
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં ટ્રાયબલની યોજના દ્વારા મકાન સહાય આપવાના બહાના હેઠળ તકવાદી તત્વો દ્વારા કરવામાં આવતું ઉઘરાણું.?
લાભાર્થીના ડોક્યુમેન્ટ સાથે મકાન સહાય મેળવવા થતા ખર્ચના રૂપિયા 500/- ઉઘરાવવામાં આવતા હોવાની ઉઠેલી બૂમો.
ફતેપુરા તાલુકામાં હાલ ટ્રાયબલ સબ પ્લાન દ્વારા મકાન સહાય આપવાની હાલ કોઈ યોજના બહાર પડાઈ નથી અને બહાર પડવાની કોઈ શક્યતા પણ નથી:ટ્રાયબલ શાખા ફતેપુરા
(પ્રતિનિધિ ) સુખસર,તા.10
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામા લાભાર્થીઓના નામે આવતા સરકારી નાણા માંથી કેટલાક તકવાદી તત્વો ગરીબોનો ગેરલાભ ઉઠાવી આસાનીથી સરકારી નાણા હડપ કરવાના કિસ્સા અવારનવાર બનતા હોવાની બૂમો ઊઠે છે તે સામાન્ય બાબત બની ચૂકી છે.પરંતુ તેમનાથી પણ એક પગથિયું આગળ વધી ચૂકેલા લોકો ખરેખર સરકાર દ્વારા જે યોજના બહાર પડાઈ જ ન હોય અને તેવા નામોની યોજનાઓ પોતાની રીતે ઉભી કરી ગરીબ લોકોને લાભ આપવાના બહાના હેઠળ જ્યારે ઉઘાડી લૂંટ ચલાવાતી હોય ત્યારે સમજદાર લોકોનો આત્મા ઉકળી ઊઠે તે સ્વાભાવિક બાબત છે.અને તેવી જ બાબત હાલ ફતેપુરા તાલુકામાં કેટલાક તકવાદી તત્વો ગરીબ અભણ, જરૂરિયાત મંદ આદિવાસી લોકોને ટ્ર્રાયબલ યોજનામાંથી મકાન સહાય આપવાના બહાના હેઠળ જે-તે લાભાર્થીના ડોક્યુમેન્ટ સહિત લાભ મેળવવા થનાર ખર્ચના લાભાર્થી દીઠ રૂપિયા 500/- લેખે ઉઘરાણુ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જાણવા મળેલી વિગતો મુજબ દાહોદ જિલ્લામાં ટ્રાયબલ સબ પ્લાન દ્વારા છેલ્લા એક વર્ષથી ગરીબી રેખા હેઠળ જીવતા મકાન વિહોણા લાભાર્થીઓને મકાન સહાય આપવાનું કોઈ આયોજન કરવામાં આવેલ નથી. તેમજ ચાલુ વર્ષે તેનું આયોજન થાય તેવી પણ કોઈ જ શક્યતા જણાતી નથી.તેમ છતાં હાલ ફતેપુરા તાલુકામાં કેટલાક ગામડાઓમાં ચોક્કસ લોકો દ્વારા ટ્રાયબલ સબ પ્લાન યોજના હેઠળ મકાન સહાય અપાવાના બહાના હેઠળ મકાન સહાય મેળવવા માંગતા જે-તે લાભાર્થી પાસેથી આધાર કાર્ડ, મકાન વેરાની પહોચ,મકાનની આકારણી તેમજ લાભાર્થીના બેન્ક એકાઉન્ટની નકલ સાથે તકવાદી તત્વો દ્વારા પોતાની રીતે ઉભી કરેલ મકાન સહાય મેળવવાની યોજનામાં થતા ખર્ચના રૂપિયા 500/- લેખે ઉઘરાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.પરંતુ ટ્રાયબલ સબ પ્લાન દ્વારા મકાન સહાય અપાવવાના બહાના હેઠળ હાલ જે-તે લાભાર્થીના ડોક્યુમેન્ટ લઈ નાણાં ઉઘરાવવામાં આવી રહ્યા છે.તે ખરેખર ગરીબ અબુધ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.અને કરવામાં આવતી છેતરપિંડીનો વધુ લોકો ભોગ બને નહીં તે બાબતે લાગતા-વળગતા તંત્ર દ્વારા ધ્યાન આપવાની પણ જરૂરત જણાઈ રહી છે.
