રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા@દાહોદ/કપિલ સાધુ @ સંજેલી
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે વહેલી સવારનો ચકચારી બનાવ સામે આવતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક જ પરિવારના ૬ વ્યક્તિઓના સામુહિક નરસંહારની ઘટનાને પગલે તાબડતોડ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. એક દંપતિ સહિત ૪ બાળકોને કુહાડી જેવા તીક્ષણ ધારદાર હથીયાર વડે ગળાં વીંછી નાંખી મોતને ઘાટ ઉતાર્યાની આ ઘટના સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ ચર્ચાનો ચકડોળે ચઢેલ છે. આ નરસંહારના પગલે પોલીસ તંત્ર સહિત ઉચ્ચ અધિકારી એલર્ટ થઈ ગયા છે.હત્યા કોણે કરી?, કયાં કારણોસર હત્યા કરવામાં આવી? જેવા અનેક પ્રશ્નો હાલ લોક માનસમાં ઉદ્ભવવા પામ્યા છે. ત્યારે આ જ પરિવારનો એક કુંટુબના વધુ એક વ્યક્તિની લાશ મોરબીના રફાળેશ્વર રેલ્વે ટ્રેક ઉપરથી કપાયેલી હાલતમાં યુવકની લાશ મળી આવતાં આ ઘટનામાં અનેક તર્ક વિતર્ક સર્જાવા પામ્યા છે.એક પરિવાર જ્યારે રાત્રીના સમયે પોતાના ઘરમાં મીંઠી નિંદર માણી રહ્યો હોય અને આવતીકાલે શું થશે? અને સવારનો સુરજ જાઈ શકશે કે નહીં? તેવા વિચાર કર્યા વગર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામના રહેવાસી ભરતભાઈ કડકીયાભાઈ પલાસ (ઉ.વ.૪૦), તેમની પત્ની સમીબેન ભરતભાઈ પલાસ (ઉ.વ.૪૦) તથા આ દંપતિના વ્હાલ સોયા સંતાન એવા દિપીકાબેન (ઉ.વ.૧૨), હેમરાજભાઈ (ઉ.વ.૧૦), દિપેશભાઈ (ઉ.વ.૮) અને રવીભાઈ (ઉ.વ.૬) એમ આ એક દંપતિ પોતાના ચાર માસુમ બાળકો સાથે ગતરોજ રાત્રીના સમયે પોતાના ઘરમાં જમી પરવારી મીઠી નિંદર માણી રહ્યા હતા. સવારમાં જ્યારે ગામના વ્યક્તિઓ દ્વારા ૬ વ્યક્તિઓની ગળા કાપેલ હાલતમાં લાશો જોતા લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત સૌ કોઈનું હ્દય હચમચી ઉઠ્યુ હતુ. ઉપસ્થિત સૌ કોઈમાં એક જ પ્રશ્ન કે આ બન્યુ કેવી રીતે? કોણે કર્યું? શા માટે નર સંહાર કરવામાં આવ્યો ? આવા અનેક સવાલો વચ્ચે આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો હતો અને વહેલી સવારના રોજ દાહોદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો જેમાં દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર તથા રેન્જ આઈ.જી.એમ.એસ.ભરાડા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી જઈ સ્થિતિને જોતા પોલીસ તંત્ર પણ હચમચી ઉઠ્યું હતુ. એક દંપતિ સહિત તેમના ૪ બાળકોની ગળા કાપેલ હાલતમાં ખાટલા, પલંગ પર જ લાશના દ્રશ્યો જોતા અને લોહીના ખાબોચીયા જોતા સૌ કોઈના હ્દય હચમચી ઉઠ્યા હતા. આ ઘટના વધુ એક વળાંક આવતાં આ જ કુટુંબના વધુ એક વ્યક્તિ વિક્રમભાઈ ચુનીલાલ પલાસ (ઉ.વ.૨૨) ની લાશ મોરબીના રફાળેશ્વર મુકામેથી મળી આવી છે. ૬ વ્યક્તિઓની લાશ સંજેલી મુકામે અને ૧ ની લાશ મોરબી મુકામેથી? આ પ્રશ્નો વચ્ચે અનેક રહસ્યો સર્જાવા પામ્યા છે.જોકે હાલ તો પોલીસે ઉપરોક્ત ૬ વ્યક્તિઓની લાશનો કબજો લઈ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપી દાહોદ જિલ્લામાં સઘન પેટ્રોલીંગ સહિત નાકાબંધી કરી દેવામાં આવી છે અને આ ઘટનામાં ઉચ્ચસ્તરીય તપાસના આદેશો તેવી સ્થિતિએ નિર્માણ લીધુ છે. હવે જોવુ એ રહ્યુ કે પોલીસ તંત્ર આ નરસંહાર પાછળનુ કારણ અને તેની પાછળ કસુરવારોને શોધી કાઢવામાં સફળતા પ્રાપ્ત કરશે કે કેમ? તે જોવાનું રહ્યું
મધ્ય રાત્રીના અંધારામાં કુહાડી જેવા ધારદાર મારક હથિયાર વડે આખા પરિવારનું કાસળ કાઢી નાખ્યું હોવાનું અનુમાન
આ દંપતી સહિત ૪ બાળકોને ગત મધ્યરાત્રીના સમયે મોતને ઘાટ ઉતાર્યાનું પ્રાથમીક દ્રષ્ટીએ અનુંમાન લગાવાઈ રહ્યુ છે.લાશોને જોતા આ ૬ વ્યક્તિઓને કુહાડી જેવા તીક્ષણ હથીયાર વડે કરપીણ કર્યાનું પ્રાથમીક દ્રષ્ટિએ લાગી રહ્યું છે.
