ભીલ સમાજ ના લગ્ન બંધારણ નો અમલ પોતાના ઘરેથી કરીને સમાજ સુધારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા નિવૃત્ત અધિક કલેકટર શ્રી આર એસ પારગી:*

Editor Dahod Live
4 Min Read

વસાવે રાજેશ દાહોદ 

*ભીલ સમાજ ના લગ્ન બંધારણ નો અમલ પોતાના ઘરેથી કરીને સમાજ સુધારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા નિવૃત્ત અધિક કલેકટર શ્રી આર એસ પારગી:*

દાહોદ તા. ૧૯

ગામ પીપલારા, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદના નિવાસી શ્રી રમેશચંદ્ર એસ પારગી( નિવૃત્ત અધિક કલેકટર) અને *બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદના કન્વિનર શ્રી* એ ગઈ તારીખ ૧૫.૫.૨૦૨૩ ના રોજ તેમની દીકરી ડો. પ્રેક્ષાનું લગ્ન ડો. કાન્તિ સાથે કર્યું હતું. આ લગ્નની નોંધપાત્ર બાબત એ હતી કે *બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ* દ્વારા તૈયાર કરવામાં આવેલ *ભીલ સમાજના લગ્ન બંધારણ* નો તેમણે પૂરેપૂરો અમલ કર્યો હતો. લગ્ન બંધારણ ની જોગવાઈઓ મુજબ તેમણે પોતાની ડોક્ટર દીકરીના લગ્નમાં કોઈ દહેજ કે લગ્ન ખર્ચ લીધેલ નથી. ગામની પંચે તથા ભાંગજેડિયા એ પણ કંકુની કન્યાનું લગ્ન હોવાથી ગામ ખર્ચના કે ભાગજેડના રૂપિયા લીધેલ ન હતા. કન્યાદાનમાં માત્ર એક બેડું આપેલ હતું, કોઈ રોકડ કન્યાદાન આપેલ નથી. માત્ર અગાઉ કરેલ કન્યાદાન /ચાંદલો વાળી દેવું – ચડાઉ કન્યાદાન /ચાંદલો કરવા નહીં એવું કંકોત્રી માં જ છપાવી દીધું હતું અને તેનો અમલ કર્યો હતો. જમાઈને માત્ર રૂ. ૧૧૦૦/- જ નોતરું કર્યું હતું. સાદું જમવાનું માત્ર દાળ – ભાત- કંસાર રાખેલ હતું. ડીજે સાઉન્ડ સિસ્ટમ લાવ્યા ન હતા. માત્ર ઢોલ, થાળી, કુંડી, શરણાઈ એ પરંપરાગત વાદ્યો નો ઉપયોગ કર્યો હતો. કાપડા નો પ્રસંગ બંધ રાખ્યો હતો, મર્યાદિત માણસો વર ઘેર જોવા તથા પાઘડીમાં ગયેલ હતા. સાદી કંકોત્રી છપાવી હતી, માત્ર એક જ મામેરું મંગાવેલ હતું, સમગ્ર લગ્ન વિધિ આદિવાસી પરંપરા અનુસાર કરાવેલ હતી. લગતીયાં બંધારણ મુજબ જ રાખેલ હતાં. લગ્નમાં મહેમાનોને બીડી, સિગરેટ, પડીકી, દારૂ વિગેરે બિલકુલ પીરસેલ નથી. વરઘોડો- ફટાકડા – દારૂખાનું કે અન્ય નવા રિવાજો કરેલ નથી. જરૂર મુજબનો જ ટેન્ટ- શામિયાણા નો ખર્ચ કરેલ હતો, માત્ર સાડી પહેરાવીને સાદગીથી દીકરીનું લગ્ન પૂર્ણ કરાવેલ હતું. 

વર્તમાન સમયમાં દાહોદ- પંચમહાલ અને મહીસાગર જીલ્લા નો ભીલ સમાજ લગ્નોમાં દેખાદેખીથી ખુબ મોટા અને ખોટા ખર્ચાઓ કરીને દહેજ- ડીજે – દારૂ ના કારણે દેવાદાર બની ગયો છે. વરના ના લગ્નમાં અંદાજે 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, પરિણામે સમાજના અનેક લોકો ઊંચા વ્યાજના દેવામાં ડૂબી જાય છે અને આખી જિંદગી તેમાંથી બહાર નીકળી શકતા નથી. 

 

આ રીતે દેખાદેખી થી ખોટા- મોટા ખર્ચાઓ તથા દહેજ દારુ ડીજે ના ખર્ચાઓ કરીને દેવાના પહાડ નીચે દબાઈ જતા સમાજના ભાઈઓને ઓછામાં ઓછા ખર્ચે સાદાઈથી લગ્ન કરીને *લગ્ન ખર્ચ ઘટાડવા તથા દહેજ- દારુ – ડીજે ને દૂર કરવા માટેના અભિયાન* અંતર્ગત સ્વયં પોતાના ઘરેથી ઉદાહરણ પૂરું પાડેલ છે. 

શ્રી રમેશચંદ્ર પારગી (નિવૃત્ત અધિક કલેકટર) પોતે ત્રણ જીલ્લા ના *બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ના કન્વીનર શ્રી* તરીકે *લગ્ન બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ* હતા, એટલે તેમની અધ્યક્ષતામાં લગ્ન બંધારણ ઘડવામાં આવેલ હતું જેનો અમલ પોતાના ઘરે થી કરીને તેઓએ ત્રણેય જિલ્લાના ભીલ સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે જેની સમાજના અનેક આગેવાનો તથા અન્ય લોકો દ્વારા ખૂબ પ્રશંસા થઈ રહી છે. સમાજના અન્ય સક્ષમ લોકો પણ જો આવી રીતે પોતાના સંતાનોના લગ્ન સાદાઈથી ઓછા ખર્ચે કરીને લગ્ન બંધારણનું પાલન કરે તો ભીલ સમાજ ઘણો ઝડપથી દેવા મુક્ત બની જાય તેવી ચર્ચાઓ ચારે બાજુ થઈ રહી છે.

 

Share This Article