Thursday, 28/03/2024
Dark Mode

રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ખેતજણસોની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે

October 8, 2021
        733
રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ખેતજણસોની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે

બાબુ સોલંકી :- સુખસર 

રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ખેતજણસોની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે

દાહોદનાં ખેડૂતોએ ખેતજણસોની લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે

(પ્રતિનિધિ ) સુખસર,તા.૮

રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ખેતજણસોની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે.દાહોદ જિલ્લાના ખેડૂતોએ આ માટે નિયત સમયમર્યાદામાં નોંધણી કરાવાની રહશે. જે અંતર્ગત ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૧-૨૨માં રાજ્ય સરકાર ધ્વારા લઘુતમ ટેકાના ભાવે મગફળી, ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.દાહોદ મારફતે કરવામાં આવશે.
ભારત સરકાર ધ્વારા લઘુતમ ટેકાના ભાવ નીચે મુજબ જાહેર કરાયા છે. જે મુજબ મગફળી પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ રૂ. ૫૫૫૦ અને પ્રતિ મણ રૂ. ૧૧૧૦ રહેશે. ડાંગર કોમન પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ રૂ. ૧૯૪૦ અને પ્રતિ મણ રૂ. ૩૮૮ રહેશે. ડાંગર એ ગ્રેડ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ રૂ. ૧૯૬૦ અને પ્રતિ મણ રૂ. ૩૯૨ રહેશે. મકાઇ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ રૂ. ૧૮૭૦ અને પ્રતિ મણ રૂ. ૩૭૪ રહેશે. બાજરી પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ રૂ. ૨૨૫૦ અને પ્રતિ મણ રૂ.૪૫૦ રહેશે.
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોએ નીચે મુજબના સમયગાળામાં ફરજીયાત ઓન લાઇન નોંધણી કરાવવાની રહેશે. જે મુજબ મગફળી માટે તા. ૧-૧૦-૨૦૨૧ થી તા. ૩૧-૧૦-૨૦૨૧ તેમજ ડાંગર, મકાઇ અને બાજરી માટે તા. ૧-૧૦-૨૦૨૧ થી ૧૬-૧૦-૨૦૨૧ સુધી નોંધણીનો સમયગાળો રહેશે. જેમાં વીસીઇ દ્વારા ગ્રામ્ય અને એપીએમસી દ્વારા તાલુકા કક્ષાએ નોંધણી થશે.
આ ઉપરાંત આધાર કાર્ડની નકલ, ગામનો નમુનો ૭-૧૨ તથા ૮-અ ની અદ્યતન નકલ, ગામ નમુના ૧૨ માં પાક વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક. નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે અપલોડ થાય માંગ્ય મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવાની રહેશે.
ડોક્યુમેન્ટસની ચકાસણી દરમ્યાન જો ભળતા ડોક્યુમેન્ટસ કે ખોટા ડોક્યુમેન્ટસ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ કરવામાં નહી આવે. નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતોએ નોંધણી માટે વીસીઇ ને કોઈ રકમ ચુકવવાની રહેતી નથી. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડની દાહોદ કચેરીનાં નાયબ જિલ્લા મેનેજરશ્રીએ એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!