મોરબીના રફાળેશ્વર રેલવે ટ્રેક પર મળેલા વિક્રમ પલાસની ભૂમિકા શંકાસ્પદ:સમગ્ર હત્યાકાંડને એક કરતા વધારે વ્યક્તિઓ દ્વારા અંજામ આપ્યો હોવાની સંભાવનાઓ
મોરબી મુકામેથી ૨૨ વર્ષીય આજ કુટુબીનો અન્ય એક વ્યક્તિ વિક્રમભાઈ ચુનીલાલ પલાસ જે લગ્નતરે હાલ કુવારો હતો જેની લાશ મોરબીના રફાળેશ્વર રેલ્વે ટ્રેક ઉપરથી મળી આવતાં મોરબી પોલીસે આ સંજેલી પોલીસનો સંપર્ક સાંધ્યો હતો. સંપર્ક સાંધાતાં જ સંજેલી પોલીસે તરકડા મહુડી ગામના સરપંચ મહેન્દ્રભાઇ પલાસને ફોન પર વાત કરી ઉપરોક્ત ઘટનાની જાણ કરી હતી. ગામના આગેવાનો દ્વારા આ મૃતક દંપતિને ધરે ખબર આપવા વહેલી સવારે રવાના થયા હતા પરંતુ ત્યાં જતા જ આ દંપતિમાં ૬ સભ્યોના મોતનો નજારો જોઈ ગામના આગેવાનો પણ હચમચી ઉઠ્યા હતા. શું મોરબીથી જે યુવકની લાશ મળી તે આ હત્યાકાંડનો મુખ્ય સુત્રધાર હશે? આ હત્યાકાંડનો સાક્ષી હશે? કે પછી આ હત્યાકાંડમાં તેની અહમ ભુમીકા હશે? કદાચ આ નરસંહારની પાછળના સાક્ષીને મોરબી રેલ્વે ટ્રેક ઉપર મુખ્ય સુત્રધારે હત્યા કરી ફેંકી દેવામાં આવ્યો હશે? અને આ નરસંહાર પાછળના આરોપીઓ ખુલ્લેઆમ ફરતાં હોવા જાઈએ કારણ કે, ૬ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારવામાં એક વ્યક્તિનું કામ ન હોવું જોઈએ એક કરતાં વધુ વ્યક્તિઓએ કદાચ આ નરસંહારના ભાગીદાર હોઈ શકે. જેવી અનેક ચર્ચાઓ હાલ વહેતી થવા પામી છે.જોકે દંપતી સહિત ૪ બાળકોના નરસંહારમાં દંપતિ સહિત બે બાળકો ઘરના આંગણામાં સુતા હતા જ્યારે બીજા બે બાળકો ઘરના અંદર સુતા હતા.
જમીન સબંધે પારિવારિક વાદવિવાદને લઇ સમગ્ર હત્યાકાંડ ને અંજામ આપ્યો હોવાની પ્રબળ આશંકા
હાલ આ હચમચાવનારી ઘટનામાં અનેક તર્ક વિતર્કાે વહેતા થવા માંડ્યા છે. જાણવા મળ્યા મુજબ આ દંપતી પાસે અઢળક જમીન હોવાની ચર્ચાઓ ચાલી રહી છે અને કદાચ જમીન સંબંધી મામલે આ દંપતિ સહિત તેમના ૪ સંતાનોની હત્યા કરવામાં આવી હોવાની પણ ચર્ચાઓએ જોર પક્ડયું છે જ્યારે બીજી તરફ પ્રેમ પ્રકરણના મામલે પણ આ નરસંહારને કદાચ અંજામ અપાયો હોય તે વાતને પણ નજર અંદાજ કરી શકાતી નથી.
