બાબુ સોલંકી:- સુખસર
ફતેપુરાના જવેસીમાં વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી: સદનસીબે કોઈ જાનહાની નહિ..
મકાનમાં રાખેલ ઘરવખરી સમાન,અનાજ સહિત તિજોરીને નુકસાન:મકાન માલિકને ૧૫ હજાર ઉપરાંતનું નુકસાન
સદનસીબે જાનહાની ટળતા મકાન માલિક સહિત તંત્રએ હાશકારો અનુભવ્યો.
સુખસર,તા.15
ફતેપુરા તાલુકામાં મકાઈ,ડાંગર જેવા પાકોના વાવેતર માટે સામાન્ય કહી શકાય તેટલો વરસાદ થયો છે. ત્યારે જવેસી ગામે દલિત સમાજના એક વ્યક્તિનુ વરસાદી માહોલ દરમિયાન મકાન પડી જતા સદભાગ્યે કોઈ જાનહાની થવા પામેલ નથી.પરંતુ મકાનમાં રાખેલ અનાજ,તિજોરી સહિત ઘરવખરી સામાનને નુકસાન થતા રૂપિયા 12 થી 15 હજારનું નુકસાન પહોંચવા પામેલ હોવાનું અંદાજવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના જવેસી ગામે રહેતા ચમાર રમણભાઈ ખાનાભાઈ પોતાનું રહેણાંક મકાનમાં ધરાવે છે.અને પરિવાર સાથે રહે છે.તેવી જ રીતે ગુરૂવાર સાંજના 06:00 વાગ્યાના અરસામાં ઘરે હતા.જે સમયે સામાન્ય વરસાદ વરસી રહ્યો હતો.તેવા સમયે ઘરના સભ્યો મકાનની ઓસરીમાં બેઠેલા હતા.જ્યારે અંદરના રૂમમાં અવાજ સાથે મકાન તૂટી પડતા ઘરના સભ્યો હેબતાઇ ગયા હતા.અને ઘરની બહાર નીકળી ગયા હતા.મકાન પડતા ઘરનો લાકડાનો પાટ ભાગી જવા પામ્યો હતો.જ્યારે મકાન પડતા નળિયા તથા વળીઓને પણ નુકસાન પહોંચવા પામ્યું હતું.તેમજ મકાનમાં રાખેલ મકાઈ,ઘઉં જેવા અનાજ સહિત મકાનમાં રાખેલ તિજોરી ભાંગી જતા તેમજ મકાનની દીવાલ પડી જતાં આશરે 12 થી 15 હજાર રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.
જોકે આ મકાનમાં ઘરના પાંચથી સાત સભ્યો રહેતા હતા.અને આ મકાન રાત્રી દરમિયાન પડ્યું હોત તો મોટી જાનહાની થવાનો ભય પણ હતો.પરંતુ સાંજના છ વાગ્યાના અરસામાં આ મકાન પડતા અને ઘરના સભ્યો ઓસરીમાં હોય જાન હાની નહીં થતાં ઘરના સભ્યો સહિત તંત્ર દ્વારા હાશકારો અનુભવ્યો હતો. ઉપરોક્ત બાબતે રમણભાઈ ચમાર દવારા જવેસી ગ્રામ પંચાયતને જાણ કરતા તલાટી કમ-મંત્રી દ્વારા સ્થળ ઉપર આવી પંચકેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.