમ નફો’

રાસાયણિક ઝેરી તત્વો વિના શુદ્ધ અને ગુણવતાસભર ઉત્પાદન માટેની સરળ અને ઉત્તમ ખેતપદ્ધતિ એટલે પ્રાકૃતિક કૃષિ

દાહોદ તા. ૨૪

 ‘માતા ભૂમિ પુત્રોમ વૃચિચ્ચા:’ અથર્વવેદના આ શ્ર્લોક અનુસાર ધરતી આપણી માતા છે અને આપણે તેમના પુત્ર છીએ. પરંતુ વધારે ઉત્પાદન મેળવવા કૃત્રિમ ખાતર તથા જંતુનાશક દવાઓના આડેધડ ઉપયોગને પરિણામે જમીન, પર્યાવરણ, પાક અને સમગ્ર સજીવ સુષ્ટિમાં અસંતુલિતતા આવી છે. ખેતીમાં રાસાયણિક અને ઝેરી દવાઓને કારણે જમીન, પાક અને પર્યાવરણને થતા નુકસાનથી વણસી રહેલી સ્થિતિને સુધારવા તેમજ લોકોને નિરોગી અને તંદુરસ્ત સ્વાસ્થ્ય મળી રહે તે હેતુથી રાજ્યસરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા ભારપૂર્વક આહ્વાન કરાઇ રહ્યું છે. 

           ગાય આધારિત ખેત પધ્ધતિમાં ગાયના ગોબર અને મૂત્રને આધારે જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત ખાતર તરીકે તૈયાર કરવામાં આવે છે. વૈજ્ઞાનિક સંશોધનને આધારે દેશી ગાયના ૧ ગ્રામ છાણમાં ૩૦૦થી ૫૦૦ કરોડ બેક્ટેરિયા જોવા મળે છે. જે જર્સી ગાયના પ્રમાણમાં અનેક ઘણા વધારે હોવાથી તેના ઉપયોગથી પાક અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરી શકાય છે. 

જીવામૃત:-

          જીવામૃત બનાવવા માટે, ૧૮૦ લિટર પાણી + ૧૦ લિટર દેશી ગાયનું ગૌમુત્ર + ૧૦ કિ.ગ્રા. દેશી ગાયનું ગોબર + ૧ મૂઠ વડ નીચેની માટી/શેઢા-પાળાની માટી/રાફડાની માટી +૧ કિ.ગ્રા. દેશી ગોળ + ૧ કી.ગ્રા. ચણાનો લોટના મિશ્રણને બેરલમાં નાંખી લાંબી લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં સવાર-સાંજ એમ કુલ ૨ વખત ૧-૧ મિનિટ માટે ૨ દિવસ અને શિયાળામાં ૪ દિવસ સુધી હલાવી કપડાંથી ગાળીને સંગ્રહ કરવામાં આવે છે. તે ધાન્ય, કઠોળ, બાગાયતી, ઔષધિય કે અન્ય કોઈપણ વર્ગના પાકને આપી શકાય છે.

આપવાની રીત:

(૧) પિયત (સિચાઈ) ના પાણી સાથે

(૨) મુખ્ય પાકની બે હાર વચ્ચે સીધું જમીન ઉપર  

(૩) ઊભા પાક પર છંટકાવ કરીને, 

 પ્રતિ એકર ૨૦૦ લિટર જીવામૃત મહિનામાં ૧ થી ૩ વખત ઉપરોક્ત ત્રણ પૈકી કોઈપણ રીત દ્વારા પાકને આપી શકાય છે. 

 

ફાયદા:-

          જીવામૃત જમીનમાં આપવાથી જીવાણુની સંખ્યા ઝડપથી વધતા, હ્યુમસનું નિર્માણ ઝડપી બને છે જેના થકી બિનઉપયોગી સ્વરૂપમાં રહેલા તત્વો ઉપયોગી સ્વરૂપમાં ફેરવાય જતા મૂળનો વિકાસ ખૂબ જ ઝડપી બને છે. જીવામૃત સુષુપ્ત (સમાધિમાં) રહેલા અળસિયાને જગાડીને કામે લગાવે છે. 