સમગ્ર હત્યાકાંડમાં મરણ પામેલ વ્યક્તિઓની યાદી નીચે મુજબ છે
(૧) ભરતભાઈ કડકીયાભાઈ પલાસ (ઉ.વ.૪૦)
(૨) સમીબેન ભરતભાઈ પલાસ (ઉ.વ.૪૦)
(૩) દિપીકાબેન (ઉ.વ.૧૨)
(૪) હેમરાજભાઈ (ઉ.વ.૧૦)
(૫) દિપેશભાઈ (ઉ.વ.૮)
(૬) રવીભાઈ (ઉ.વ.૬)
(૭) વિક્રમભાઈ ચુનીલાલ પલાસ (ઉ.વ.૨૨) (આજ કુટુંબના વ્યક્તિ જેની મોરબીના રફાળેશ્વર ખાતેથી લાશ મળેલ છે)
મરણજનાર વિક્રમ ના સંતરામપુર થી બસ મારફતે અમદાવાદ જવાનો અને મોરબીના રફાળેશ્વર ખાતે ટ્રેન નીચે પડતું મુકવાના સમયમાં ભારે વિસંગતતા જે પોલીસ માટે કોયડા સમાન
સુરેન્દ્રનગર જિલ્લાના મોરબીમાં જે યુવક કપાયો તેના ખિસ્સામાંથી તરકડા મહુડી ગામનુ એડ્રેસ અને ફોન નંબર ની સાથે ગઈકાલે સાંજના 6:30 વાગ્યાના સમય દર્શાવતી સંતરામપુર થી અમદાવાદની બસની ટીકીટ મળી આવી છે.અને આ યુવક ગઈ કાલે રાત્રીના 9 વાગ્યાના સુમારે મોરબીના રફાળેશ્વર ખાતે કોઈ ટ્રેનની નીચે કપાયો હોવાનું મોરબી પોલીસ દ્વારા જણાવ્યું છે.ત્યારે ગઈકાલે સાંજે સંતરામપુર થી અમદાવાદ જવા નીકળેલો વિક્રમ દોઢ કલાકના ટૂંકા ગાળામાં એટલે કે 9 વાગ્યે સુરેન્દ્રનગર જિલ્લાના મોરબીના રફાળેશ્વર ખાતે પહોંચી ટ્રેન નીચે પડતું કેવી રીતે મુકી શકે છે? મૃતકના ખિસ્સામાંથી મળેલ બસની ટિકિટ અને રેલવે ટ્રેક પર પડતું મુકવાનો સમયમાં કેટલીક વિસંગતતા જોવા મળી રહી છે ત્યારે મરણજનાર વ્યક્તિ ખરેખર વિક્રમ છેકે કેમ? તે પણ પોલીસ માટે હાલ તો કોયડો બની ગયો છે જે ખરેખર પોલીસ તપાસનો વિષય બની ગયો છે. જોકે ટ્રેન નીચે પડતું મુકનાર માણસ આ સમગ્ર ઘટનામાં જોવા જઈએ તો કદાચ આ યુવકે જ જમીન સંબંધી અદાવતે દંપતિ સહિત ૪ બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પોલીસને હાથે પકડાઈ જશે અને પોતાનુ જીવન આમેય બરબાદ થઈ જશે જેવી લાગણી આવી હશે અને કદાચ તેણે પછતાવામાં પોતે પણ ટ્રેનની નીચે પડતુ મુકી દીધુ હોય? તે પ્રશ્નને પણ નકારી શકાતો નથી.
સમગ્ર હત્યાકાંડની ગંભીરતા થી લઇ તેનો ભેદ ઉકેલવા પંચમહાલ રેંજ/દાહોદ ને મળી કુલ 6 ટીમો તપાસમાં જોતરાઈ પોલીસ નજીકના સમયમાં આ હત્યાકાંડનો ભેદ ઉકેલી લેશે તેવો આશાવાદ રાખીયે છીએ :જિલ્લા પોલીસવડા( હિતેશ જોયસર )
તરકડા મહુડી ગામેથીએક જ પરિવારની હત્યા કરાયેલી 6 લાશો મળી છે તેની ગુન્હાની ગંભીરતા જોઈ પંચમહાલ રેન્જ આઈ.જી, જિલ્લા પોલીસવડા વિઝીટમાં આવ્યા છે. આ કેસમાં અમે દાહોદ એલ.સી.બી.,એસ.ઓ.જી., સર્વેલન્સ ટીમો, એફએસએલ, ડોગસ્કોર્ડ અને ફુડ રીલેટેડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને પંચમહાલ રેન્જના ત્રણ પ્રોબ્રેશનલ ડી.વાય.એસ.પી. તેમજ તેમની ટીમો કુલ મળી ૬ જેટલી ટીમો આ ઘટનાની તલસ્પર્શી તપાસમાં જોતરાઈ છે.અમારી ટીમો તપાસમાં જોતરાય છે અને મૃતકના શબોને દાહોદ સીવીલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ કોસ ઓફ ડેથ પ્રમાણે તેના રિપોર્ટ પરથી સમગ્ર ઘટનાનો પડદો ઉકેલાશે.