
બાબુ સોલંકી :- સુખસર
ગુજરાત એસ.ટી વિભાગ માંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ દ્વારા પેન્શનના લાભ માટે વર્ષોથી લાગતા-વળગતા તંત્રો સમક્ષ રજૂઆતો છતાં આંખ આડા કાન ?
હાલ એસ.ટી.ના નિવૃત્ત કર્મચારીઓને એકથી બે હજાર રૂપિયા પેન્શન ચૂકવવામાં આવી રહ્યું છે !
ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા તા.09/03/2020 તથા તારીખ 21/03/2020 માં ઠરાવવામાં આવેલ પરિપત્ર મુજબ પેન્શન ચુકવણી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆતો કરવામાં આવેલ છે.
રાજ્ય સરકાર દ્વારા સરકારના પરિપત્ર મુજબ પેન્શન યોજના લાગુ કરવામાં આવે તો 35 હજાર જેટલા એસ.ટી.ના નિવૃત કર્મચારીઓને લાભ મળી શકે.
( પ્રતિનિધિ ) સુખસર,તા.26
ગુજરાત એસ.ટી વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા કર્મચારીઓને નિવૃત્તિ બાદ સરકારના પરિપત્ર મુજબ મળવાપાત્ર પેન્શનનો લાભ મેળવવા છેલ્લા ત્રણેક વર્ષથી લાગતા-વળગતા તંત્રોના ધક્કા ખાતા હોવા છતાં પેન્શનરોની વ્યાજબી માંગણી પ્રત્યે ધ્યાન નહીં આપી આંખ આડા કાન કરવામાં આવતા હોવાની બૂમો ઉઠવા પામેલ છે.અને સરકારના પરિપત્ર મુજબ પેંશનનો લાભ આપવામાં આવે તેવી એસ.ટી.ના નિવૃત્ત કર્મચારીઓમાં માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ગુજરાત એસ.ટી ખાતામાંથી નિવૃત્ત થયેલ કર્મચારીઓને હાલ માત્ર એક થી બે હજાર રૂપિયા જેટલું નજીવું પેન્શન ચૂકવવામાં આવે છે!જેના લીધે સરકારના પરિપત્રો તેમજ કોર્ટના થયેલ હુકમોનો અનાદર કરવામાં આવી રહ્યો હોવાનું એસ.ટી.ના નિવૃત્ત કર્મચારીઓમાં ચર્ચાઈ રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા એસ.ટી નિગમને ગુજરાત સરકારમાં સમાવેશ કરેલ છે.છતાં બોર્ડ,નિગમ તેમજ જાહેર સાહસોને હુકમો કરવા છતાં અન્યાય કરવામાં આવી રહ્યો છે. એસ.ટી નિગમના કામદારો ઠંડી-ગરમી, વરસાદની પરવા કર્યા વગર કપરી સ્થિતિમાં ખડે પગે હાજર રહી ખાડે જતાં નિગમને બચાવવા માટે તનતોડ મહેનત કરી મહત્વનો ફાળો આપી રહેલ છે.છતાં આ કર્મચારીઓને નિવૃત્તિ બાદ પણ હળહળતો અન્યાય કરવામાં આવતો હોવાનું જાણવા મળે છે.
