
દક્ષેશ ચૌહાણ, ઝાલોદ
ઝાલોદ તાલુકાના બાજરવાડા ગામે જમીન સબંધી મામલે ચાર ઈસમોએ હથિયારો વડે કર્યો હુમલો:પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત.
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના બાજરવાડા ગામે જમીન સંબંધી મામલે ચાર જેટલા ઈસમોએ ભેગા મળી ગેરકાયદે મંડળી બનાવી, હાથમાં મારક હથિયારો ધારણ કરી આવી પાંચ વ્યક્તિઓને હથિયારો વડે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૨૬મી ઓક્ટોમ્બરના રોજ બાજરવાડા ગામે માળ ફળિયામાં રહેતાં જીજ્ઞેશભાઈ રમેશભાઈ કટારા તથા તેમના પરિવારજનો પોતાના ગામમાં આવેલ જમીન વેચાતી રાખી ખેતી કરતાં હતાં તે સમયે ત્યાં ગામમાં રહેતાં મજુભાઈ કાળીયાભાઈ, નિલેશભાઈ મજુભાઈ, અનિલભાઈ મજુભાઈ અને સતિષભાઈ મજુભાઈ ચારેય જાતે કટારાનાઓ હાથમાં કુહાડી, લાકડીઓ વિગેરે જેવા મારક હથિયારો ધારણ કરી આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, અમોને જમીન કેમ ખેડવા દેતાં નથી, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ કુહાડીની મુદર વડે તેમજ લાકડી વડે, રમેશભાઈને, ખાતુભાઈને, લાલસીંગભાઈને, વિક્રમભાઈને અને જીજ્ઞેશભાઈને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત જીજ્ઞેશભાઈ રમેશભાઈ કટારાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.