*ટ્રાયબલ સબ પ્લાન દ્વારા મકાન સહાય આપવા હાલ કોઈ યોજના અમલમાં નથી,અને ચાલુ વર્ષમાં અમલમાં મૂકાય તેવી પણ કોઈ શક્યતા નથી:ફતેપુરા તાલુકા ટ્રાયબલ શાખા.*
ફતેપુરા તાલુકામાં હાલ કેટલાક ગામડાઓમાં ટ્રાયબલ સબ પ્લાન દ્વારા મકાન સહાય આપવાના બહાના હેઠળ કેટલાક લોકો દ્વારા મકાન સહાય મેળવવા માંગતા લાભાર્થીના ડોક્યુમેન્ટ ઉઘરાવવામાં આવી રહ્યા છે.તેમજ ડોક્યુમેન્ટની ઉઘરાણી કરતા લોકો દ્વારા જણાવવામાં આવે છે કે, અમો 200 થી 300 જેટલા મકાન સહાયના કેસો પાસ કરાવી આપીશુ.તેમ જણાવી સમજાવી પટાવીને લોકો પાસેથી ડોક્યુમેન્ટ તથા આ આવાસ યોજનાનો લાભ મેળવવા કરવી પડતી કાર્યવાહીના ખર્ચ પેટે રૂપિયા 500/-થી વધુ પડાવવામાં આવી રહ્યા છે.ત્યારે અમારા સુખસર ખાતેના પ્રતિનિધિએ ફતેપુરા તાલુકા ટ્રાયબલ શાખાનો સંપર્ક કરી રૂબરૂ પૂછપરછ કરતા ટ્રાયબલ શાખાના જવાબદારોએ જણાવેલ કે,હાલ દાહોદ જિલ્લા ટ્રાયબલ દ્વારા મકાન સહાય માટે કોઈ યોજના અમલમાં મુકવામાં આવી નથી.અને ચાલુ વર્ષે આ યોજના બહાર પડવાની શક્યતા પણ જણાતી નથી.તેમજ જ્યારે ટ્રાયબલ સબ પ્લાન દ્વારા આ યોજના અમલમાં હતી.ત્યારે તાલુકા દીઠ માત્ર 50 થી 60 આવાસ યોજનાના મકાનો મંજૂર કરવામાં આવતા હતા.અને તાલુકાની એક ગ્રામ પંચાયત,એક તાલુકા પંચાયત સીટ કે એક જિલ્લા પંચાયત સીટ સહિત એક તાલુકામાં બસો કે ત્રણસો આવાસ મંજુર થાય તે કોઈ કાળે શક્ય નથી.અને હાલ તાલુકામાં ટ્રાયબલ આવાસ યોજના હેઠળ આવાસ ફાળવવા માટે તાલુકાના જે ગામડાઓમાંથી લાભાર્થીના નાણાં સાથે ડોક્યુમેન્ટ લઈ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે તેના માટે ફતેપુરા તાલુકા ટ્રાયબલ શાખા કે દાહોદ જિલ્લા ટ્રાયબલ કચેરીને કાંઈ લાગતું-વળગતું નથી.અને ટ્રાયબલ આવાસ યોજનાના નામે કરવામાં આવતી છેતરપિંડીમાં પ્રજાએ ગેરમાર્ગે દોરવાઈ ડોક્યુમેન્ટ તથા નાણા આપવા જોઈએ નહીં તેમ ટ્રાયબલ શાખા ફતેપુરાના જવાબદારો દ્વારા જાણવા મળેલ છે.