સરકારના પરિપત્ર મુજબ સરકારના કર્મચારીઓને વર્ષનું બે વખત મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવે છે.જ્યારે બોર્ડ અને નિગમના કર્મચારીઓને મોંઘવારીનો લાભ પણ આપવામાં આવતો નથી.જે બાબતે એસ.ટી ખાતાના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરી સરકારના પરિપત્ર તેમજ કોર્ટ દ્વારા લેવાયેલ નિર્ણય પ્રમાણે પેન્શન ચૂકવવામાં આવે તેમજ ડી.એ ની પણ ચુકવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.પેન્શનની રકમ રાજ્ય સરકારના ધોરણે જૂની પેન્શન યોજના લાગુ કરી અમલમાં મૂકવામાં આવેતો એસ.ટી ખાતામાંથી નિવૃત્ત 35 હજાર જેટલા નિવૃત્ત કર્મચારીઓને લાભ મળી શકે તેમ હોવાનું જાણવા મળે છે.જોકે સરકારના નાણા વિભાગ દ્વારા વર્ષ- 2020માં પેન્શન વધારો મંજુર કરવામાં આવેલ પરિપત્ર બહાર પાડી નિગમમાં,બોર્ડના કર્મચારીઓને પેન્શન ચુકવણી કરવામાં આવે તેવું ઠરાવવામાં આવેલ તેમજ સરકાર દ્વારા આ પ્રશ્નો બાબતે વિધાનસભામાં બહાલી પણ આપેલ છે.તેમ છતા સરકારના પરિપત્ર મુજબ બોર્ડ, નિગમના કર્મચારીઓને પેન્શન ચુકવણી નહીં કરી અન્યાય કરવામાં આવતો હોઇ બોર્ડ નિગમના નિવૃત્ત કર્મચારીઓ દરદરની ઠોકરો ખાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.તે પ્રત્યે લાગતા-વળગતા તંત્રો સહિત રાજ્ય સરકાર દ્વારા ધ્યાન આપી એસ.ટી.ના નિવૃત્ત કર્મચારીઓને સરકારના પરિપત્ર મુજબ પેન્શન ચૂકવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
*વર્ષ 2020 દરમિયાન નિવૃત્તિ સમયના પગારધોરણને ધ્યાને લઇ પેન્શન રીવિઝન કરવા નાણા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર મુજબ*
રાજ્ય સરકારને મળેલી વિવિધ રજૂઆતો તેમજ નામદાર કોર્ટમાં દાખલ થયેલ પિટિશનોને ધ્યાને લઇ સ્કેલ ટુ સ્કેલના ધોરણે પેન્શન રીવીઝન નો લાભ તા.01/01/2006 ની અસરથી આપવાની સરકાર દ્વારા ઠરાવવામાં આવેલ છે.તેમાં પેન્શનર/ કુટુંબ પેન્શનરના કેસમાં નિવૃત્તિ કે અવસાન સમયે તેઓ જે પગાર ધોરણમાં પગાર મેળવતા હોય તે પગારધોરણને અનુરૂપ નવા પગારપંચના અમલમાં આવેલ પગાર ધોરણના લઘુતમ સ્કેલના 50 ટકાથી ઓછું નહીં તે પ્રમાણે પેન્શન (તા.01/01/2006 પહેલા નિવૃત્ત થયેલ પેન્શનરના કિસ્સામાં પેન્શનપાત્ર સેવાના પ્રમાણમાં)અને ૩૦ ટકાથી ઓછું નહીં તે પ્રમાણે કુટુંબ પેન્શન તા. 01/01/2006ની અસરથી મંજૂર કરવાનું ઠરાવવામાં આવેલ છે.તેમજ પેન્શનરોને મળવાપાત્ર એરિયર્સની ચૂકવણી કરવાની રહેશે.આમ, કર્મચારીઓને મળેલ ઉચ્ચતર પગાર ધોરણ,સિલેક્શન ગ્રેડ,સિનિયર ગ્રેડ પેન્શન રિવિઝન સમયે ધ્યાને લેવાના રહેશે.આ લાભ મેળવવા પેન્શનર કે કુટુંબ પેન્શનરે વંચાણે લીધેલ ક્રમાંક(1) અને (6) ઉપરના ઠરાવ નિયત કરેલ કાર્ય પદ્ધતિને અનુસરવાનું રહેશે.તે સહિત નાણા વિભાગના ઠરાવ ક્રમાંક:પશન/1009/726/પી,તા.01/09/2017 અન્વયે તા.01/01/2006 થી તા.12/04/ 2009 સુધીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધેલ હોય અને મહત્તમ પાંચ ઇજાફા મેળવેલ હોય અને આ પાંચ મહત્તમ ઇજાફાઓ જતા કર્યા હોય કે ના કર્યા હોય પરંતુ પેન્શનપાત્ર નોકરીના સપ્રમાણ પેન્શન મેળવેલ હોય તેઓને પણ આ ઠરાવ અન્વયે પેન્શન પાત્ર નોકરીના સપ્રમાણ પેન્શન રિવાઇઝ કરવાનું રહેશે.તેવો પરિપત્ર નાયબ સચિવ (પેન્શન અને તિજોરી)નાણા વિભાગ દ્વારા બહાર પાડી ગુજરાતની તમામ કચેરીઓના વડાઓ,તમામ જિલ્લા તિજોરી,પેટા તિજોરી અધિકારીઓ,તમામ પેન્શન ચુકવણા કચેરીઓ,તમામ બોર્ડ, કોર્પોરેશન,યુનિવર્સિટીઓ અને રાજ્ય સરકારના જાહેર સાહસોને મોકલી આપવામાં આવેલ છે.