           જીવામૃત માટે ફુવારા પદ્ધતિ સૌથી ઉત્તમ છે. કારણ કે ફુવારાના પાણી દ્વારા જીવામૃતનો છંટાકવ થાય છે અને વધેલું જીવામૃત જમીનમાં ભળી જાય છે. જ્યારે દિવસનું તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધારે હોય તો જીવામૃત બપોરના બદલે સવારે કે સાંજે આપવું. જીવામૃત ભરેલા બેરલ પર વધુ પડતો સૂર્ય પ્રકાશ કે ઠંડી કે વરસાદનું પાણી ન પડવું જોઈએ. અને તેનો ઉપયોગ ૧૫ દિવસ સુધી કરી શકાય છે.

ઘન જીવામૃત

            ઘન જીવામૃત બનાવવાની ૩ રીત છે. પ્રથમ રીત અનુસાર ૨૦૦ કિ.ગ્રા. સખત તાપમાં સુકવેલું, ચાળણીથી ચાળેલું દેશી ગાયનું ગોબર લઈ તેને ફેલાવી તેના ઉપર દસ ટકા જીવામૃતનો છંટકાવ કરીને બરોબર રીતે ભેળવવું. આ મિશ્રણને ૪૮ કલાક માટે છાયામાં રાખી પાતળા સ્તરમાં સુકવવું. આ સ્તરને દિવસમાં બે-ત્રણ વખત ઉપર નીચે કરવું. અને સંપૂર્ણ સુકાય જાય ત્યારે ગાંગડાનો ભૂકો કરી શણના કોથળામાં ભરી, જમીનથી ઉપર, લાકડાના મેડા ઉપર રાખવું.

         બીજી રીત: અનુસાર ૧૦૦ કિ.ગ્રા. દેશી ગાયનું ગોબર+૨ લિટર જીવામૃત+૧ કિગ્રા દેશી ગોળ+૧ કિગ્રા ચણાનો લોટના મિશ્રણને ૪૮ કલાક છાયામાં રાખી દિવસમાં ૩ થી ૪ વખત ઉપર નીચે ફેરવવું. મિશ્રણ સુકાયા બાદ ગાંગડાનો ભૂકો કરી પ્રથમ રીત અનુસાર સંગ્રહ કરવો.

         ત્રીજી રીત: અનુસાર ગોબર ગેસમાં છેલ્લે નીકળેલા રગડા(સ્લરી)ને તડકામાં સુકવી ૫૦ કિ.ગ્રા. સ્લરી પાવડરના રૂપમાં+૫૦ કિગ્રા દેશી ગાયનું ગોબર+૧ કિ.ગ્રા. દેશી ગોળ+૧ કિગ્રા ચણાનો લોટ+૨ લિટર જીવામૃતના મિશ્રણને ૪૮ કલાક છાયામાં રાખી દિવસમાં ૩ થી ૪ વખત ઉપર-નીચે ફેરવવું. સંપૂર્ણ સુકાયા બાદ ગાંગડાનો ભૂકો કરવો. જરૂરિયાત મુજબ અગાઉ પ્રમાણે સંગ્રહ કરવો. 

આપવાની રીત:-

           જમીનમાં વાવણી પહેલા અંતિમ ખેડાણ પહેલા પ્રતિ એકર ૨૦૦ કિગ્રા ઉડાડવું. રાસાયણિક ખાતરની જેમ વાવણી વખતે પણ આપી શકાય છે. કુલ અવસ્થાએ પ્રતિ એકર ૧૦૦ કિ.ગ્રા. આપવું.

ફાયદો:-

          જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધે છે. 

ધ્યાન રાખવાની બાબતો:- 

           વધુ પડતી ઠંડી હોય તો સંગ્રહ કરતી વખતે કોથળાથી ઢાંકવું. વધુ પડતો સૂર્યપ્રકાશ કે ઠંડી કે વરસાદનું પાણી ન પડવું જોઈએ. ત્રણેય પ્રકારના ધન જીવામૃત એક વર્ષ સુધી ઉપયોગ કરવા લાયક હોય છે.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!