
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વમાં પંદર દિવસથી વીજ ડી.પી બળી જતાં અંધારા ઉલેચતા સ્થાનિકો.
ફતેપુરા એમજીવીસીએલ મા લેખિત તથા અનેકવાર મૌખિક રજૂઆતો છતાં બીપી બદલવામાં આવતી નથી નો ગ્રામજનો દ્વારા આક્ષેપ.
( પ્રતિનિધિ ) સુખસર,તા.15
ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં એમજીવીસીએલ તંત્રનો દિનપ્રતિદિન વહીવટ કથળતો જાય છે.જેમાં વીજ પ્રવાહ કયા સમયે જશે કેટલા કલાકો બાદ ફરીથી ચાલુ થશે તેનો કોઈ નિયમ જોવા મળતો નથી.જ્યારે કેટલીક જગ્યાએ વિજ ડીપી બળી જતા તેની વીજ કચેરી ખાતે રજૂઆતો કરતા દિવસો સુધી વિજ ડીપી બદલવામાં નહી આવતા સ્થાનિકો અંધારા ઉલેચતા હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ ખાતે આવેલ લીંબાખેડી ફળિયામાં સીંગલ ફેઝ વીજ ડીપી છેલ્લા પંદર દિવસ ઉપરાંતથી બળી જતા તે બાબતે ફતેપુરા એમ.જી.વી.સી.એલ કચેરીમાં સ્થાનિકોએ લેખિત રજૂઆત બાદ અનેકવાર મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી વીજ ડીપી બદલવામાં નહીં આવતા સ્થાનિક લોકો અંધારા ઉલેચી રહ્યા હોવાનો બળાપો કાઢી રહ્યા છે.જોકે આ વીજ ડીપીથી મછાર ફળિયા તથા ડામોર ફળિયાના ઘર વપરાશના વીજ પ્રવાહ ના 80 થી 90 જેટલા વીજ મિટરો કાર્યરત છે.અને હાલ ચોમાસાના સમયમાં રાત્રિના સમયે ઝેરી જીવજંતુઓનો પણ ત્રાસ વધી રહેલો છે.તે સાથે હાલ સામાન્ય પડી રહેલા વરસાદના કારણે જમીન માંથી ગરમ બફારો નીકળતા લોકો દિવસે તથા રાત્રીના સમયે પણ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.અને તેવા જ સમયે વીજ ડીપી બળી જતા તેની અનેકવાર રજૂઆતો કરવા છતાં બે દિવસમાં નવીન વિજ ડીપી આવી જશેના આશ્વાસનો આપવામાં આવે છે તેમ છતાં 15 દિવસનો સમય વિતવા છતાં નવીન ડીપી બેસાડવા માંટે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. નવીન વીજ ડીપી બેસાડવામાં નહીં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયેલા હોવાનું જોવા મળે છે.ત્યારે ફતેપુરા એમ.જી.વી.સી.એલ દ્વારા તાત્કાલિક ધ્યાન આપી નીંદકાપૂર્વના લીંબાખેડી ફળિયા ખાતે નવીન વિજ ડીપી મૂકવામાં આવે તેવી ગ્રામજનોની ખાસ માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.