
દાહોદ તા.3
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઠુંઠી કંકાસીયા ગામે રસ્તાની બાજુમાં પશુ ચરાવી રહેલ ત્રણ બાળકોને એક ક્રુઝર ફોર વીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ત્રણે બાળકોને અડફેટમાં લીધા હતા જેને પગલે એક બાળકનું ગંભીર ઈજાને પગલે મોત નિપજયાનું જાણવા મળે છે જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત બાળકોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ગત તારીખ ૧ ઓગસ્ટના રોજ ઝાલોદ તાલુકાના ખરસાણા ગામે રહેતા ત્રણ બાળકો જેમાં ખુશીબેન મુકેશભાઈ, શિવરાજભાઈ મુકેશભાઈ તથા મનિષાબેન દિલીપભાઈ ભાભોર આ ત્રણે બાળકો ઠુંઠી કંકાસીયાથી ઝાલોદ આવતા રોડ ઉપર બકરા ચરાવવા માટે રોડવાળા ખેતર બાજુ જતા હતા. આ દરમિયાન એક ક્રુઝર ફોર વીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વીલર ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ઉપરોક્ત ત્રણેય બાળકોને અડફેટમાં લીધા હતા અને જોશભેર ટકકર મારી હતી જેને પગલે ખુશીબેનને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત બાળકોને પણ શરીરે ઈજાઓ પહોંચતા તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યારે અકસ્માત સર્જનાર ક્રુઝર ફોર વ્હીલ ગાડીનો ચાલક પોતાના કબજાની ગાડી સ્થળ પર મુકી નાસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ સંબંધે ઝાલોદ તાલુકાના ખરસાણા ગામે તળાવ ફળિયામાં રહેતા કલજીભાઈ મેતીયાભાઈ ચારેલે ઝાલોદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરાર ફોર વીલર ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.