Thursday, 20/01/2022
Dark Mode

દાહોદ જિલ્લામાંથી કુપોષણ દૂર કરવા છેડાયો અભિયાન….ને દાહોદ કલેક્ટર શ્રી વિજય ખરાડી કુપોષિત બાળકોના ઘરે પહોંચ્યા !

દાહોદ જિલ્લામાંથી કુપોષણ દૂર કરવા છેડાયો અભિયાન….ને દાહોદ કલેક્ટર શ્રી વિજય ખરાડી કુપોષિત બાળકોના ઘરે પહોંચ્યા !

દાહોદ લાઈવ….

દાહોદ જિલ્લામાંથી કુપોષણ દૂર કરવા છેડાયો અભિયાન….ને દાહોદ કલેક્ટર શ્રી વિજય ખરાડી કુપોષિત બાળકોના ઘરે પહોંચ્યા !

દાહોદ તા.07

કોઇ મહાનુભાવો સાવ જ અચાનક તમારી ઘરે આવી ચઢે ને પૂછે કે કેમ છે ? તો તેમને જવાબ આપવાની સાથે તમને આનંદ અને આશ્ચર્ય થશે. આવું જ કંઇક બન્યું છે દાહોદ જિલ્લાના કેટલાક પરિવારો સાથે. દાહોદ જિલ્લામાંથી કુપોષણને નાબૂદ કરવા માટે ચાલતા અભિયાન અંતર્ગત કલેક્ટર શ્રી વિજય ખરાડી છાપરી અને બોરવાણી ગામમાં જઇ આંગણવાડીના કુપોષિત બાળકોના ઘરે અચાનક જ પહોંચી ગયા હતા. પછી જે બન્યું તે જાણીને તમને સહજ આનંદ થશે !

પહેલા આપણે જાણીએ સુપોષિત ગુજરાત અભિયાન વિશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી દાહોદ જિલ્લામાંથી આરંભવામાં આવેલા આ અભિયાન અંતર્ગત બાળકોમાંથી કુપોષણ દૂર કરી તેમને તંદુરસ્ત બનાવવાની નેમ આ અભિયાનની છે. દાહોદ જિલ્લામાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. એ માટે આંગણવાડી કક્ષાએથી પોષણક્ષમ આહાર આપવાની કામગીરી ઉપરાંત બાલ સંજીવની કેન્દ્રો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. જેમાં અતિકુપોષિત બાળકોને પખવાડિયા સુધી રાખી સારવાર કરવામાં આવે છે. મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે દાહોદમાં પોષણના સૂચકાંકો ઉપર નીતિ આયોગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. પોષક આહારનું વિતરણ કોઇ બાધ વિના લોકડાઉનમાં પણ શરૂ છે. હવે મૂળ વાત જાણીએ તો કલેક્ટરશ્રી વિજય ખરાડી કોઇને આગોતરી જાણ કર્યા વિના બોરવાણી અને છાપરી ગામની આંગણવાડી કેન્દ્રની મુલાકાતે પહોંચી ગયા હતા. આંગણવાડીમાં જઇ તેમણે સંચાલક દ્વારા નિભાવવામાં આવતા ૧૧ પ્રકારના રજીસ્ટરોની ચકાસણી કરી હતી. તેમના દ્વારા થતી કામગીરી અંગે પૃચ્છા કરી હતી. આટલું જ નહીં, શ્રી ખરાડીએ આંગણવાડીમાં રહેલા પુરવઠાની રજીસ્ટરો સાથે મેળવણી કરી ચકાસણી કરી હતી. તેમણે પોષણ વાટિકાની પણ મુલાકાત લીધી હતી.

આટલું જ નહીં, મમતા કાર્ડ મુજબના સગર્ભા માતાના ઘરની પણ કલેક્ટરશ્રી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેમને પૂરતા પ્રમાણમાં માતૃશક્તિના પેકેટ્સ, આયર્નની ગોળીઓ મળે છે કેમ ? તેવી વિગતો જાણી હતી. સગર્ભા મહિલાઓને આરોગ્યની તપાસ માટે ખીલખીલાટ સહિતની સેવા અંગે પણ પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા.

કલેક્ટરશ્રીએ બન્ને આંગણવાડીમાં પોષણના સૂચકાંક એવા રેડ ઝોનમાં રહેલા બાળકોના ઘરની મુલાકાત કરી હતી. જેમાં બાળકોની તબિયત અંગે વિગતો જાણી હતી. બાળકોના વાલીઓ સાથે કરેલી ચર્ચામાં કુપોષણ અંગે એક વાત એવી ધ્યાને આવી કે, બાળકો ઝાડાની બિમારી રહેતી હોવાથી કુપોષણનું પ્રમાણ રહે છે. અહીં કલેક્ટરશ્રીએ વાલીઓને સુટેવો પાડવાની શીખ આપી હતી.

જેમાં પાણી ઉકાળીને પીવા, સ્વચ્છ હાથોથી ભોજન લેવા અને આરોગ્યની નજીકના સરકારી દવાખાને નિયમિત તપાસણી કરાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત, રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમના તબીબોને આવા બાળકોનું સમયાંતરે હેલ્થ સ્ક્રીનિંગ કરવા કલેક્ટરશ્રીએ કહ્યું હતું. આંગણવાડી કેન્દ્ર દ્વારા આપવામાં આવતા બાલશક્તિ આહારનું બાળકોને સેવન કરાવવા કલેક્ટરશ્રીએ વાલીઓને અનુરોધ કર્યો હતો.

તદ્દઉપરાંત, કલેક્ટરશ્રીએ આંગણવાડી કાર્યકરોને સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ હોય એવી જ વસ્તુઓથી બનતી વાનગીનો રસોઇ શો કરવા સૂચના આપી હતી. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા પોષક આહારમાંથી બનાવી શકાતી વાનગી આંગણવાડી સંચાલકો દ્વારા રસોઇ શો થકી સ્થાનિક માતાઓને માર્ગદર્શન આપવામાં આવે છે.
આ મુલાકાત વેળાએ જિલ્લા આયોજન અધિકારી શ્રી કિરણ ગેલાત, ડો. નિરજ તિવારી, સંશોધન અધિકારી શ્રી સંદીપ પટેલ તથા શ્રી જિતેન્દ્રસિંહ વીરપુરા સાથે જોડાયા હતા.

error: Content is protected !!